ખાંભા, ધારી, સાવરકુંડલા, લાઠી, દામનગર, રાજુલા, જાફરાબાદ વિસ્તારમાં વરસાદથી વાવણીની તૈયારીઓ શરુ, રાજુલામાં ટાવર, વીજપોલ ધરાશાયી
નૈઋત્યનું ચોમાસુ નાસિક,દહાણુ સુધી પહોંચ્યું છે અને બે-ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં પ્રવેશવાની શક્યતા છે ત્યારે તે પૂર્વે સૌરાષ્ટ્રમાં પ્રિમોન્સૂન ધોધમાર વરસાદ શરુ થયો છે. અમરેલી,જુનાગઢ,રાજકોટ જિલ્લામાં અસહ્ય બફારા વચ્ચે છૂટાછવાયા સ્થળે ઝાપટાંથી ત્રણ ઈંચ સુધી વરસાદના અહેવાલો મળ્યા છે. જેમાં બાબરા પાસે બોલેરો વાહન પાણીમાં તણાતા એક પરપ્રાંતીય ચાલકનું ડુબી જવાથી મોત નીપજ્યાનું જાહેર થયું છે.
બાબરા તાલુકામાં સાંજે ત્રણ ઈંચ જેવો ધોધમાર વરસાદ વરસતા અચાનક નદી નાળામાં પૂર આવ્યા હતા અને તે સ્થિતિમાં તાલુકાના ત્રંબોડા ગામે અમરારામ ગુમાનારામ બોતાલા (ઉ.વ.૩૦) નામનો યુવાન બોલેરો વાહનમાં ડીઝલ લેવા માટે બાબરા તરફ આવતો હતો ત્યારે વાહન સહિત પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો હતો. એન.ડી.આર.એફ., ફાયરબ્રિગેડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને પહેલા પાણીની વહેણની દિશામાં બોલેરોકાર મળ્યાા બાદ આજે પાણીમાં ગરક થયેલો યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.અમરેલી જિલ્લામાં અનેક વિસ્તારોમાં વ્યાપક વરસાદ વરસતા ખેડૂતોએ વાવણીની તૈયારીઓ શરુ કરી દીધી છ તો કેટલાક વિસ્તારોમાં વાવેતર પણ કરવામાં આવ્યું હતું. આજે સતત બીજા દિવસે ગીર પંથકના ખાંભા, ધારી, સાવરકુંડલા, લાઠી, દામનગર, અમરેલી તથા દરિયાઈ પટ્ટી વિસ્તારમાં રાજુલા, જાફરાબાદમાં વરસાદ વરસ્યો હતો. ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી હતી. નિંગાળા, હનુમાનપરા, તાલડા, જામકા સહિત અનેક ગામોની નદીઓમાં પૂર આવ્યા હતા. વિજપડી ગામના બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા હતા અને એકાદ ઈંચ વરસાદ નોંધાયેલ છે.રાજુલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદથી મોટા અગરીયા, ભ૩ાક્ષી,ધાડલા, છાપરી, જુની નવી માંડરડી, વાવેરા, ડુંગર, છતડીયા, હિંડોરાણા સહિત ગામોમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર ધસમસતા પાણી વહેવા લાગ્યા હતા. રાજુલાના આગરીયા રોડ પર વિજપોલ અને સાંઈબાબા મંદિર પાસે કન્યાશાળાએ વાઈફાઈ ટાવર નમી પડયો હતો. શહેરમાં ભારે પવન સાથે વરસાદથી બે કલાક સુધી વિજ પૂરવઠો ખોરવાઈ જતા લોકોએ અસહ્ય પરેશાની વેઠવી પડી હતી. ગંદકીના ઢગલા પર વરસાદથી રોગચાળાની ભીતિ સર્જાઈ છે.રાજકોટ જિલ્લામાં પણ જુનાગઢ તરફના વિસ્તારોમાં ભારે વરસાદના અહેવાલો છે.વિરપુર (જલારામ) તથા મેવાસા, ખોડલધામ કાગવડ, ખીરસરા સહિત ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના પગલ શેરીઓમાં ધસમસતા પાણી વહેવા લાગ્યા હતા. મેવાસાથી હરિપર રોડ પર થોડા મહિના પહેલા જ લાખોના ખર્ચે બનાવેલ દિવાલ ધરાશાયી થઈ હતી અને મેવાસા-હરિપર રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.