IND vs AUS બીજી વનડે આવતીકાલે : સીરિઝમાં જીવંત રહેવા ભારત માટે જીતવું જરૂરી, 3 મેચની સીરિઝમાં ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ.

0
17

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 3 વનડે સીરિઝની બીજી મેચ રવિવારે સિડની ખાતે રમાશે. પહેલી મેચમાં હાર પછી સીરિઝમાં જીવંત રહેવા માટે ભારત માટે આ મેચ જીતવી જરૂરી છે. ઓસ્ટ્રેલિયાએ અત્યારે સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

સીરિઝની પહેલી વનડે સિડનીમાં રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 66 રને હરાવ્યું હતું. કેપ્ટન આરોન ફિન્ચ અને સ્ટીવ સ્મિથની સદી થકી તેમણે ભારતને 375 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 8 વિકેટે 308 રન જ બનાવી શકી હતી.

સિડનીમાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ ખરાબ

સિડનીમાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ બહુ ખરાબ છે. અહીં ભારત અત્યાર સુધીમાં કુલ 21 મેચ રમ્યું છે અને તેમાંથી માત્ર 5 જીત્યું છે. 15 મેચમાં ટીમ ઇન્ડિયાએ હારનો સામનો કર્યો છે. એક મેચમાં રિઝલ્ટ નહોતું આવ્યું. કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 18માંથી 11 મેચ જીતી છે. જ્યારે ફિન્ચે ભારત સામે 13માંથી માત્ર 6 મેચ જ જીતી છે.

વોર્નર, ફિન્ચ અને સ્મિથ આપશે પડકાર

ઓસ્ટ્રેલિયન ઓપનર્સ ડેવિડ વોર્નર અને ફિન્ચે ગઈ મેચમાં 156 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. વોર્નરે 69 રનની ઇનિંગ્સ રમી હતી. જ્યારે ફિન્ચે 114 અને સ્મિથે 105 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલે પણ 19 બોલમાં 45 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. તેવામાં સીરિઝમાં જીવંત રહેવા ઇન્ડિયન બોલર્સે આ બેટ્સમેનોને વહેલા પેવેલિયન ભેગા મોકલવા પડશે.

હેઝલવુડ-ઝામ્પા ફોર્મમાં, કમિન્સ સામે રહેવું પડશે સતર્ક

ભારતીય બેટ્સમેનોએ જોશ હેઝલવુડ અને એડમ ઝામ્પા સામે વિકેટ ફેંકી દીધી હતી. બંને બોલર્સે કુલ 7 શિકાર કર્યા હતા. હેઝલવુડે ટોપ ઓર્ડરની કમર તોડી હતી, જ્યારે ઝામ્પાએ મિડલ ઓવર્સમાં ભારતીય બેટ્સમેનોને અઘરા પ્રશ્ન પૂછ્યા હતા. બંનેએ મેચમાં 3-3 વિકેટ લીધી હતી. ભારત સામે સૌથી વધુ વિકેટ લેનાર કમિન્સ પણ ખતરનાક સાબિત થઇ શકે છે.

કોહલી-રાહુલનું ફોર્મમાં આવું જરૂરી

પહેલી વનડેમાં 375 રનનો પીછો કરતા વિરાટ કોહલી અને લોકેશ રાહુલ બેટથી કઈ ખાસ કમાલ કરી શક્યા નહોતા. કોહલી 21 અને રાહુલ 12 રન બનાવીને આઉટ થઇ ગયા હતા. મયંક અગ્રવાલ 22 અને શ્રેયસ ઐયર માત્ર 2 રન બનાવી શક્યા હતા. સીરિઝમાં વાપસી કરવા ભારતના બેટ્સમેનોનું ફોર્મમાં આવું જરૂરી છે.

ધવન-પંડ્યા જ ટકી શક્યા

ગઈ મેચમાં શિખર ધવન અને હાર્દિક પંડ્યા જ સારો દેખાવ કરવામાં સફળ થયા હતા. ધવને 86 બોલમાં 74 રન બનાવ્યા હતા. જ્યારે. પંડ્યાએ 76 બોલમાં 90 રન માર્યા હતા. તેણે આ દરમિયાન 7 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 128 રનની ભાગીદારી થઇ હતી.

ભારતીય બોલર્સે ઝડપવી પડશે વિકેટ

પહેલી વનડેમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ ભારતીય બોલર્સને ગ્રાઉન્ડની ચારેય બાજુ ધોકાવ્યા હતા. જસપ્રીત બુમરાહે 7, નવદીપ સૈની અને યુઝવેન્દ્ર ચહલે 8થી વધુની ઈકોનોમીથી રન લૂંટાવ્યા હતા. માત્ર મોહમ્મદ શમીએ સ્કોરિંગ રેટ પર બ્રેક લગાવતા 3 વિકેટ ઝડપી હતી.

વેધર અને પિચ રિપોર્ટ

સિડનીમાં રવિવારે વરસાદની કોઈ સંભાવના નથી. તાપમાન મેક્સિમમ ડિગ્રી 38 અને મિનિમમ 18 ડિગ્રી સેલ્સિયસ રહેશે. પિચથી બેટ્સમેનને મદદ થઇ શકે છે. સ્પિનર્સ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સીરિઝ પહેલા સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ટીમનો સક્સેસ રેટ 56.05% છે.

હેડ-ટૂ-હેડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 141 વનડે રમાઈ છે. તેમાંથી ટીમ ઇન્ડિયાએ 52 મેચ જીતી અને 79 હારી છે, જ્યારે 10માં રિઝલ્ટ આવ્યું નથી. ઓસ્ટ્રેલિયા સામે તેના જ ઘરઆંગણે ભારતીય ટીમે 52 વનડે રમી છે, તેમાંથી 13 જીતી અને 37 હારી છે. 2 વનડેમાં રિઝલ્ટ આવ્યું નહોતું.

ભારતીય વનડે ટીમ:

  • બેટ્સમેન: વિરાટ કોહલી (કેપ્ટન), શુભમન ગિલ, શિખર ધવન, લોકેશ રાહુલ (વાઇસ કેપ્ટન, વિકેટકીપર), મનીષ પાંડે, શ્રેયસ ઐયર, મયંક અગ્રવાલ અને સંજુ સેમસન (વિકેટકીપર).
  • ઓલરાઉન્ડર: હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા.
  • બોલર્સ: યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર.

ઓસ્ટ્રેલિયા વનડે ટીમ

  • બેટ્સમેન: આરોન ફિંચ (કેપ્ટન), એલેક્સ કેરી (વિકેટકીપર), સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર, મેથ્યુ વેડ (વિકેટકીપર).
  • ઓલરાઉન્ડર: માર્નસ લબુશેન, મોઇઝિસ હેનરિક, ગ્લેન મેક્સવેલ, ડેનિયલ સેમ્સ, માર્કસ સ્ટોઇનિસ અને કેમેરોન ગ્રીન.
  • બોલર્સ: પેટ કમિન્સ, સીન એબોટ, એશ્ટન અગર, જોશ હેઝલવુડ, મિચેલ સ્ટાર્ક, એન્ડ્રુ ટાઇ અને એડમ ઝામ્પા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here