વડોદરા : પાણીગેટ વિસ્તારમાં ઘર આંગણે બેઠેલા વૃદ્ધાને નમસ્કાર કરી ગઠિયો સોનાની કડી ખેંચીને ફરાર.

0
32

વડોદરા શહેરના પાણીગેટ દરવાજા પાસે આવેલી ગૌરવ સોસાયટીમાં ઘર આંગણે ખુરશી પર બેસેલા વૃદ્ધાને બે હાથ જોડીને નમસ્કાર કરીને ગઠિયો વૃદ્ધાએ કાનમાં પહેરેલી સોનાની કડી ખેંચી ફરાર થઈ ગયો હતો. વૃદ્ધાએ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે આધારે સિટી પોલીસે અજાણ્યા શખસ વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધાએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા

વડોદરા શહેરના પાણીગેટ દરવાજા પાસે ગૌરવ સોસાયટીમાં રહેતા 62 વર્ષીય અમિતાબેન ચોકસી રવિવારે બપોરે ઘરની બહાર ખુરશી ઉપર બેઠા હતા. તે વખતે આશરે 22 વર્ષની ઉંમરનો યુવક આવ્યો હતો અને બે હાથ જોડી નમસ્કાર કરતા વૃદ્ધાએ પણ તેને બે હાથ જોડી નમસ્કાર કર્યાં હતા અને અચાનક તે વૃદ્ધાએ કાનમાં પહેરેલી રૂપિયા 8 હજારની કિંમતની સોનાની કડી ખેંચી નાસી છૂટ્યો હતો. બનાવના પગલે વૃદ્ધાએ બૂમાબૂમ કરતા સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા, પરંતુ, યુવક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.દરમિયાન આ બનાવ અંગેની સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જહાંગીરપુરામાં પરિવાર ઉપરના માળે જમવા બેઠો અને તસ્કર ઘરમાં હાથ ફેરો કરી ગયો

બીજા બનાવમાં વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા જહાંગીરપુરામાં જમવા બેઠેલા પરિવારના મકાનને ટાર્ગેટ કરી અજાણ્યો તસ્કર તિજોરીને ચાવી વડે ખોલી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 68 હજારની મત્તા ચોરીને નાસી છૂટ્યા હતા. જહાંગીરપુરામાં રહેતા મહંમદ જાવેદ શેખ ફેબ્રીકેશન વ્યવસાય સાથે સંકળાયેલા છે. શનિવારે રાત્રે 8 વાગ્યે તેઓ ઘરને સાંકળ મારી ઉપરના માળે તેઓના માતા-પિતા સાથે જમવા માટે ગયા હતા અને ત્યારબાદ એક કલાક પછી નીચે આવતા ઘરની સાંકળ ખુલ્લી જણાઈ આવી હતી. તપાસ કરતા ઘરની તિજોરીને ચાવી વડે ખોલી સોના-ચાંદીના ઘરેણા ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું.

વાડી પોલીસે તપાસ શરૂ કરી

30 હજારની કિંમતનો સોનાનો સેટ, 20 હજારની કિંમત ધરાવતી સોનાની ચેન, 10 હજારની કિંમત ધરાવતી સોનાની કડી, 4 હજારની કિંમતના ચાંદીના છડા તથા રોકડા 4000 મળીને 68,000ની મત્તા ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here