સુશાંત કેસમાં બહુ ગાજતી રિપબ્લિક ચેનલ TRP વધારવા માટે લાંચ આપતી હતી : મુંબઈ પોલીસનો ચોંકાવનારો આરોપ

0
0

સુશાંત આત્મહત્યા કેસમાં બૂમબરાડા પાડીને દેશભરમાં ચર્ચા જગાવનારી રિપબ્લિક ચેનલ સામે મુંબઈ પોલીસે બહુ મોટો આરોપ મૂક્યો છે. ચેનલ પોતાની TRP વધારવા માટે લાંચ આપતી હોવાના આક્ષેપ સાથે મુંબઈ પોલીસે 2ની ધરપકડ કરી છે. બીજી તરફ રિપબ્લિક મીડિયા નેટવર્કે આ આરોપોને ખોટા ગણાવ્યા છે.

મુંબઈ પોલીસે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે સુશાંત કેસમાં ખાસ પ્રકારના હેતુથી અપપ્રચાર ચલાવવામાં આવતો હતો અને બનાવટી TRPનું રેકેટ ચાલતું હતું. ઊંચો TRP બતાવવા માટે પૈસા ચૂકવવામાં આવતા હતા. મલિન હેતુ પાર પાડવા માટેનું આ બદનિયતભર્યું અભિયાન હતું, એમ જણાવતાં મુંબઈ પોલીસે આ સંદર્ભે 2 વ્યક્તિની ધરપકડ કરી હોવાનું ઉમેર્યું હતું. અલબત્ત, કોની ધરપકડ થઈ છે અને પોલીસે શું પુરાવા મેળવ્યા છે એ વિશે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

પોલીસ કમિશનર પરમવીર સિંહે કહ્યું હતું કે રિપબ્લિક ચેનલ સહિત કુલ 3 ચેનલના વ્યવહારોની તપાસ ચાલી રહી છે. આ ત્રણેય ચેનલ TRP કૌભાંડમાં સંડોવાયેલી છે. રિપબ્લિક સિવાય બીજી બે ચેનલ કઈ એ વિશે તેમણે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.

ક્રાઈમ બ્રાન્ચે કર્યો રેકેટનો ખુલાસો

કમિશ્નરે કહ્યું કે અમને એવી માહિતી મળી હતી કે ખોટી TRP લાવીને કેટલીક ચેનલ્સ TRP મેન્યૂપ્લેટ કરી રહી છે. ન્યુઝ ચેનલ્સ નકલી નંબર એકત્રિત કરીને નંબર એક બનવાની કોશિશ કરી રહી છે. આ મામલામાં બે નાની ચેનલોના માલિક કસ્ટડીમાં છે. રિપબ્લિક ચેનલના પ્રમોટર અને ડાયરેક્ટરની વિરુદ્ધ તપાસ કરવામાં આવી રહી છે. ધરપકડમાં લેવામાં આવેલા લોકોએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે રિપબ્લિક પૈસા આપીને TRP વધારતુ હતું.

કઈ રીતે થઈ રહ્યો હતો TRPનો ખેલ ?

કમિશ્નરે જણાવ્યું કે તપાસ દરમિયાન એવા ઘર મળ્યા છે, જ્યાં TRPનું મીટર લાગેલુ હતું. આ ઘરના લોકોને પૈસા આપીને સમગ્ર દિવસ દરમિયાન એક જ ચેનલ ચલાવવામાં આવતી હતી, જેથી ચેનલની TRP વધે. તેમણે એ પણ કહ્યું કે કેટલાક ઘર તો એવા હોવાનો ખુલાસો થયો છે કે જે બંધ હોવા છતા તેમાં ટીવી ચાલતુ હતું. એક સવાલના જવાબમાં કમિશ્નરે કહ્યું કે આ ઘરના સભ્યોને ચેનલ કે એજન્સીઓ તરફથી રોજના 500 રૂપિયા સુધી આપવામાં આવતા હતા.

બીજા નામો પ્રકાશમાં આવશે તો તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી થશે

કમિશ્નરે કહ્યું કે અત્યાર સુધીમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરવામાં આવી છે. રિપબ્લિક અને બે સ્થાનિક ચેનલનું આ કૌભાંડમાં નામ પ્રકાશમાં આવ્યું છે. રિપબ્લિક ચેનલના ડાયરેક્ટર, પ્રમોટર્સને સમન્સ મોકલીને તપાસ માટે બોલાવવામાં આવશે. તેમણે કહ્યું કે આ મામલામાં ખૂબ જ વિગતે તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ બીજા નામો પ્રકાશમાં આવશે તો તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

રિપબ્લિક ટીવીએ કહ્યું- આ આરોપ ખોટો છે

રિપબ્લિક મીડિયા નેટવર્કના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીએ એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહએ રિપબ્લિક ટીવીની વિરુદ્ધ ખોટા આરોપો લગાવ્યા છે, કારણ કે અમે સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેમની તપાસ પર સવાલ ઉઠાવ્યા હતા. રિપબ્લિક ટીવી મુંબઈ પોલીસ કમિશ્નરની વિરુદ્ધ માનહાનિનો કેસ કરશે. ભારતના લોકો સત્ય જાણે છે. સુશાંત કેસમાં મુંબઈ પોલીસ કમિશ્નરની તપાસ સવાલોના ઘેરામાં હતી. પાલઘર કેસ હોય, સુશાંત મામલો હોય કે પછી કોઈ બીજો મામલો રિપબ્લિક ટીવીના રિપોર્ટિંગના પગલે જ પગલા ભરવામાં આવ્યા છે. આ રીતે ટાર્ગેટ કરવાની કોશિશ રિપબ્લિક ટીવીમાંના દરેક વ્યક્તિના સત્ય સુધી પહોંચવાના સંકલ્પને વધુ મજબૂત કરશે. BARCએ તેના કોઈ પણ રિપોર્ટમાં રિપબ્લિક ટીવીનો ઉલ્લેખ કર્યો નથી. આ સંજોગોમાં પરમબીર સિંહનું આ પગલુ સંપૂર્ણ રીતે તેમને ઉજાગર કરી રહ્યું છે. તેમણે અધિકારિક રીતે માંફી માંગવી જોઈએ. તેઓ કોર્ટમાં અમારો સામનો કરવા તૈયાર રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here