CMના હસ્તે 514 કરોડના વિકાસકામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ, અઠવાથી ઉભરાટના 217 કરોડના બ્રિજને મંજૂરી

0
4

મુખ્યમંત્રી વિજય રૂપાણી પાલ સ્થિત સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે પાલિકાના 431 કરોડ અને સુડાના 82.83 કરોડ મળી કુલ 514.15 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે. શહેરના બાંધકામ શ્રમિકોને પરિવહન માટે વાર્ષિક ધોરણે બસ પાસ અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, અઠવાથી ઉભરાટના 217 કરોડના બ્રિજને સરકારે મંજૂરી આપી છે.

સુમન હાઈસ્કૂલ, વાંચનાલય અને વર્કિંગ વુમન હોસ્ટેલ સહિતના પ્રકલ્પનું લોકાર્પણ
વિકાસની હરણફાળમાં સતત અગ્રેસર તથા શહેરના સમતોલ વિકાસથી પ્રજાભિમુખ પ્રકલ્પોને આગળ ધપાવતી સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા અને રાંદેર ઝોનમાં સાકારિત સુમન હાઈસ્કૂલ, વાંચનાલય, ઈ-બસની સુવિધા અને વર્કિંગ વુમન હોસ્ટેલ સહિતના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 431.32 કરોડના ખર્ચે શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં NRCP યોજના અંતર્ગતના કામો, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWSના આવાસો, લિંબાયત-ડીંડોલી વિસ્તારને જોડતો રેલવે અંડરપાસ તથા નગર પ્રાથમિક શાળા, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ઓવરહેડ ટાંકી, આંગણવાડી, કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત થયું હતું. જ્યારે સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા PM આવાસ યોજના અંતર્ગત સાકારિત થનાર આવાસો, ખાડી પુલ તથા રોડ વિગેરેના અંદાજિત 82.83 કરોડના ખર્ચના વિવિધ પ્રકલ્પોની તકતીઓની અનાવરણવિધિ યોજાઈ હતી.

ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાકટ મોડલથી 150 ઈલેકટ્રીક બસ લોકાર્પિત કરાઈ
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાકટ મોડલથી 150 ઈલેકટ્રીક બસ લોકાર્પિત કરાઈ હતી. જ્યારે 3 બસને લીલીઝંડી આપવામાં આવી હતી. રાજ્ય સરકારના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ શ્રમિક પરિવહન યોજના હેઠળ સુરત શહેરના બાંધકામ શ્રમિકોને પરિવહન માટે વાર્ષિક ધોરણે બસ પાસ અર્પણ કરવામાં આવ્યા હતા. વધુમાં મુખ્યમંત્રી દ્વારા જૂન-2018થી ડિસેમ્બર-2020 દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા કરાયેલા વિવિધ વિકાસકાર્યોની માહિતી દર્શાવતી “વિકાસયાત્રા” પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here