Wednesday, September 28, 2022
Homeગુજરાતવડોદરાની સેન્ટ્રલ જેલમાં કાચા કામના 7 કેદીઓએ કર્યો આપઘાતનો પ્રયાસ

વડોદરાની સેન્ટ્રલ જેલમાં કાચા કામના 7 કેદીઓએ કર્યો આપઘાતનો પ્રયાસ

- Advertisement -

વડોદરાની સેન્ટ્રલ જેલમાં 7 જેટલા કાચા કામના કેદીઓએ જેલ તંત્રના ત્રાસના પગલે ફિનાઈલ પી લેતા ખળભળાટ મચી ગયો હતો. ફિનાઈલ પીનાર કેદીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફિનાઈલ પીનાર કેદીઓએ આક્ષેપ કર્યો છે કે, જેલ સત્તાવાળાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો અને વ્હાલા-દવલાની નીતિ અપનાવવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. દરમિયાન આજે 12 કેદીઓ સામે રોયટીંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આજે વડોદરાની સેન્ટ્રલમાં કેદીઓની સુરક્ષા સામે સવાલો ઉભા થાય તેવી ઘટના સામે આવી છે. આજે સાંજે વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવેલા હર્ષિલ લિંબાચીયા સહિત 7 કાચા કામના કેદીઓએ ફિનાઈલ ગટગટાવી દીધું હતું. નોંધનીય છે કે, હર્ષિલ લિંબાચીયા સામે એડમીશન અને નોકરી મામલે છેતરપિંડીની અનેક ફરિયાદો નોંધાયેલી છે. જ્યારે અભી ઝા પાદરામાં મર્ડર કેસમાં ભારે ચર્ચામાં રહ્યો હતો. આ બન્ને આરોપીઓ સહિત 7 કાચા કામના કેદીઓએ ફિનાઈલ ગટગટાવી લેતા એસએસજી હોસ્પિટલ ખાતે લાવવવામાં આવ્યા હતા. જ્યાં હાલ તમામની સારવાર ચાલી રહી છે.

સયાજી હોસ્પિટલમાં કેદીઓના પરિવારજનો અને પોલીસ દોડી આવી
સયાજી હોસ્પિટલમાં કેદીઓના પરિવારજનો અને પોલીસ દોડી આવી

વડોદરાના હર્ષિલે હોસ્પિટલના બિછાનેથી જેલ તંત્ર પર આરોપ મુકતા જણાવ્યું હતું કે, મને જેલમાં ત્રાસ આપે છે. જેલના સાહેબ મને હેરાન કરે છે. મને હાઈ સિક્યોરિટીમાં મૂકી દીધો છે. સાહેબ મારી પાસેથી હાઈ સિક્યોરિટીમાંથી બહાર કાઢવા માટે પૈસાની માગણી કરે છે. અન્ય કેદીએ જણાવ્યું હતું કે, સુપરિટેન્ડેન્ટ બહુ ત્રાસ છે. જેલમાં બહુ ત્રાસ આપી રહ્યા છે. બહાર નીકળવા દેતા નથી. બંધ રાખે, ટિફિન ન આવવા દે, ટિફિન આવે તો અલગ કરી નાંખે, ગેટથી અમારું ટિફિન ઢોળી નાંખે, જમવાનું પુરું ન આવવા દે, આથી અમે કાળી ફિનાઈલ પીધી છે. બધા કાચા કામના કેદી છે.

હોસ્પિટલના બિછાનેથી વધુ એક અન્ય કેદીએ જણાવ્યું હતું કે, મને બિપીની બીમારી છે. મને જેલમાં દવાખાને પણ જવા દેતા નથી. ફિનાઈલ જેલ સ્ટાફ લઈને આવ્યા હતા. ખોટી રીતે પૈસાની માગણી કરવામાં આવે છે. બધાને હેરાન કરી દીધા છે. અમારી માગ છે કે, જેલના અધિકારીને બદલો. ત્રણ-ચાર મહિના સુધી 24 કલાક બંધ કરી દે છે. ફિનાઈલ પીનાર અમે એકબીજાને નથી ઓળખતા.

સયાજી હોસ્પિટલના બિછાને બેભાન કેદીઓ
સયાજી હોસ્પિટલના બિછાને બેભાન કેદીઓ

આ ઘટનાને પગલે શહેર પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સયાજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. તો બીજી તરફ જેલમાં ફિનાઈલ આટલા બધા કેદીઓ સુધી કેવી રીતે પહોંચ્યું સહિતના અનેક સવાલો ઉઠ્યા છે. આ બનાવ અંગે પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. જેલમાં બનેલા આ બનાવે જેલ સંકુલમાં હાહાકાર મચાવી મૂક્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular