IND vs AUS ત્રીજી વનડે આવતીકાલે : વિદેશમાં સતત બીજી ક્લીન સ્વીપથી બચવા મેદાને ઊતરશે ટીમ ઇન્ડિયા.

0
13

ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ બુધવારે કેનબરા ખાતે રમાશે. મનુકા ઓવલના મેદાન પર ભારતીય ટીમ વિદેશમાં સતત બીજી ક્લીન સ્વીપથી બચવા માટે મેદાને ઊતરશે. આ પહેલાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડે પોતાના ઘરઆંગણે ભારતનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો.

કેનબરાના મેદાનની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા અહીં રમેલી ચારેય મેચ જીત્યું છે, જ્યારે ભારત આ ગ્રાઉન્ડ પર રમેલી બંને મેચ હારી ગયું છે. આ સિરીઝમાં ભારતીય બોલર્સ ઝઝૂમી રહ્યા છે, તેવામાં જો ભારતે વ્હાઇટવોશથી બચવું હોય તો બોલર્સ લય મેળવે એ જરૂરી છે.

સિરીઝમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનનો દબદબો

સિરીઝમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેને ભારતીય બોલર્સ પર હાવી રહ્યા છે. સ્ટીવ સ્મિથે બંને વનડેમાં સદી મારી છે. જ્યારે કેપ્ટન આરોન ફિન્ચે પહેલી વનડેમાં સદી અને બીજી વનડેમાં ફિફટી મારી. ઇજાના કારણે સિરીઝની બહાર થયેલા ડેવિડ વોર્નરે પણ બંને મેચમાં ફિફટી મારી. સ્મિથ- ફિન્ચ સિવાય માર્નસ લબુશેન અને ગ્લેન મેક્સવેલ પણ સારા ફોર્મમાં છે.

ભારતીય બેટ્સમેનની વાત કરીએ તો તેમને શરૂઆત મળી, પરંતુ એને મોટા સ્કોરમાં કન્વર્ટ કરવામાં નિષ્ફ્ળ રહ્યા છે. શિખર ધવન અને હાર્દિક પંડ્યાએ પહેલી વનડેમાં ફિફટી મારી, પરંતુ ટીમને મેચ જિતાડી શક્યા નહીં. એ પછી બીજી વનડેમાં કપ્તાન વિરાટ કોહલી અને ઉપક્પ્તાન લોકેશ રાહુલે ફિફટી મારી, પરંતુ મોટો સ્કોર કરી શક્યા નહીં. તેવામાં ત્રીજી વનડેમાં મેચ જિતાડવા ભારતીય બેટ્સમેનોએ મોટો સ્કોર બનાવવો જરૂરી છે.

ભારતીય બોલર્સ રિધમમાં નથી

ટીમના બોલિંગ-અટેકની વાત કરીએ તો ભારતીય બોલર્સ શરૂઆતની 10 ઓવરમાં વિકેટ લેવામાં નિષ્ફ્ળ રહ્યા છે. એ ઉપરાંત તેઓ બહુ બધા રન પણ લૂંટાવી રહ્યા છે. મોહમ્મદ શમી- જસપ્રીત બુમરાહ જેવા પ્રીમિયર બોલર્સ પણ રન રોકવામાં નિષ્ફ્ળ રહ્યા છે. ફેન્સને આશા છે કે તેઓ ત્રીજી વનડેમાં ફોર્મમાં પરત ફરીને વિકેટ ઝડપશે અને ભારતને જીત અપાવશે.

વોર્નર-કમિન્સની ગેરહાજરીમાં ભારત પાસે તક

ઇજાને કારણે વોર્નર ટીમનો ભાગ નથી. જ્યારે પેટ કમિન્સને ટેસ્ટ સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. તેમની ગેરહાજરીમાં ભારત પાસે સારું પ્રદર્શન કરવાની તક રહેશે. ટીમ પાવરપ્લેમાં વિકેટ્સ લઈને ઓસ્ટ્રેલિયાને દબાણમાં લાવવાનો પ્રયાસ કરશે.

