મૂડી બજાર : કોરોના વાઈરસ સંકટ વચ્ચે FPIએ એપ્રિલ મહિનામાં ભારતીય બજારોમાંથી રૂ. 12,650 કરોડનું રોકાણ પાછું ખેંચ્યું

0
5

નવી દિલ્હી. કોરોના વાઈરસ (કોવિડ -19) સંકટ વચ્ચે ફોરેઈન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોએ (FPI ) એપ્રિલમાં ભારતીય મૂડી બજારો (શેર અને ડેટ માર્કેટ)માંથી રૂ. 12,650 કરોડની વેચવાલી કરી છે. ડિપોઝિટરી ડેટા અનુસાર, FPIએ 1થી 17 એપ્રિલના ગાળામાં ભારતીય શેર બજારોમાંથી રૂ. 3,808 કરોડ પાછા ખેંચ્યા હતા. આ સમય દરમિયાન તેણે બોન્ડ માર્કેટમાંથી રૂ. 8,842 કરોડ કાઢ્યા હતા. જોકે, માર્ચની તુલનામાં  ફોરેઈન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોએ એપ્રિલમાં વેચવાલી ઓછી કરી છે. તેઓએ માર્ચમાં અંદાજે રૂ. 1.1 લાખ કરોડનો માલ વેચ્યો હતો.

એપ્રિલમાં FPIની વેચવાલી ધીમી પડી છે

મોર્નિંગસ્ટાર ઇન્ડિયાના સિનિયર એનાલિસ્ટ હિમાંશુ શ્રીવાસ્તવે કહ્યું કે, મૂડી બજારોમાંથી વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારો દ્વારા ઉપાડની ગતિ ઘટી છે. શેર બજારમાં તો અત્યારે એવું જ લાગી રહ્યું છે. તેમણે કહ્યું કે, એપ્રિલમાં ઘણી રજાઓ હોવાને કારણે, આ મહિનામાં અત્યાર સુધીમાં ફક્ત 8 સત્રોમાં કામકાજ થયા છે. આમાંથી 4 સત્રોમાં FPIએ શેરની ચોખ્ખી ખરીદી કરી હતી.  શ્રીવાસ્તવે કહ્યું કે માર્કેટમાં ઘટાડાથી વિદેશી રોકાણકારોને પણ ઓછા ભાવે શેર ખરીદવાની તક મળી છે.

વિદેશી બજારોમાં સ્થિરતા આવી રહી છે
ગ્રોના સહ-સ્થાપક અને COO હર્ષ જૈને ચાર સત્રમાં શેર બજારોમાં વિદેશી રોકાણ વધવાના કારણને સમજાવતાં કહ્યું કે વિદેશી બજારો સ્થિર થઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે યુરોપના ઘણા ભાગોમાં કોરોનાનો ખરાબ તબક્કો મોટાભાગે પસાર થઇ ગયો છે. આનાથી વિદેશી રોકાણકારો ઉત્સાહિત છે. ઓપેક અને રશિયા વચ્ચે ક્રૂડ કરાર પણ બજારની સ્થિરતાને વેગ આપે છે.

વિદેશી રોકાણકારો જોખમ લેવાનું ટાળી શકે છે

શ્રીવાસ્તવે જોકે જણાવ્યું હતું કે આવનારો સમય ઉતાર-ચડાવથી ભરેલો હોઈ શકે છે. આવી સ્થિતિમાં FPI ભારત જેવા ઉભરતા બજારોમાં રોકાણ કરવાનું નક્કી કરવામાં ખૂબ કાળજી રાખશે. અત્યારે તેઓ વધુ જોખમ લેવાનું ટાળી શકે છે અને ડોલર અને સોના જેવા સલામત રોકાણ સાધનોમાં રોકાણ વધારી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here