ઓસ્ટ્રેલીયામાં ભારતવંશી વરુણ ઘોષ પવિત્ર હિન્દુ ગ્રંથ ભગવદ ગીતાના શપથ લેનાર પ્રથમ સેનેટર બની ગયા છે. વાસ્તવમાં, ગત મહિને ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટીના સેનેટર પેટ્રિક ડોડસને પોતાના સ્વાસ્થ્યના કારણોનો હવાલો આપીને રાજકારણમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ, બેરિસ્ટર વરુણ ઘોષે તેમની જગ્યા લીધી હતી.લેબર પાર્ટીના વરુણ ઘોષ પશ્ચિમ ઓસ્ટ્રેલીયાથી સેનેટર બન્યા છે. ઓસ્ટ્રેલીયાના વિદેશ મંત્રી પેની વોંગે ટ્વિટર પર કહ્યું છે કે પશ્ચિમ ઓસ્ટ્રેલીયાથી અમારા સેનેટર વરુણ ઘોષ તમારું સ્વાગત છે. સેનેટર ઘોષ ભગવદ ગીતા પર પદના શપથ લેનાર પહેલા ઓસ્ટ્રેલિયન સેનેટર છે.
વોંગે કહ્યું કે જ્યારે તમે કોઈ મામલે પ્રથમ હોવ ત્યારે તમારે ખાતરી કરવી પડશે કે તમે છેલ્લા નથી. મને વિશ્વાસ છે કે સેનેટર ઘોષ તેમના સમુદાય અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના લોકો માટે મજબૂત અવાજ સાબિત થશે. સેનેટમાં લેબર ટીમમાં તમારું હોવું ખૂબ જ આનંદની વાત છે.એક ઓસ્ટ્રેલીયા મીડિયા અહેવાલ મુજબ, વરુણ ઘોષના માતા-પિતા 1990ના દશકમાં ડૉક્ટર તરીકે કામ કરવા ભારત ચાલ્યા ગયા હતા. બાદમાં, વરુણ ઘોષે માત્ર 17 વર્ષની ઉંમરે પર્થથી લેબર પાર્ટીમાં જોડાયા હતા.
વરુણ ઘોષ ફ્રાન્સિસ બર્ટ ચેમ્બર્સમાં બેરિસ્ટર છે. તેમણે વ્યાપારી અને વહીવટી કાયદા તેમજ ઉદ્યોગ અને રોજગાર કાયદાના ક્ષેત્રોમાં કામ કર્યું છે. 38 વર્ષીય ઘોષે યુડબ્લ્યુએ લો સ્કૂલમાંથી લો અને આર્ટ્સમાં ઓનર્સની ડિગ્રી મેળવી છે. તેમણે ગિલ્ડ કાઉન્સિલના પ્રમુખ અને સેક્રેટરી તરીકે પણ કામ કર્યું છે. તેમણે ઈંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી કાયદામાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી છે.