ક્રિક્રેટ : ભારતે બીજી વનડેમાં કાંગારુંને 36 રને હરાવ્યું, ખંઢેરી ખાતે પહેલીવાર જીત મેળવી

0
41

રાજકોટ: ભારતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન ખાતેની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયાએ આ સાથે ગ્રાઉન્ડ પર પોતાની પ્રથમ જીત મેળવી હતી.ખંઢેરીમાં ચેઝ કરનાર ટીમનો હારવાનો ક્રમ જારી રહ્યો છે. આ પહેલાની બંને વનડેમાં ભારતે 2013માં ઇંગ્લેન્ડ સામે 9 રને અને 2015માં દ. આફ્રિકા સામે 18 રને હારનો સામનો કર્યો હતો. 341 રનનો પીછો કરતા કાંગારું 49.1 ઓવરમાં 304 રનમાં ઓલઆઉટ હતું. રનચેઝમાં સ્ટીવ સ્મિથે શાનદાર બેટિંગ કરતા 102 બોલમાં 9 ફોર અને 1 સિક્સની મદદથી 98 રન કર્યા હતા. જોકે તેને સામે છેડેથી ટેકો મળ્યો નહોતો. ભારત માટે મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ, નવદીપ સૈની, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. ત્રણ વનડે સીરિઝ 1-1ની બરાબરી પર છે. ત્રીજી વનડે રવિવારે બેંગ્લુરુમાં રમાશે.

India vs Australia second odi 2020 in Rajkot live score

પાંડેએ કવર-પોઇન્ટ પર એક હાથે કેચ પકડીને વોર્નરને આઉટ કર્યો: ગઈ મેચમાં અણનમ 128 રનની ઇનિંગ્સ રમનાર ઓપનર ડેવિડ વોર્નર આજે પણ સારી લયમાં જણાતો હતો. તેણે 11 બોલમાં બે ફોરની મદદથી 15 રન કર્યા હતા અને બોલને સારી રીતે ટાઈમ કરી રહ્યો હતો. તે મોહમ્મદ શમીના એક વાઈડ બોલમાં ઓફ સાઈડ મોટો શોટ રમવા ગયો હતો. વોર્નરે એકમાત્ર ભૂલ એ કરી કે બોલ મનીષ પાંડેની નજીક માર્યો. પાંડેએ કવર પોઇન્ટ પર જમ્પ કરીને એક હાથે અદભુત કેચ પકડ્યો હતો.

ફિન્ચ અને વોર્નરે 62 રનની ભાગીદારી કરી
વોર્નરના આઉટ થયા પછી ઓસ્ટ્રેલિયાની એક ઇનિંગ્સ એક સમયે અટકી ગઈ હોય તેમ જણાતું હતું. ફિન્ચે 22 બોલમાં 8 રન અને સ્મિથે 16 બોલમાં 3 રન કર્યા હતા. સ્મિથે સૈનીએ નાખેલી ઇનિંગ્સની 10મી ઓવરમાં ત્રણ કટ, સ્કવેર લેગ અને ડાઉન ધ ગ્રાઉન્ડ ચોક્કા મારીને રનચેઝમાં જીવ રેડ્યો હતો. સ્મિથ ચારેય બાજુ શોટ્સ રમવા લાગ્યો હતો અને સ્કોરબોર્ડ સતત ફરી રહ્યું હતું. ઓસ્ટ્રેલિયન કેપ્ટન રવિન્દ્ર જાડેજાની બોલિંગમાં સ્ટમ્પ થયો હતો. તેણે સંઘર્ષ કરતા 48 બોલમાં 3 ચોક્કાની મદદથી 33 રન કર્યા હતા.

