પુલાવ નામ સાંભળતા જ દિલ ખુશ થઇ જાય. કલરફૂલ અને ટેસ્ટી પુલાવ ભાગ્યે જ કોઇને આર્કષે નહીં તેવું બને. ભાત વગર આપણું ભાણું અધૂરું હોય છે. પુલાવ બનાવવામાં પણ સહેલો હોય છે. બનાવ્યા પછી તો બસ તૂટી જ પડો એવી ફિલિંગ આવે. તો હવે ડિનરમાં પ્લાન કરી લો મટર પુલાવ. જાણો બનાવવાની સરળ રીત અને મેળવો બેસ્ટ ટેસ્ટ.
મટર પુલાવ
સામગ્રી
-એક કપ ચોખા(અડધો કલાક પાણીમાં પલાળેલા)
-બે કપ લીલા વટાણા
-ત્રણ નંગ લીલા મરચાં
-એક ટીસ્પૂન જીરૂં
-બે ટીસ્પૂન તેલ
-બે નંગ કાળી એલચી
-6-7 નંગ કાજુ
-પાંચ લવિંગ
-પાંચ કાળા મરી
-બે તજના ટુકડા
-ત્રણ તમાલપત્ર
-બે નંગ મોટી ડુંગળી સમારેલી
-બે કપ પાણી
-મીઠું સ્વાદ અનુસાર
-કોથમીર ગાર્નિશિંગ માટે
રીત
સૌપ્રથમ એક ડીપ પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, લવિંગ, કાળા મરી, તજ, કાજુ ઉમેરો. લગભગ અડધી મિનિટ બાદ એલચીનું મુખ ખોલીને તે અને તમાલપત્ર નાંખીને ફરીથી બરાબર સાંતળો. હવે તેમાં લીલા મરચાં અને ડુંગળી નાંખીને સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં લીલા વટાણા અને મીઠું નાંખીને ફરીથી બરાબર મિક્સ કરી લો. લગભગ બે મિનિટ બાદ કોથમીર નાંખીને ફરીથી બરાબર મિક્સ કરી લો. હવે બે કપ પાણી નાંખીને બધી જ સામગ્રીને બરાબર હલાવી લો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં પલાળી રાખેલા ચોખા બરાબર ધોઈને ઉમેરો. બરાબર હલાવીને પેનને ઢાંકીને ચઢવા દો. લગભગ વીસેક મિનિટમાં પાણી બળી જશે. જોઈ લેવું કે ચોખા બરાબર ચઢી ગયા છે કે નહીં. જો ચઢી ગયા હોય તો ગેસ બંધ કરીને કોથમીરથી ગાર્નિશ કરીને ગરમ-ગરમ વટાણા પુલાવ સર્વ કરો.
આ ગરમાગરમ અને ટેસ્ટી પુલાવને દહીં સાથે સર્વ કરવાથી પરિવાર ખુશ થશે.