કચ્છના નાના રણમાં આજે પણ જોવા મળે છે ચળકતા પથ્થરનો ડુંગર

0
0

વેરાન રણમાં રેતી સિવાયના દ્રશ્યોની કલ્પના કરવી વાંઝણી સાબીત થાય. ખારાઘોડા- ઝીંઝુવાડાના રણમાં અસ્તિત્વમાન 42 બેટ ફ્લેમિંગો અને સફેદ પેણ (પેલીકેન) પક્ષીઓનું હંગામી રહેઠાણ છે. જેમાં રણના કેશમારા બેટ પર આર્મીની ફાયરીંગ રેન્જ છે, તો મરડેક બેટ પર આજેય ચળકતા પથ્થર (ફોસીલ્સ)નો ડુંગર ધરોબાયેલો છે.

કચ્છના નાના રણનો લગભગ વેરાન કહી શકાય એવો 4954 ચો.કિ.મી.નો વિશિષ્ટ ખારોપાટ ઘૂડખર અભયારણ્ય સ્વરૂપે અંદાજે 6032 ઘૂડખરોનો પનાહગાહ બન્યો છે. ત્યારે આ રણની આગવી વિશિષ્ટતા ગણીએ તો અહીં નાના-મોટા થઇને 42 જેટલા બેટો અસ્તિત્વમાન છે. જે ચોમાસામાં વિરાટ પ્રમાણમાં નાના-મોટા ફ્લેમિંગો અને સફેદ પેણ (પેલીકેન) પક્ષીઓનું હંગામી રહેઠાણ પણ બને છે.

સાતત્યપૂર્ણ ભૂસ્તરીય ફેરફારોના કારણે દરિયાથી અલગ પડી ગયેલો આ વિસ્તાર એક સમયે અરેબિયન સમુદ્રનો છીછરો ભાગ હતો. ભૌગોલિક ફેરફારોના કારણે અહીં રચાયેલું સરોવર મહાન યોધ્ધા સિંકદરના સમય સુધી વહાણવટા માટે વપરાતુ હતુ. સિંધુ, બનાશ, સરસ્વતી અને રૂપેણ જેવી વિશાળ નદીઓ દ્વારા ઠલવાયેલા કાંપ અને પાકૃતિક ભૂગર્ભિય હલન-ચલનના કારણે હાલનું રણ અસ્તિત્વમાં આવ્યું છે.

રણમાં અસ્તિત્વમાન 42 નાના-મોટા બેટોમાંથી મરડક બેટમાં ચળકતા પથ્થરનો ડુંગર ધરોબાયેલો છે. મરડક ડુંગરમાં ચળકતા પથ્થરનો પુષ્કળ ખજાનો એટલે કે ફોસીલ્સ (લાકડું તથા પથ્થર મીક્ષ) જોઇને સૌ આજેય દંગ રહી જાય છે. મરડક બેટથી દક્ષિણ-પશ્ચિમે ‘કેશમારા’ નામનો બેટ આવેલો છે. જે અંગે રણ ખૂંદનાર અભ્યાસુ શાહભાઇ મલીક જણાવે છે કે, સ્થાનિક જબાનમાં આ બેટને કેશમાળા તરીકે ઓળખવામાં આવે છે. આ બેટ પર બ્રિટિશ સમયમાં “આર્ટિલરી ટ્રેઇનીંગ સેંટર” હતુ. જ્યાં સૈનિકોને તોપ ફોડત‍ા શીખવવામાં આવતી. આમ તો જમીનમાં લોખંડ, નિકલ, ત્રાંબુ, સોનુ, પ્લેટિનમ અને યુરેનિયમ જેવી અનેક ધાતુઓ ધરોબાયેલી પડી છે.

આ ઉપરાંત એવી એક ધાતુ “નિકલ” આ કેશમારા બેટમાં ભુગર્ભના લાવા સાથે નીકળી હતી જેને જરૂર પડ્યે અમુક પ્રોસેસ થકી માટીથી નોખી પાડી શકાય છે. એ નિકલ કેશમારા બેટના પથ્થરોને સલામત રાખી રહ્યું છે. તથા લાખો ફાયરીંગ થવા છતાંય આ બેટ અડીખમ ઉભો છે. આજ કારણસર આપણી આર્મીએ અહીં એમની ફાયરીંગ રેન્જ બનાવી છે. જેનાથી આજુબાજુના રેવન્યુ વિસ્તારને કોઇ અડચણ ન પહોંચે. અત્યારે આ કેશમારા બેટ પર પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી છે.

ખારાઘોડા રણના પુમ્બ બેટ પર રણલોંકડીના નવ જીવંત દર મળી આવ્યા
રણમાં વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘુડખર સહિત અસંખ્ય સસ્તન પ્રાણીઓ વસવાટ કરે છે. જેમાં રણમાં સામાન્ય રીતે સાદી લોંકડી અને રણલોંકડી અેમ બે પ્રકારની લોંકડીઓ વસવાટ કરે છે. રણમાં આવેલા કુલ 42 પ્રકારના વિવિધ બેટોમાંથી પુમ્બ બેટ પર રણલોંકડીના નવ જીવંત દર મળી આવ્યા બાદ વનવિભાગના જણાવ્યાનુસાર રણમાં અંદાજે 100થી 125 જેટલી દુર્લભ રણલોંકડી હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. કચ્છના નાના રણના કેશમારા બેટ પર આર્મીની ફાયરીંગ રેન્જ છે, તો મરડેક બેટ પર આજેય ચળકતા પથ્થરનો ડુંગર ધરોબાયેલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here