વેરાવળ: મૂળ પ્રભાસપાટણનાં પરંતુ છેલ્લા બાવન વરસથી લંડન ખાતે રહેતા ધોબી પરિવારને પૂજ્ય સંત જલારામ બાપા પરત્વે અનન્ય શ્રધ્ધા છે. ત્યારે મુકુંદભાઇ ચુડાસમા કહે છે કે પ્રભાસપાટણનાં રામરાખ ચોક પાસેના મેઈન રોડ ઉપર તેમનું બાપદાદાનુ મકાન હતું તે ખરીદવા મોટી રકમ અને પ્રલોભનો મળ્યાં હતાં. પરંતુ તેના પિતા દુર્લભભાઇ ચુડાસમાની ઈચ્છા હતી કે આ મકાન વેંચવુ નથી અને ત્યાં જલારામ બાપાનું મંદિર બનાવવું છે. પુત્રે તેની તે ઈચ્છા પુરી કરી તેની સાથે એ પણ ઈચ્છા હતી કે મંદિરમાં સત્સંગ થાય તે માટે પહોળાઈ જરૂરી છે માટે બાજુની મિલકત મંદિર માટે ખરીદવા ખૂબ તજવીજ કરેલી જે ઈચ્છા હવે પૂરી થતાં તે મકાન પાડી ત્યાં 24 સ્કવેર મીટરમાં એક હોલ બનશે જે આગામી જલારામ જયંતી પહેલા પૂર્ણ થશે.
પરિવાર દર વર્ષે જલારામ જયંતી અહીં આવી ઉજવણી કરે છે
આ હોલમાં સત્સંગ ભજન કિર્તન ગુંજતા થશે અને મંદિરની એક દિવાલ તોડી તે હોલ સાથે જોડી મંદિર સાથે હોલ જોડાઇ જશે. જલારામ મંદિર બનાવવાનુ જેનું સ્વપ્ન પુત્રે સાકાર કર્યુ છે તેના અને પરિવાર મિત્રો 14 વરસથી વિદેશથી જલારામ જયંતીએ આવી અહીં ઉત્સવ ઉજવે છે અને જેની ઈચ્છાથી અહીં મંદિર બન્યું છે તેવા તેના પિતાનું દુઃખદ અવસાન પણ જલારામ જયંતી શોભાયાત્રા પછીના દિવસોમાં પ્રભાસપાટણ ખાતે થયું હતું. અત્રે ઉલ્લેખનીય એ છે કે, આજનાં સાંપ્રત સમયમાં જ્યારે પોતાનાં બાળકો પોતાનાં જ માતા-પિતાને ઘરમાં સાથે રાખતા ન હોવાનાં બનાવો સામે આવે છે ત્યારે પિતા માટે પોતાનાં ઘરને જ મંદિરને સમર્પીત કરનાર પુત્રો પણ આ જ સમાજમાં વસે છે.