India vs Australia second odi 2020 in Rajkot live score

લબુશેને વનડેની પ્રથમ ઇનિંગ્સમાં 46 રન કર્યા, સ્મિથ સાથે 96 રનની પાર્ટનરશીપ કરી
ફિન્ચના આઉટ થયા પછી લબુશેને સ્મિથ સાથે હાથ મિલાવ્યો હતો. લબુશેન જે પ્રકારે બેટિંગ કરી રહ્યો હતો તે જોઈને કોઈ ન કહી શકે તે વનડે કરિયરમાં પ્રથમ વાર બેટિંગ કરી રહ્યો છે. તેણે પોતાની બેટિંગની પ્રતિભા બતાવતા 60 ડિગ્રી બેટિંગ કરી હતી. કુલદીપમાં સ્વીપ, બુમરાહમાં સ્ટ્રેટ ડ્રાઈવ અને જાડેજામાં એક્સ્ટ્રા કવર પર ફોર મારીને પોતાનો ક્લાસ બતાવ્યો હતો. રનરેટ 8.5ને ક્રોસ કરી હોવાથી તેને કંટ્રોલ કરવાના પ્રયાસમાં તે જાડેજાની બોલિંગમાં લોન્ગ-ઓફ પર શમીના હાથે કેચ આઉટ થયો હતો.

કુલદીપે એક જ ઓવરમાં સ્મિથ અને કેરીને આઉટ કરીને બાજી ફેરવી
સ્મિથ અને વિકેટકીપર એલેક્સ કેરીની જોડી જામી ગઈ હતી. બંનેએ પાંચમી વિકેટ માટે 39 બોલમાં 42 રન કર્યા હતા. જોકે કુલદીપે એક જ ઓવરમાં બંનેને પેવેલિયન ભેગા કરીને મેચમાં માત્ર ઔપચારિકતા બાકી રાખી હતી. કેરી એક્સ્ટ્રા કવર પર કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. તે કુલદીપની વનડેમાં 100મી વિકેટ હતી, કુલદીપ (58 મેચ) આ માઈલસ્ટોન સુધી પહોંચનાર ત્રીજો સૌથી ઝડપી ભારતીય છે. કેરી પછી સ્મિથ બાઉન્ડ્રી મારવી જોઈએ તે બોલમાં બોલ્ડ થયો હતો. કુલદીપના શોર્ટ બોલ – ગુગલી- જે બહારની તરફ જઈ રહ્યો હતો, સ્મિથ તેને કટ કરવા જતા માત્ર એજ મેળવી શક્યો હતો.

 

India vs Australia second odi 2020 in Rajkot live score

શમી હેટ્રિક ચૂક્યો
શમીએ 44મી ઓવરના પહેલા બોલે એશ્ટન ટર્નરને 137.8 કિલોમીટરની ઝડપે અને બીજા બોલે પેટ કમિન્સને 139.5 કિલોમીટરની ઝડપે યોર્કર નાખીને આઉટ કર્યા હતા. ત્રીજા બોલે તેણે ફરી યોર્કર નાખ્યો હતો અને LBW માટે અપીલ કરી હતી. જોકે એમ્પાયરનું માનવું હતું કે બોલ લેગ સ્ટમ્પની બહાર જઈ રહ્યો છે. રિપ્લેમાં સ્પષ્ટ હતું કે અમ્પાયરનો નિર્ણય સાચો હતો. ભારત પાસે રિવ્યુ બાકી ન હતા!

18મી વખત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 300+ રન કર્યા
ભારતે 18મી વખત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 300+ રન કર્યા. કોઈ ટીમ વિરુદ્ધ સૌથી વધુ 300+ રનની લિસ્ટમાં ભારત ત્રીજા ક્રમે છે. ભારત આ 18માંથી 11 વખત જીત મેળવવામાં સફળ રહી હતી, જે વર્લ્ડમાં સૌથી વધારે છે. ઓસ્ટ્રેલિયાએ ભારત વિરુદ્ધ સૌથી વધુ 25 વખત 300+ રન કર્યા હતા. ભારતે શ્રીલંકા વિરુદ્ધ 21 વખત 300+ રન કર્યા છે.

