કોરોના દુનિયામાં : 24 કલાકમાં વિશ્વમાં 5 લાખ 26 હજાર લોકો કોરોના પોઝિટિવ મળ્યા

0
6

દુનિયાભરમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. ગત 24 કલાકમાં વિશ્વમાં 5 લાખ 26 હજાર લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. આ દરમિયાન 6,490 લોકોનાં મોત નીપજ્યાં હતા. પ્રતિ દિવસ સૌથી વધુ કેસ ભારતમાંથી મળી રહ્યા છે. રવિવારે ભારતમાં રેકોર્ડબ્રેક 1.03 લાખ કેસો સામે આવ્યા હતા. તો 60,922 સંક્રમિતો સાથે ફ્રાન્સ બીજા અને 41,998 પોઝિટિવ રિપોર્ટની સાથે તુર્કી ત્રીજા નંબર પર આવે છે.

છેલ્લા કેટલાક સમયથી કોરોના કહેરથી ઝઝૂમી રહેલા દેશો પૈકી અમેરિકા અને બ્રાઝિલમાં હવે થોડી રાહત વર્તાઈ રહી છે. બન્ને દેશોમાં અત્યારે સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ગત 24 કલાકમાં અમેરિકામાં 36,983 અને બ્રાઝિલમાં 31,359 કેસ પોઝિટિવ આવ્યા છે. અમેરિકામાં આની પહેલાં 50થી 60 હજાર અને બ્રાઝિલમાં 70થી 90 હજાર કેસો આવી રહ્યા હતા.

બાંગ્લાદેશમાં આજથી લોકડાઉન
બાંગ્લાદેશમાં કોરોનાની નવી લહેર ઝડપથી સંક્રમણ ફેલાવી રહી છે. અહીં આજથી એટલે કે 5 એપ્રિલ સોમવારથી એક સપ્તાહનું લોકડાઉન લાદવામાં આવ્યું છે. દેશના પરિવહનમંત્રી અબ્દુલ કાદિરે શનિવારની સવારે ઘોષણા કરી હતી. કાદિર બાંગ્લાદેશની PM શેખ હસીનાની પાર્ટીના જનરલ સેક્રેટરી પણ છે.

લોકડાઉન દરમિયાન માત્ર જરૂરી વસ્તુઓનું વેચાણ અને એના માટે પરિવહનની છૂટ અપાઈ છે. ગત દિવસે અહીં કોરોનાના 7,087 નવા કેસો સામે આવ્યા હતા. આની સાથે અત્યારે કોરોનાના 6.40 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

કોરોનાં અપડેટ્સ

  • હૉન્ગકૉન્ગમાં ચીનની સિનોવેક વેક્સિન લીધાના એક મહિનામાં એક 62 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે. વેક્સિનેશન બાદ અત્યારસુધી અહીં 14 લોકોનાં મૃત્યુ થયાં છે.
  • આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડિઝને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમણે પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોનો કોવિડ ટેસ્ટ કરવા અપીલ કરી હતી.
  • પાકિસ્તાનમાં ગત વર્ષથી સંક્રમણ શરૂ થયા પછી રવિવારે પહેલીવાર 3,568 ક્રિટિકલ કેસો મળ્યા છે. આની પહેલાં પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યું હતું કે લોકો ઘરની બહાર નીકળતા સમયે તકેદારી નથી રાખતા, જેના પરિણામે સંક્રમણની પરિસ્થિતિ બેકાબૂ બની છે.

અત્યારસુધી 13.18 કરોડ લોકો સંક્રમિત
વિશ્વમાં અત્યારસુધી કુલ 13.18 લોકો કોરોનાવાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે, તેમાંથી 10.61 કરોડ સાજા થઈ ગયા છે અને 28.65 લોકો મૃત્યુ પામ્યા છે, તો 2.27 કરોડ દર્દીઓ એવા છે જેમની સારવાર હજુ ચાલી રહી છે, જેમાંથી 98,845 દર્દીની હાલત ગંભીર છે.

ટોપ 10 દેશ, જ્યાં અત્યારસુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ સંક્રમિત મોત સાજા થયા
અમેરિકા 31,420,331 568,777 23,946,703
બ્રાઝિલ 12,984,956 331,530 11,357,521
ભારત 12,587,920 165,132 11,679,958
ફ્રાન્સ 4,822,470 96,678 299,624
રશિયા 4,580,894 100,374 4,204,081
UK 4,359,388 126,836 3,901,642
ઈટલી 3,668,264 111,030 2,988,199
તુર્કી 3,487,050 32,263 3,105,350
સ્પેન 3,300,965 75,698 3,054,725
જર્મની 2,895,631 77,557 2,569,400

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here