રાજકોટ: આગામી જન્માષ્ટમીના પર્વમાં રાંધણ છઠ્ઠ એટલે કે, તા.22 ઓગસ્ટથી પાંચ દિવસ સુધી રાજકોટ શહેરના રેસકોર્સના મેદાનમાં યોજનારા લોકમેળાનું નામકરણ કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ લોકમેળાને ‘મલ્હાર’ એવું નામ આપવામાં આવ્યું છે. આ નામ છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ પ્રાગૈતિહાસિક સ્થળ મલ્હાર પરથી આપવામાં આવ્યું છે.
રાજકોટ કલેક્ટર શું કહે છે: કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું કે, છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં મલ્હાર નામનું પૌરાણિક નગર છે. જ્યાં, ઇ. સ. પૂર્વે 1000 કાળના શૈવ, વૈષ્ણવ, જૈન અને બુદ્ધની પ્રતિમાઓ આવેલી છે. આ સ્થળ પુરાત્વીય સ્થળ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની યોજના એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ સાંસ્કૃતિક આદાનપ્રદાન માટે પેર સ્ટેટ (pair state) ગુજરાત અને છત્તીસગઢ વચ્ચે જોડાણ થયું છે. આ જોડાણ વર્ષ 2016-17માં કચ્છના સફેદ રણ ખાતે યોજાયેલી ટુરિઝમ કોન્ક્લેવ દરમિયાન કરવા આવ્યું હતું. એ અંતર્ગત લોકમેળાનું મલ્હાર નામ રાખવા વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એવી પણ વિચારણા કરવામાં આવી રહી છે કે આગામી જન્માષ્ટમીના પર્વ દરમિયાન વાઇલ્ડ ફ્લાવર વેલી, ઇશ્વરિયા પાર્ક ખાતે મુલાકાતીઓનો ધસારો રહે છે. તેથી ત્યાં પણ એક સ્થળ નિયત કરી નાની ચકરડીવાળાને તેમની પાસેથી ભાડુ વસુલી મંજૂરી આપવી. મલ્હાર લોકમેળાની વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારોઓ ચાલી રહી છે. લોકમેળામાં સ્ટોલ માટેના ફોર્મનું વિતરણ કાલથી શરૂ કરવામાં આવશે.