 

India vs Australia second odi 2020 in Rajkot live score

રોહિત શર્માએ ઓપનર તરીકે 7000 રન પૂર્ણ કર્યા
રોહિતના ઓપનર તરીકે 7029 રન થઈ ગયા છે. તેણે 137 ઈનિંગ્સમાં આમ કર્યું. તે સૌથી ઓછી ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવનાર ખેલાડી બન્યો. આમલાએ 147 જ્યારે સચિન તેંડુલકરે 160 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

ટીમ ઇન્ડિયાએ 50 ઓવરમાં 6 વિકેટે 340 રન કર્યા . ભારતે માટે ઓપનર શિખર ધવન (96), કેપ્ટન વિરાટ કોહલી (78) અને લોકેશ રાહુલે ફિફટી મારી હતી. કાંગારું માટે એડમ ઝામ્પાએ ત્રણ અને કેન રિચાર્ડસને બે વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ટોસ જીતીને બોલિંગ લીધી હતી. કાંગારુંએ પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નહોતો, બીજી તરફ ભારતે ઈજાગ્રસ્ત ઋષભ પંતની જગ્યાએ મનીષ પાંડે અને શાર્દુલ ઠાકુરની જગ્યાએ નવદીપ સૈનીને ટીમમાં સ્થાન આપ્યું હતું.

 

વિરાટ કોહલી અને ધવન વચ્ચે 103 રનની ભાગીદારી થઈ હતી.

લોકેશ રાહુલની છેલ્લી ત્રણ વનડે ઇન્ટરનેશનલ: 1) 22 ડિસેમ્બર 2019ના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે કટક ખાતે ઓપનિંગ કરતા 77 રન કર્યા 2) ગઈ મેચમાં મુંબઈ સામે ત્રીજા ક્રમે 47 રન કર્યા 3) આજે રાજકોટમાં 80 રન કર્યા. “ટીમ કહે તે ક્રમે બેટિંગ કરીશ અને મહત્ત્વપૂર્ણ યોગદાન આપીશ.” – આ રાહુલ દ્રવિડ નથી, પરંતુ ગુણ તો તેનામાં બધા એના જેવા જ છે. અધૂરામાં પૂરું આજે ટીમની જરૂરને પ્રાથમિકતા આપતા તેણે વિકેટકીપિંગ પણ કરી હતી. અને તેમાં પણ 10/10 નંબરે પાસ થયો હતો. રાહુલ 33મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો. તે સમયે તેણે એક છેડો સાચવીને કોહલીને શોટ્સ રમવા દીધા હતા, તેમજ લૂઝ બોલમાં રન ફ્ટકારવાની કોઈ તક ગુમાવી નહોતી. રાહુલે 52 બોલમાં 6 ફોર અને 3 સિક્સની મદદથી 80 રન કર્યા હતા. આ દરમિયાન 153.85ની સ્ટ્રાઇક રેટથી રમ્યો હતો.

પ્રથમ પાવરપ્લેમાં ભારતે 55 રન કર્યા
પેટ કમિન્સે મેડન ઓવર નાખીને મેચની શરૂઆત કરી હતી. રોહિત શર્મા તેના એકપણ બોલમાં બીટ નહોતો થયો, તેણે આખી ઓવર બોલની લાઈન કવર કરી હતી. બીજી તરફ, શિખર ધવને બીજી ઓવરમાં સ્ટાર્કે નાખેલા પ્રથમ બોલમાં ક્લાસિક સ્ટ્રેટ ડ્રાઈવ મારીને પોતાનું અને ભારતનું ખાતું ખોલ્યું હતું. બંને પોતાની નેચરલ ગેમ રમી રહ્યા હતા. ધવન બોલની રાહ જોઈને થર્ડ મેનથી લઈને ફાઈન લેગ પર સ્કોર કરી રહ્યો હતો, જયારે રોહિત vમાં રમી રહ્યો હતો. પાંચ ઓવરમાં ભારતે 23 રન કર્યા હતા, રોહિત રાબેતા મુજબ સમય લઇ રહ્યો હતો, તેણે 5 અને ધવને 18 રન કર્યા હતા. જોકે છઠ્ઠી ઓવરમાં રોહિતે એક્સ્ટ્રા કવર પર એફર્ટલેસ ચોક્કો મારીને તમામને જણાવી દીધું હતું કે હિટમેનને બોલ દેખાવવાનું શરૂ થઇ ગયું છે. જોડીએ 8.3 ઓવરમાં 50 રનની ભાગીદારી પૂરી કરી હતી. દસમી ઓવરમાં કમિન્સનો બોલ ધવનને પાંસળીમાં વાગ્યો હતો, જોકે 2 મિનિટના વિરામ પછી ગબ્બરે બેટિંગ ચાલુ રાખી હતી. ટીમ ઇન્ડિયાએ 10 ઓવરમાં વિના વિકેટે 55 રન કર્યા હતા.

