અમદાવાદ : વેપારીની દીકરીના ફોટો અને ક્લિપના નામે બહેનપણીના પિતા પાસે 15 લાખની ખંડણીની માંગ કરી, બંનેની અટકાયત

0
0

અમદાવાદ. શહેરના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ પરમારે વેપારીની પુત્રીની મિત્ર સાથે મળી રૂ. 15 લાખની ખંડણીની માંગ કરી  હતી. કોન્સ્ટેબલ અને યુવતીએ ભેગા મળી વેપારીની પુત્રી કોલેજમાં કોની કોની સાથે ફરતી હતી અને કેવા ધંધા કર્યા છે તેના ફોટો અને ક્લિપ હોવાનું કહી બ્લેક મેઈલિંગ કરીને ખંડણી માંગી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ગુનો નોંધી આરોપી કોન્સ્ટેબલ અને યુવતીની અટકાયત કરી લીધી છે.

જાણ્યા નંબરથી ચાર દિવસ પહેલા ફોન કર્યો

નિકોલ નરોડા રોડ પર રહેતા વેપારીના પરિવારમાં સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. ચાર દિવસ પહેલા વેપારીના મોબાઈલ ફોન પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને નામ પૂછ્યું હતું. બાદમાં સામેવાળી વ્યક્તિએ ફોન કટ કરી વોટ્સએપમાં મેસેજ કર્યો હતો કે 22 વર્ષીય મોટી પુત્રી  કોલેજમાં કોની કોની સાથે ફરતી હતી અને કેવા ધંધા કર્યા છે તેના ફોટો અને ક્લિપ છે. મારી સુધી પહોંચવાની કોશિશ કરી તો ફોટો અને ક્લિપ જાહેર કરી દઈશ. મારે 15 લાખની જરૂર છે. કાલે 11 વાગ્યા સુધી મળે તો ઠીક નહીં તો જાહેર કરી દઈશ તેવી ધમકી આપી હતી. બીજા દિવસે વોટ્સએપમાં ફોન આવ્યો હતો પરંતુ ઉપાડ્યો ન હતો. ફરી બીજા દિવસે ફોન કરી ધમકી આપી હતી કે પૈસાનું શુ થયું ? જો પોલીસ ફરિયાદ કરી અને પકડાઈશ તો જેલમાંથી દોઢ વર્ષમાં છૂટી જઈશ અને મારી નાખીશ.

પુત્રી સાથે વેપારીએ ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરી હતી

વેપારીએ આ મામલે પુત્રી સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં અરજી આપી હતી. જેના આધારે સાયબર ક્રાઈમની ટીમે તપાસ શરૂ કરી હતી. દરમ્યાનમાં સાંજે ફોન આવ્યો હતો કે પૈસાનું શુ થયું ત્યારે વેપારીએ આટલા પૈસા નથી કહ્યું હતું. આ વાતચીતનું રેકોર્ડિંગ સાયબર ક્રાઈમની ટીમને આપતા ફોન કરનાર શખ્સ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર હોવાનું બહાર આવ્યું હતુ. કોન્સ્ટેબલ દશરથસિંહે વેપારીની પુત્રીની મિત્ર રૂપલ મહેસૂરિયા સાથે મળી અને 15 લાખની ખંડણી માંગી હતી. ક્રાઈમ બ્રાન્ચે બંનેની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here