કોહલી પાસે વધુ એક રેકોર્ડ બનાવવાની તક

ભલે ભારત સિરીઝ હારી ગયું હોય, પરંતુ ત્રીજી વનડેમાં કોહલી પાસે વધુ એક રેકોર્ડ બનાવવાની તક છે. કોહલી જો આ મેચમાં સદી મારે તો તે કેપ્ટન તરીકે સૌથી વધુ સેન્ચુરી મારનાર પ્લેયર બની જશે. અત્યારે કોહલી અને કાંગારૂના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે 41-41 સદી મારી છે.

ઓસ્ટ્રેલિયા સામે સાતમી સિરીઝ હાર્યું ભારત

પ્રથમ બંને વનડે જીતીને ઓસ્ટ્રેલિયાએ પહેલા જ સિરીઝ પોતાના નામે કરી દીધી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ સિરીઝ સહિત કુલ 13 શ્રેણી રમાઈ છે. એમાંથી 7 ઓસ્ટ્રેલિયા અને 6 ભારતે જીતી છે. ઓસ્ટ્રેલિયાએ પોતાના ઘરઆંગણે ભારત સામે 3 બાઈલેટરલ સિરીઝ રમી, તેમાંથી 2 જીતી અને 1 હારી છે.

વેધર અને પિચ રિપોર્ટ

કેનબરામાં સામાન્યપણે આકાશ સાફ રહે છે. વચ્ચે વચ્ચે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. મેક્સિમમ 26 ડીગ્રી અને મિનિમમ 12 ડીગ્રી સેલ્સિયસ રહે તેવી સંભાવના છે. પિચથી બેટ્સમેનોને મદદ મળી શકે છે. અહીં રમાયેલી છેલ્લી 9 વનડે મેચોમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમનો સક્સેસ રેટ 77.77% રહ્યો છે.

હેડ-ટુ-હેડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યારસુધીમાં 142 વનડે રમાઈ છે. એમાંથી ટીમ ઇન્ડિયાએ 52 મેચ જીતી અને 80 હારી છે. 10 મેચમાં રિઝલ્ટ આવ્યું નથી. ઓસ્ટ્રેલિયા સામે તેના જ ઘરઆંગણે ભારતીય ટીમ 53 વનડે રમી છે, તેમાંથી 13 જીતી અને 38 મેચ હારી છે. 2 મેચમાં રિઝલ્ટ આવ્યું નથી.

ભારતીય વનડે ટીમ:

  • બેટ્સમેન: વિરાટ કોહલી (કેપ્ટન), શુભમન ગિલ, શિખર ધવન, લોકેશ રાહુલ (વાઇસ-કેપ્ટન, વિકેટકીપર), મનીષ પાંડે, શ્રેયસ ઐયર, મયંક અગ્રવાલ અને સંજુ સેમસન (વિકેટકીપર).
  • ઓલરાઉન્ડર: હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા.
  • બોલર્સ: યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર.

ઓસ્ટ્રેલિયા વનડે ટીમ

  • બેટ્સમેન: આરોન ફિંચ (કેપ્ટન), એલેક્સ કેરી (વિકેટકીપર), સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર, મેથ્યુ વેડ (વિકેટકીપર).
  • ઓલરાઉન્ડર: માર્નસ લબુશેન, મોઇઝિસ હેનરિક, ગ્લેન મેક્સવેલ, ડેનિયલ સેમ્સ, માર્કસ સ્ટોઇનિસ અને કેમેરોન ગ્રીન.
  • બોલર્સ: પેટ કમિન્સ, સીન એબોટ, એશ્ટન અગર, જોશ હેઝલવૂડ, મિચેલ સ્ટાર્ક, એન્ડ્રુ ટાઇ અને એડમ ઝામ્પા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here