 

 

ધવન અને રોહિત શર્મા વચ્ચે 81 રનની ભાગીદારી થઈ હતી.

 

રોહિત 42 રને ઝામ્પામાં LBW થયો
કાંગારુંએ 12મી ઓવર એડમ ઝામ્પાને આપીને દિવસમાં પહેલીવાર સ્પિનનો ઉપયોગ કર્યો હતો. લેગ સ્પિનરે માત્ર ચાર રન આપ્યા હતા, ઇન્ડિયન ઓપનર્સે ધ્યાનથી બેટિંગ કરીને ખાતરી કરી હતી કે એક્સપ્રેસ હાઇવે વિકેટથી તેને મદદ મળી રહી નથી. જોકે 14મી ઓવરમાં રોહિત સ્વીપ શોટ ચૂકી જતા LBW થયો હતો. અમ્પાયર રિચાર્ડ કેટ્લબ્રોના નિર્ણયની વિરુદ્ધ જઈને રોહિતે રિવ્યુ લીધો હતો, જોકે રિપ્લેમાં સ્પષ્ટ હતું કે તે આઉટ હતો. રોહિતે 44 બોલમાં 6 ફોરની મદદથી 42 રન કર્યા હતા. તેમજ શિખર સાથે પ્રથમ વિકેટ માટે 13.3 ઓવરમાં 81 રનની ભાગીદારી કરી હતી.

PLAN A: કોહલી સામે ઝામ્પા અને કમિન્સથી શરૂઆત
રોહિતના આઉટ થતા ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલી મેદાનમાં આવ્યો હતો અને રાજકોટે પોતાના રાજાનું ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું. કોહલીએ ઝામ્પાના પ્રથમ બોલને કવર્સમાં મારીને પહેલો રન કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ કોહલીની પરીક્ષા કરવા બીજા છેડેથી રિચાર્ડસનની જગ્યાએ કમિન્સને બોલ સોંપ્યો હતો. તેમનો આ વિરાટ વિરુદ્ધ PLAN-A હતો. એક બાજુથી લેગ સ્પિન અને બીજી બાજુથી લાઈનલેન્થ જાળવીને એકાગ્રતાથી બોલિંગ કરનાર કમિન્સ. કમિન્સના પ્રથમ બે બોલમાં ખાલી કાઢ્યા પછી કોહલીએ ત્રીજા બોલમાં ટ્રેડમાર્ક કવર ડ્રાઈવ મારી હતી. તે ચોક્કાએ કમિન્સનું મોરાલ તોડ્યું હતું. ભારતે 17.1 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. કમિન્સના બીજી બે ઓવરના સ્પેલમાં કોહલીને કોઈ તકલીફ પડી નહોતી. ફિન્ચે 19મી ઓવરમાં પોતાનો બીજા સ્પિનર એસ્ટન અગરને બોલિંગ આપી હતી. પહેલી 18માંથી 7 ઓવર કમિન્સે નાખી અને 27 રન આપ્યા હતા.

ધવને સતત બીજી મેચમાં ફિફટી મારી
ધવને સ્ટાર્કના બોલમાં કવર્સ પર સિંગલ લઈને 60 બોલમાં ફિફટી પૂરી કરી હતી. તેના કરિયરની 29મી અને આ સીરિઝમાં સતત બીજી ફિફટી. આ પહેલા તેણે પ્રથમ વનડેમાં વાનખેડે ખાતે 91 બોલમાં 74રન કર્યા હતા.

