કાયદો જાણે જનતા માટે જ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, કેટલીકવાર તો કાયદાના રક્ષકો જ કાયદાનો ભંગ કરતા નજરે ચડે છે. ત્યારે વડોદરાના એક પોલીસકર્મીનો બાઈક પર જતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં પોલીસકર્મી એક સાથે 4 ટ્રાફિકના નિયમોનું ભંગ કરે છે. જો આટલા નિયમ ભંગ કોઈ નાગરિક દ્વારા કરવામાં આવ્યા હોતો અને તે પોલીસના ધ્યાને આવ્યું હોય તો પોલીસ દ્વારા અલગ-અલગ ગુનાની કલમો લગાવીને બાઈક ચાલકને તગડો દંડ ફટકારવામાં આવ્યો હોત અથવાતો તેનું વાહન કબજે કરવામાં આવ્યું હોત, પરંતુ પોલીસકર્મીને કોણ દંડ કરે?
એક રીપોર્ટ અનુસાર, વડોદરામાં ફોટોગ્રાફર તરીકે કામ કરતા રોહિત ઉજ્જવલે ફિલ્મનું શુટિંગ કરવા માટે તેના બે મિત્રો સાથે વડોદરાની અલગ-અલગ જાણીતી જગ્યાઓ પર જઈને શુટિંગ કરવાનું નક્કી કર્યું હતું. જ્યારે આ મિત્રો વડોદરાના અકોટા-દાંડિયાબજાર બ્રિજ પર કાર લઇને શુટિંગ કરવા માટે પહોંચ્યા ત્યારે તેમણે પોતાની કારની આગળ નંબર પ્લેટ વગરની ગાડીમાં એક પોલીસકર્મીને જોયો હતો. આથી રોહિત ઉજ્જવલે ટ્રાફિક નિયમ ભંગ કરતા પોલીસકર્મીનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું.
આ વીડિયોમાં પોલીસકર્મી નંબરપ્લેટ વગરનું વાહન ફેરવતો દેખાઈ છે. સાથે સાથે હેલ્મેટ નથી પહેર્યું, બાઈક ચલાવતી વખતે ફોન પર વાતો કરે છે અને ફોન પર વાતો કરતા કરતા રસ્તા પર થૂંકે છે. આમ એક પોલીસકર્મી તરીકે લોકોને કાયદાનું ભાન કરાવતા કાયદાના રક્ષકો જ એક સાથે ચાર નિયમોનું ભંગ કરી રહ્યા છે. ત્યારે હવે આ પોલીસકર્મી પર કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે, નહીં તે જોવાનું રહ્યું.
ઉલ્લેખનીય છે કે, ચાલુ વાહને વાત કરવા બદલ 1 હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. નંબરપ્લેટ વગરની ગાડી અને હેલ્મેટ વગર વાહન હંકારવા બદલ 100થી 300 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. રસ્તા પર થૂંકનાર સામે 100થી લઈને 500 રૂપિયા સુધીનાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, એક સાથે ચાર-ચાર નિયમોનો ભંગ કરતા પોલીસકર્મીને કેટલો દંડ કરવામાં આવે છે.