Thursday, October 28, 2021
Homeવડોદરામાં 279 ઉમેદવારોના ભાવી EVMમાં સીલ થઈ ગયા છે, કયા પક્ષને કેટલી...
Array

વડોદરામાં 279 ઉમેદવારોના ભાવી EVMમાં સીલ થઈ ગયા છે, કયા પક્ષને કેટલી બેઠકો મળશે તેવા દાવા કોઈ કરતુ નથી

વડોદરામાં 279 ઉમેદવારોના ભાવી EVMમાં સીલ થઈ ગયા છે-(ફાઈલ તસવીર)
  • વડોદરામાં કયા પક્ષને કેટલી બેઠકો મળશે તેવા દાવા કોઈ કરતુ નથી

21 ફેબ્રુઆરીના રોજ પાલિકાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ હવે વડોદરા શહેરના ચોરે ને ચૌટે પરિણામોની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. આ વખતની ચૂંટણીમાં કોરોના કાળ દરમિયાન થાળીઓ, તાડીઓ વગાડનાર મતદારો કરતા કોરોના કાળમાં પીડિત મતદારો દ્વારા વધુ મતદાન કરવામાં આવ્યું હોવાનું મનાય રહ્યું છે, ત્યારે કોરોના કાળ દરમિયાન પીડિત મતદારો મોટા ગેમ ચેન્જર બને તેવી શક્યતાઓ રાજકીય પંડિતો જોઇ રહ્યા છે.

કોર્પોરેશનમાં પરિવર્તન જોવા મળશે તેવો કોંગ્રેસનો દાવો

રવિવારે ચૂંટણી પૂરી થયા બાદ સૌથી વધુ ચર્ચા કોર્પોરેશનમાં કયા પક્ષની કેટલી સીટો આવશે અને કોણ જીતશે અને કોણ હારશે, તેની થઇ રહી છે. ચાની લારીઓ, પાનના ગલ્લા, સોશિયલ મીડિયા સહિતના પ્લેટફોર્મ ઉપર કયા પક્ષને કેટલી બેઠકો મળશે, કયા ઉમેદવારો જીતશે, કોર્પોરેશનમાં કેટલા નવા ચહેરાઓ ચૂંટાઇને જશે. તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. કોર્પોરેશનમાં ભાજપાની સત્તા યથાવત રહેશે કે, પરિવર્તન આવશે, તે અંગે રાજકીય પંડિતો પણ ખુલીને બોલી શકતા નથી. જોકે, ભાજપ દ્વારા સ્પષ્ટ બહુમતી સાથે સત્તા કબજે કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ દ્વારા આ વખતે કોર્પોરેશનમાં પરિવર્તન જોવા મળશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

ધંધા-રોજગાર અને નોકરી ગુમાવનાર પીડિત વર્ગ મતદાન કરવા નીકળ્યો હતો

21 ફેબ્રુઆરીએ સાંજે મતદાન પૂરું થયા બાદ મતદાનની ટકાવારી જાહેર થતાં જ શહેરમાં કોણ જીતશે અને કોણ હારશે તે અંગેની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન છે. કોર્પોરેશનની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરાવવાની ભાજપની તમામ મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. કોરોના કાળ દરમિયાન થાળીઓ અને તાળીઓ વગાડનાર મતદારો મતદાન કરવા નીકળ્યા નથી. કોરોના કાળ દરમિયાન ધંધા-રોજગાર અને નોકરી ગુમાવનાર પીડિત વર્ગ મતદાન કરવા વધુ નીકળ્યો છે. જોકે, આ પીડિત વર્ગનો ઝોક કોની તરફ રહ્યો છે, તે પીડિત મતદારો કળવા દેતા નથી. કોંગ્રેસનું માનવું છે કે, કોરોના કાળ દરમિયાન પીડિત મતદારો કરવામાં આવેલુ મતદાન કોંગ્રેસને ફાયદો કરશે. જેથી કોંગ્રેસ કોર્પોરેશનમાં પરિવર્તનના સપનાં જોઇ રહ્યું છે.

ઉમેદવારો પાતળી સરસાઇથી જીતશે

વર્ષોથી રાજકારણમાં સક્રિય શૈલેષભાઇએ જણાવ્યું હતું કે, મતદાન ઉપરથી હાર-જીતનું અનુમાન લગાવવું મુશ્કેલ છે. મતદાનની ટકાવારીથી માત્ર ઉમેદવારોની હાર-જીતનું માર્જિન નીકળી શકે છે. જોકે, આ વખતે જે પણ ઉમેદવારો જીતશે તે પાતળી સરસાઇથી જીતશે તે નક્કી છે, પરંતુ, આ વખતની ચૂંટણીમાં નોંધનીય બાબત એ છે કે, કોરોના કાળ દરમિયાન જે લોકોએ નોકરી-ધંધા ગુમાવ્યા છે અને તેઓએ મતદાન કર્યું છે. તેવા મતદારો મોટા ગેમ ચેન્જર બનશે. મારા સર્વેમાં દરેક વોર્ડમાં સામાન્ય વ્યક્તિઓ દ્વારા જ વધુ મતદાન કરવામાં આવ્યું છે અને તેમાં પણ કોરોના કાળ દરમિયાન પીડિત મતદારો અને કોરોના કાળ દરમિયાન દયનીય સ્થિતીમાં મૂકાયેલા ગરીબ ઝૂંપડાવાસીઓ દ્વારા જ મતદાન કરવામાં આવ્યું છે.

કેટલી બેઠકો મળશે તેવો દાવો કોઈ કરતુ નથી

આજે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ બુથોમાં થયેલા મતદાનની વિગતો મેળવીને સીટોની ગણતરી કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, રાજકીય પક્ષો દ્વારા પોતાના પક્ષને કેટલી સીટો મળશે તે અંગેનો ચોક્કસ દાવો કરવામાં પણ ખચકાટ અનુભવી રહ્યા છે. જોકે, ભાજપ દ્વારા સ્પષ્ટ બહુમતી સાથે કોર્પોરેશનમાં પુનરાગમન કરશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. તો કોંગ્રેસ દ્વારા પણ કોર્પોરેશનમાં પરિવર્તન આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments