મહેસાણા : કડીમાં લસ્સીના પૈસા માંગતા પોલીસ વેપારીને ઉપાડી ગઇ

0
4

કડી : ગાંધીચોક વિસ્તારમાં મ્યુનિસિપલ શોપિંગ સેન્ટરમાં આવેલી મોરલી કોલ્ડ્રીંક્સ દુકાનના માલિકે અગાઉના લસ્સીના બાકી પૈસાની ઉઘરાણી કરતાં તેની અદાવત રાખીને પોલીસે વેપારીને ગાડીમાં બળજબરીથી ઉપાડી લઈ જઈ તેની સામે ગુનો નોંધવાની ધમકી આપતાં વેપારીએ ડી.જી.પી,રેન્જ આઈ જી સહિતને કસૂરવાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ લેખિત ફરિયાદ કરતાં પોલીસ બેડામાં ફફડાટ વ્યાપ્યો છે.

શહેરના માર્કેટયાર્ડ રોડ સ્થિત અજય એવન્યુ સોસાયટીમાં રહેતા પ્રજાપતિ પિન્કલ કાંતિભાઈ ગાંધીચોકમાં મોરલી કોલ્ડ્રીંક્સ નામની ઠંડાપીણાની દુકાન ચલાવે છે. બુધવારે સાંજે 6:30 કલાકે કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ દિનશેભાઈ પરીખનુ નામ લઈને એક અજાણ્યો શખ્સ દુકાને આવ્યો હતો. તેણે ઉધાર લસ્સી માંગતા વેપારી પિન્કલે દિનેશભાઈના અગાઉના લસ્સીના બાકી પૈસા છે તે આપો અને મને વાત કરાવો કહેતા દિનેશભાઈ સાથે મોબાઈલ ફોન પર વાત કરતા તેમણે કાલે વરલી મટકાવાળો પૈસા આપી જશે અત્યારે તુ બીજી લસ્સી આપી દે તેમ કહી વેપારીને દબડાવતાં વેપારીએ બીજી વખત ઉધાર લસ્સી આપી હતી. જેની અદાવત રાખીને સાડા સાત કલાકે હે.કો.રજનીભાઈ ખેમાભાઈ સહિતના ચાર પોલીસકર્મીઓ પોલીસ વાન મોબાઈલ ગાડી લઈને ઠંડાપીણાની દુકાને આવ્યા હતા અને વેપારી પિન્કલને તું કેમ પોલીસને ઉધાર આપેલ ચીજ વસ્તુઓના પૈસાની ઉઘરાણી કરે છે તેમ કહી માસ્ક પહેરેલ હોવા છતા કેમ માસ્ક પહેર્યું નથી અને લોકડાઉનનો સમય પૂરો થવામાં અડધો કલાક બાકી હતો તેમ છતાં ધાક ધમકી આપી તારી સામે ગુનો નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાનો છે તેમ કહી વેપારી પિન્કલને બળજબરી પૂર્વક  મોબાઈલ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ત્યારબાદ વેપારીના સગા સંબંધીઓએ એકઠા થઈ પોલીસ મથકે હલ્લાબોલ કરતા માંડ વેપારી પિન્કલનો એક કલાકે છૂટકારો થયો હતો. ઘટનાને પગલે શહેરના વેપારીઓમા રોષ ભભૂકી ઉઠ્યો છે. જે મામલે પિન્કલ કાંતિભાઈ પ્રજાપતિએ એઅસઆઇ દિનેશભાઈ, હે.કો.રજનીભાઈ સહિત પાંચ પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુજરાત રાજ્યના પોલીસ વડા સહિત રેન્જ આઈ.જી,મહેસાણા કલેક્ટર, એસપી સહિતને લેખિત ફરિયાદ કરી છે.