IND VS AUS : TEST : પ્રથમ દિવસના અંતે ભારત 233/6 : વિરાટ કોહલીની 23મી ફિફ્ટી : મિચેલ સ્ટાર્કે 2 વિકેટ લીધી.

0
9

ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં એડિલેડ ખાતે 6 વિકેટે 223 રન કર્યા છે. રિદ્ધિમાન સાહા અને રવિચંદ્રન અશ્વિન ક્રિઝ પર ઊભા છે. કાંગારું માટે મિચેલ સ્ટાર્કે 2, જ્યારે જોશ હેઝલવુડ, નેથન લાયન અને પેટ કમિન્સે 1-1 વિકેટ લીધી છે.

કોહલીની ટેસ્ટમાં 23મી ફિફટી, રહાણે સાથે 88 રનની ભાગીદારી કરી

 • ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 180 બોલમાં 8 ફોરની મદદથી 74 રનની શાનદાર ઇનિંગ્સ રમી છે. તેણે અને અજિંક્ય રહાણેએ ચોથી વિકેટ માટે 88 રનની ભાગીદારી કરી હતી.
 • કોહલી લાયનની બોલિંગમાં રહાણેની ભૂલના લીધે રનઆઉટ થયો. રહાણેએ લાયનનો બોલ મીડ-ઓફ પર મારીને દોડવા માટે 4-5 સ્ટેપ લીધા અને પછી રન માટે ના પાડી.
 • તે પછી રન માટે દોડેલા કોહલી પાસે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર પરત ફરવાનો કોઈ ચાન્સ નહોતો. હેઝલવુડે બોલર લાયનને બોલ આપ્યો અને તેણે બેલ્સ ઉડાડીને કોહલીને આઉટ કર્યો. રહાણે ખોટા કોલ બદલ વિરાટની માફી માગી.
 • અજિંક્ય રહાણે મિચેલ સ્ટાર્કની બોલિંગમાં LBW થયો હતો. તેણે 92 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 42 રન કર્યા હતા. તે પછી હનુમા વિહારી 16 રને હેઝલવુડની બોલિંગમાં LBW થયો હતો.

સનસેટ દરમિયાન મેચનો નજારો.
(સનસેટ દરમિયાન મેચનો નજારો.)

 

ઓસ્ટ્રેલિયાએ રિવ્યૂ લઈને પૂજારાને પેવેલિયન ભેગો કર્યો

 • 32 રનમાં 2 વિકેટ ગુમાવ્યા પછી ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલીએ ભારતીય ઇનિંગ્સને સંભાળી હતી.
 • બંનેએ ત્રીજી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી, તેમજ ઓસ્ટ્રેલિયામાં બંને વચ્ચે સતત પાંચમી 50+ ની ભાગીદારી હતી.
 • પૂજારા લાયનની બોલિંગમાં લેગ-ગલીમાં લબુશેન દ્વારા કેચ આઉટ થયો હતો. અમ્પાયરે નોટઆઉટ આપતા કાંગારુંએ રિવ્યૂ લઈને તેને પેવેલિયન ભેગો કર્યો હતો. પૂજારાએ 160 બોલમાં 2 ફોરની મદદથી 43 રન કર્યા હતા.

કોહલીને સ્ટાર્કનો બોલ જમણા અંગુઠામાં વાગ્યો

ઇનિંગ્સની 43મી ઓવરમાં મિચેલ સ્ટાર્કે નાખેલો ત્રીજો બોલ કોહલીને જમણા અંગુઠામાં વાગ્યો હતો અને લોહી પણ નીકળ્યું હતું. તે પછી ટીમ ફિઝિયો મેદાનમાં આવ્યો હતો અને ટ્રીટમેન્ટ કરાવ્યા પછી કોહલીએ બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું.

