સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષી સરકારે રોડના સમારકામ માટે ધારાસભ્યોને તાત્કાલિક 50 કરોડ ફાળવવાની તૈયારી શરૂ કરી

0
25

અગાઉ મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થામાં ભાજપને રસ્તાના મામલે બેઠકો ઘટી ગઈ હોવાના તારણ સાથે આગામી ચૂંટણી પહેલા શહેરો અને ગામડાના રસ્તાઓના સમારકામ માટે રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી વિધાનસભા વિસ્તાર દીઠ 50 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. રસ્તા માટે સરકારે 9100 કરોડ નું બજેટ નક્કી પણ કરી લીધું છે.

માર્ગ મકાન વિભાગે મંત્રીઓને રસ્તાના કામોની દરખાસ્ત મોકલવા જણાવ્યું

આગામી 2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા મહાનગરપાલિકાઓ,જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી ફેબ્રુઆરી માસમાં યોજાય તેવી શકયતા હોવાના કારણે સરકારે રસ્તા રીપેરીંગના કામ માટે ધારાસભ્યોના બજેટમાં 9100 કરોડ ફાળવ્યા છે. જે પૈકી એક વિધાનસભા વિસ્તાર દીઠ 50 કરોડ ની ફાળવણી કરવાનો નિર્ણય કરી આ કામ તાત્કાલિક હાથ ધરી શકાય તે માટે તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને વ્યકિતગત પત્ર લખીને પોતાના વિસ્તારમાં કરવાના થતા રસ્તા રીપેરીંગના અને તેમાં પણ ખાસ કરીને રિકારપેટના કામો માટે દરખાસ્ત મોકલવા જણાવ્યું છે.

રોડના સમારકામ અર્થે વિધાનસભા વિસ્તાર દીઠ 50 કરોડ ફાળવાશે

સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગનો હવાલો સંભાળતા નીતિનભાઈ પટેલે આ સંદર્ભે તમામ ધારાસભ્યો અને મંત્રીઓને પત્ર પાઠવીને જણાવ્યું છે કે દરેક વિધાનસભા વિસ્તારદીઠ રસ્તા રી કાર્પેટ કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગ દ્રારા સ્ટેટ રોડ માટે ૩૦ કરોડ અને પંચાયત હસ્તકના રસ્તાઓ માટે ૨૦ કરોડ મળીને કુલ 50 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. ગુજરાતમાં વિધાનસભાની ૧૮૨ બેઠક છે અને તે મુજબ કુલ બજેટ 9100 કરોડ આસપાસ થવા જાય છે.

ચોમાસામાં મોટા પ્રમાણમાં રસ્તાઓનું ધોવાણ થયું હતું

ચોમાસાની સિઝનમાં રાજયભરમાં મોટા પ્રમાણમાં રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે અને વાહનચાલકો પારાવાર હાડમારી ભોગવી રહ્યા છે.જેના કારણે સ્થાનિક ધારાસભ્યો સામે ગંભીર આક્ષેપો થઈ રહયા છે,આ બાબતે ધારાસભ્યો એ પણ સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં તેનું કોઈ પરિણામ આવતું નહોતું ,પરંતુ હવે પંચાયતો અને મહાનગરપાલિકાઓની ચૂંટણી નજીક આવતી હોવાથી જનમાનસમાં પોઝિટિવ વાતાવરણ ઉભું કરવા માટે સરકારે રસ્તા રીપેર કરવાની દિશામાં ધ્યાન આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here