સુરત : વરાછાની કૌશલ વિદ્યાભવનમાં લક્ષણો વગરના ધોરણ 7ના એકસાથે પાંચ વિદ્યાર્થીઓ પોઝિટિવ.

0
6

નાના વરાછામાં રામજી મંદિર પાસે આવેલી કૌશલ વિદ્યાભવન શાળામાં ધો.7ના એક સાથે પાંચ-પાંચ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા સુરત પાલિકા તંત્ર દોડતું થઇ ગયું છે. પાલિકા દ્વારા તાકીદે આ શાળામાં પ્રાઇમરી સેક્શન બંધ કરાવી દીધું છે. સાથે પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવનાર તમામના રેપિડ ટેસ્ટ કરાવ્યા છે. એક જ ક્લાસમાં ભણતા 5 વિદ્યાર્થીઓના કેસ પોઝિટિવ આવતા વાલીઓમાં પણ ફફડાટનો માહોલ ઉભો થયો છે.

મહત્ત્વની વાત એ છે કે આ પાંચેય પોઝિટિવ વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા ન હતા. ઉલ્લેખનિય છે કે પાલિકાની ટીમ દ્વારા હાલમાં સ્કૂલોમાં રેન્ડમલી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મળી આવેલા પાંચેય વિદ્યાર્થીઓમાં લક્ષણ ન હોઇ શાળામાં તથા ઘરના ફેમિલી મેમ્બર સાથે કોઇના પણ સંપર્કમાં આવનારને ચેપ લગાડી શકે છે. જેથી આ સ્થિતિ બાદ હવે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને મોકલવા કે નહિં? તેને લઇ વાલીઓમાં પણ મુંઝવણની સ્થિતિ સર્જાઇ છે. સરકારે સ્કૂલો તો શરૂ કરી દીધી પણ આ રીતના કેસો સામે આવતા હવે આ અંગે જરૂરી પગલા લેવાની જરૂરિયાત ઉભી હોય તેવી માંગ લોકોમાં ઉભી થઇ છે.

ચૂંટણીમાં ગાઇડલાઇનના ધજાગરા બાદ કેસો વધ્યા

કોરોના કાળની સ્થિતિ વચ્ચે મહાનગર પાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર, સભા, રેલી, કાર્યક્રમોમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોવીડ-19ના નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવ્યા બાદ કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. બીજી તરફ સરકારે કોરોના કેસ નિયંત્રણમાં આવતા રાજ્યભરમાં સ્કૂલો શરૂ કરવાની મંજૂરી આપી હતી.

શાળામાંથી 184નું ટેસ્ટિંગ થયું હતું

કૌશલ વિદ્યાભવનમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સ્ટાફ મળીને 184 વ્યક્તિઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ધો.7ના એક જ કલાસમાં ભણતા 5 વિદ્યાર્થીઓ પોઝિટીવ આવ્યા છે. શાળામાં પ્રાઇમરી અને સેકન્ડરી બે અલગ અલગ બિલ્ડિંગમાં શાળા ચાલે છે. જેથી પ્રાઇમરી સેક્શન બંધ કર્યા છે. : ડો.અજીત ભટ્ટ, નાયબ આરોગ્ય અધિકારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here