ઓસ્ટ્રેલિયાએ રિવ્યૂ ન લેતા કોહલી બચ્યો

ઇનિંગ્સની 36મી ઓવરમાં નેથન લાયનના શોર્ટ બોલમાં કોહલી ડાઉન ધ લેગ રમ્યો હતો અને બોલ કીપર પેને કલેક્ટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ કેચ માટે અપીલ કરી હતી, અમ્પાયરે નોટઆઉટ આપતા કાંગારું ખેલાડીઓએ રિવ્યૂ લેવા માટે ચર્ચા કરી પરંતુ લીધો નહીં. રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ કોહલીના ગ્લવ્સને અડ્યો હતો. તેવામાં ઓસ્ટ્રેલિયાએ રિવ્યૂ ન લેતા કોહલી બચ્યો. કોહલી તે સમયે 16 રને બેટિંગ કરી રહ્યો હતો.

અગ્રવાલ શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યો નહીં

પૃથ્વી શો સસ્તામાં આઉટ થયો તે પછી મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પુજારાએ બાજી સંભાળતા બીજી વિકેટ માટે 32 રન કર્યા. અગ્રવાલ સારી શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યો નહીં. તે 17 રને પેટ કમિન્સની બોલિંગમાં બોલ્ડ થયો.

પોન્ટિંગે કહ્યું એ જ રીતે આઉટ થયો પૃથ્વી શો

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન રિકી પોન્ટિંગે કોમેન્ટ્રી દરમિયાન કહ્યું કે, પૃથ્વી શોની કોઈ કમજોરી છે તો તે અંદર આવતો બોલ છે. તે અંદર આવતા બોલમાં આઉટ થઇ શકે છે. પોન્ટિંગે જેવું ઓન-એર આ નિવેદન આપ્યું એના પછીના જ બોલે શો સ્ટાર્કના ઇનસ્વિંગરમાં બોલ્ડ થયો હતો.

શો શૂન્ય રને બોલ્ડ થયો

ભારતની શરૂઆત નિરાશાજનક રહી. પૃથ્વી શો શૂન્ય રને મિચેલ સ્ટાર્કની બોલિંગમાં બોલ્ડ થયો. સ્ટાર્કે મેચના બીજા જ બોલે ઓસ્ટ્રેલિયાને સફળતા અપાવી.

ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી

ભારતના કપ્તાન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં એડિલેડ ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. આ વિદેશમાં ભારતની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ છે. બીજા ઓપનર તરીકે પૃથ્વી શો, વિકેટકીપર તરીકે રિદ્ધિમાન સાહા અને ત્રીજા પેસર તરીકે ઉમેશ યાદવની પસંદગી કરવામાં આવી છે.

ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે મિડલ ઓર્ડર સંભાળશે. હનુમા વિહારી નંબર 6 અને રિદ્ધિમાન સાહા વિકેટકીપર તેમજ સાતમા ક્રમે પૂંછડિયા સાથે ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપશે. મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલિંગની જવાબદારી લેશે. રવિચંદ્રન અશ્વિન પોતાના ઓફ-સ્પિનથી ઓસ્ટ્રેલિયાને હેરાન કરશે.

વિરાટ કોહલી ટોસ જીતે ત્યારે ભારતનો ટેસ્ટમાં રેકોર્ડ:

 • મેચ: 25
 • જીત: 21
 • હાર: 0
 • ડ્રો: 4

ભારતની પ્લેઇંગ-11: મયંક અગ્રવાલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને ઉમેશ યાદવ

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11: જો બર્ન્સ, મેથ્યુ વેડ, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરન ગ્રીન, ટિમ પેન (વિકેટકીપર/ કેપ્ટન), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન, જોશ હેઝલવૂડ

સ્ટેડિયમમાં 50% ફેન્સને એન્ટ્રી

ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમોના ફેન્સ મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા છે. ડે-નાઈટ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન સરકારે 50% ફેન્સને મેચ જોવાની પરવાનગી આપી છે. એડિલેડ સ્ટેડિયમની કેપેસિટી 54 હજાર દર્શકોની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here