બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકાના મેઘવડીયા ખાતે કેરી નદી પટ્ટમાં બિન અધિકૃત ખનન પ્રવૃત્તિ પ્રકરણમાં રૂા.૧૨,૧૨,૬૦૦ વસુલવા બોટાદની સેસન્સ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવેલ છે અને કસુરદાર દ્વારા સરકારી પડતર જમીનમાં ગેરકાયદે કબ્જો કરી પ્લાન્ટ ઊભો કર્યો હોય જેની સામે યોગ્ય કાર્યવાહી કરવા ગઢડા મામલતદારને પત્ર પાઠવવામાં આવ્યો છે.આ અંગેની વિગત અનુસાર મદદનીશ ભુસ્તરશાસ્ત્રી ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું, બોટાદને મળેલી ટેલિફોનીક ફરિયાદો અન્વયે કચેરીની તપાસ ટીમ દ્વારા ગઢડા તાલુકાના મેઘવડીયા ખાતે કેરી નદી પટ્ટમાં અવાર નવાર તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેમાં તપાસમાં રેતી ખનીજ ચાળવાના ત્રણ ચારણા તપાસ ટીમને મળી આવ્યા હતા. જેની વિગતે તપાસ કરતાં ચારણાનો ઉપયોગ સાદી રેતી ખનીજના બિન-અધિકૃત ખનન પ્રવૃત્તિમાં થતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થતાં ત્રણ ચારણા તપાસ ટીમ દ્વારા સીઝ કરી સરપંચ, મેઘવડીયાની કસ્ટડીમાં ગ્રામ પંચાયત, મેઘવડીયા ખાતે રાખવામા આવ્યા હતા. તથા ચારણા મયલુભાઈ ઉર્ફે મહેશભાઈ ગભરુભાઈ ખાચરે તેમની માલિકીના હોવાનું જણાવતા તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું, જે ત્રણ ચારણા પૈકી બે ચારણા ગ્રામ પંચાયત ખાતેથી કસુરદાર દ્વારા દંડકીય રકમની ભરપાઈ કર્યા વગર ચોરી ગયેલા હોવાથી માઇન્સ સુપરવાઇઝર એન.એમ. વરમોરા દ્વારા ગઢડા પોલીસ સ્ટેશન ખાતે સરકાર પક્ષે સીઝ કરેલા મુદ્દામાલની ચોરી અન્વયે તા.૩૧-૫-૨૦૨૪થી એફ.આઇ.આર. દાખલ કરવામાં આવી હતી.વધુમાં, અત્રેની તપાસ ટીમની મેઘવડીયા ગામ ખાતે કેરી નદી પટ્ટમાં તા.૧૭-૪-૨૦૨૪થી તપાસ દરમ્યાન નદીને સંલગ્ન સરકારી પડતરની સર્વે નં.૨૭૨ વાળી જમીનમાં કસુરદાર મયલુભાઈ ઉર્ફે મહેશભાઇ ગભરુભાઈ ખાચર દ્વારા કોઈપણ જાતની પરવાનગી વગર રેતી ખનીજ ચાળવાનો ઇલેક્ટ્રીક પ્લાન્ટ ઊભો કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી તપાસ ટીમ દ્વારા કસુરદારનું નિવેદન લેવામાં આવ્યું હતું તથા પંચરોજકામ કરી પ્લાન્ટને સ્થળે સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ વિસ્તારને લાગુ કેરી નદીમાં થયેલા સાદી રેતી ખનીજના ગેરકાયદે ખાણકામ વાળા વિસ્તારની માપણી કરવામાં આવી હતી. સમગ્ર ગેરકાયદે પ્રવૃત્તિ અન્વયે કસુરદાર મયલુભાઈ પાસેથી રૂ.૧૨,૧૨,૬૦૦ની દંડકીય વસુલાત કરવાની હોય તેની સામે અત્રેના માઈન્સ સુપરવાઇઝર એન.એમ.વરમોરા દ્વારા સેશન્સ કોર્ટ, બોટાદ ખાતે ફરિયાદ દાખલ કરી છે. તેમજ કસુરદાર દ્વારા સરકારી પડતર જમીનમાં ગેરકાયદે કબ્જો કરી પ્લાન્ટ ઊભો કર્યો હોય જેની સામે યોગ્ય કાર્યવાહી કરવા મામલતદાર, ગઢડાને પત્ર લખી જણાવવામાં આવ્યું છે, તેમ મદદનીશ ભુસ્તરશાસ્ત્રી, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.