હોળીને ડાયરાની જેમ એક જગ્યાએ બેસીને ઉજવવાની પ્રથા ઉત્તરાખંડના કુમાઉં,નૈનિતાલ અને અલ્મોડા જિલ્લામાં જોવા મળે છે.હોળીના પર્વને દિવસોની વાર હોય ત્યારથી જ હોળીનો રંગ લોકોના ગીત સંગીતમાં ઢોળાવા લાગે છે.આ રંગમાં માત્ર અબીત ગુલાલ જ નહી હોળી ગીતો અને સંગીતની એક શાીય પરંપરા પણ તેમાં ભળે છે.
રાજસ્થાનના બરસાનાની લઠમાર હોળી જેવી જ સંગીતમય હોળીઓ પણ દેશની શાન ગણાય છે. સાંજના સમયે કુમાઉમા ઘરે ઘરે થતી સંગીત હોળીને બૈઠિકા કહે છે. જેમાં હાર્મોનિયમ,તબલા ઉપરાંત પરંપરાગત સંગીતનો લય પ્રભાવિત કરે છે.તેમાં મીરાબાઇ, નજીરથી માંડીને બહાદુરશાહ ઝફરની પણ રચનાઓ સાંભળવા મળે છે. એક બીજાના શબ્દો અને ભાવને પકડીને આગળ પણ લઇ જાય છે. મોડી રાત સુધી મુબારક હો મંજરી ફૂલો ભરી તથા ઐસી હોલી ખેલે જનાબઆલી જેવી ઠુમરીઓ ગાવામાં આવે છે. પુરુષોની જેમ મહિલાઓની પણ મહેફિલ હોય છે.
પુરુષોમાં ઠુમરી અને ખયાલ જયારે મહિલાઓમાં લોકગીતો વધારે પ્રચલિત છે. સંગીતમય હોળીમાં દિયર ભાભીના મજાકિયા ગીતોથી માંડીને રાજકિય ટીખળો પણ ભળે છે. કયારેક આઝાદીની આંદોલનો અને સાપ્રત સમસ્યાઓ પણ ડોકાય છે. હોળીને ગાવાની પરંપરા કુમાઉક્ષેત્રમાં વધારે જોવા મળે છે. આ પ્રથા કેવી રીતે શરુ થઇ એનો કોઇ લેખિત આધાર મળતો નથી પરંતુ ઇસ્લામિક સંસ્કૃતિ અને ઉર્દુની પણ અસર પણ જોવા મળે છે.
એવી જ રીતે ભારતની સાંસ્કૃતિક નગરી બનારસની હોળી પણ સાવ નિરાળી છે. અહીં અબીલ ગુલાલ છાંટવા માટે ફાગણની પુર્ણીમાની કોઇ રાહ જોતું નથી. અગિયારશની તિથિએ હોળી મિલન અને સમારોહ સાથે જ ઉત્સવનો આરંભ થઇ જાય છે. યુવાનોના ગુ્પ ઢોલ નગારાની થાપ પર ફાગના ગીતો ગાતા નજરે પડે છે.હોળી પર્વ નિમિત્તે બારાત કાઢવીએ બનારસની આગવી પરંપરા છે. જેમાં દુલ્હો રથ પર સવાર થઇને નિકળે છે.
જાનનું આગમન થાય એટલે ચોકકસ સ્થળે તેનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવે છે. ચોરીના ફેરા માટેનો મંડપ સજાવવામાં આવે છે. જાણ કે પરણવા ઉતાવળી થયેલી હોય એમ દુલ્હન સોળે શણગાર સજીને મંડપમાં આવે છે. લગ્નના મંડપમાં દુલ્હા અને દુલ્હન વચ્ચે ચકમક ઝરે છે આથી દુલ્હાએ પહેરેલા કપડે પરણ્યા વીના પાછા ફરવું પડે છે.દુલ્હા અને દુલ્હન વચ્ચેના ચકમકના સંવાદોમાંથી ઉત્પન્ન થતું હાસ્ય માણવા અનેક લોકો એકઠા થાય છે.