PLAN B: ડાબોડી- સ્પિનર અને ફાસ્ટરની જોડી
કિંગ કોહલીને રોકવા ત્યારબાદ ફિન્ચે એસ્ટન અગર અને સ્ટાર્કને જવાબદારી આપી હતી. કોહલી સરળતાથી સિંગલ-ડબલ લઇ રહ્યો હતો, જયારે ધવન ફિફટી પૂરી કર્યા પછી ફ્રીડમ સાથે દે ધના ધન શોટ્સ રમી રહ્યો હતો. અગરની ઓવરમાં સતત બે બોલમાં ધવને ડીપ-મિડવિકેટ અને રિવર્સ સ્વીપમાં થર્ડમેન પર ફોર મારી હતી અને તે સાથે ભારતે 24.5 ઓવરમાં 150 રન પૂરા કર્યા હતા. 25માંથી 12 ઓવર કમિન્સ-સ્ટાર્કે નાખી દીધી હતી. કોહલીને આઉટ કરવાના બંને પ્લાન નિષ્ફ્ળ જતા ઓસ્ટ્રેલિયા હવે ભગવાન ભરોસે રમવા તૈયાર થયું. તેમણે 26મી ઓવર પોતાની બીજી વનડે રમી રહેલા પાર્ટ ટાઇમર માર્નસ લબુશેનને આપી હતી.

ધવન ચાર રન માટે સદી ચૂક્યો, કોહલી સાથે 103 રનની ભાગીદારી કરી
ધવન અને કોહલીની જોડીએ 91 બોલમાં 103 રનની ભાગીદારી પૂરી કરી હતી. ધવને 92 રને રિચાર્ડસનના ધીમા બોલમાં ડાઉન ધ ગ્રાઉન્ડ ચોક્કો માર્યો હતો. જોકે તે પછીના બોલે ફરીથી મોટો શોટ રમવા જતા ફાઈન લેગ પર સ્ટાર્કના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 90 બોલમાં 13 ફોર અને 1 સિક્સની મદદથી 96 રન કર્યા હતા. ભારત માટે નંબર ચાર ચિંતાનો વિષય બની રહ્યો છે. ધવન પછી ઐયર બેટિંગ કરવા આવ્યો હતો. જોકે તે 17 બોલમાં 7 રને પેવેલિયન ભેગો થયો હતો. ઝામ્પાના બોલમાં સ્લોગ કરવા જતા ક્લીન બોલ્ડ થયો હતો.

India vs Australia second odi 2020 in Rajkot live score

કમિન્સનો ત્રીજો સ્પેલ: કોહલીએ ઉપરાઉપરી બે ચોક્કાથી સ્વાગત કર્યું
ઝામ્પાની બોલિંગમાં લોન્ગ-ઓન પર સિંગલ લઈને કોહલીએ વનડે કરિયરની 56મી ફિફટી પૂરી કરી હતી. કોહલી હળવેકથી લેગ સ્પિનર સામે જોઈને હસ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ કોહલીને રોકવા ફરીથી કમિન્સને બોલિંગ આપી હતી. કોહલીએ બે બોલમાં બે ચોક્કા, એક કાઉ કોર્નર (ડીપ મિડવિકેટ) અને એક એક્સ્ટ્રા કવર પર મારીને તેનું સ્વાગત કર્યું હતું. બીજી તરફ લોકેશ રાહુલ પણ સેટ થઇ ગયો હતો. 40 ઓવર ભારત 249/3. કોહલી 67* અને રાહુલ 26*. બંને વચ્ચે 51* રનની પાર્ટનરશીપ.

કોહલી સતત બીજી મેચમાં ઝામ્પાનો શિકાર થયો
મેચની 44મી અને ઝામ્પાની અંતિમ ઓવરમાં કોહલી લોન્ગ-ઓફ પર સિક્સ મારવા જતા આઉટ થયો હતો. અગરે બાઉન્ડ્રી બહાર જતા પહેલા બોલ પાછો અંદર ફેંક્યો હતો અને સ્ટાર્કે કેચ કમ્પ્લીટ કર્યો હતો. કોહલીએ 76 બોલમાં 6 ફોરની મદદથી 78 રન કર્યા હતા. બધાની ઈચ્છા વિરુદ્ધ તે સેન્ચુરી મારી શક્યો નહોતો. આ ઇનિંગ્સ પહેલા કોહલીએ ભારતમાં છેલ્લી 8 વાર જયારે 50થી વધુનો સ્કોર કર્યો હતો, ત્યારે તેમાંથી 7 વાર સદી મારી હતી. તે આજે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સાતમી વાર, વનડેમાં પાંચમી વાર અને સીરિઝમાં સતત બીજીવાર ઝામ્પાનો શિકાર થયો હતો. ઓસ્ટ્રેલિયન લેગીએ 10 ઓવરમાં 50 રન આપીને 3 વિકેટ લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here