Friday, March 29, 2024
Homeભારતને વિન્ડિઝ સામે સળંગ દસમી સિરીઝ જીતવાની તક
Array

ભારતને વિન્ડિઝ સામે સળંગ દસમી સિરીઝ જીતવાની તક

- Advertisement -

 કટક

રોહિત શર્મા અને લોકેશ રાહુલે બીજી વન-ડેમાં શાનદાર ફોર્મ સાથે સદી ફટકારીને ભારતને વિજય અપાવ્યા બાદ હવે વિરાટ કોહલીની ટીમ ફરીથી વર્તમાન સિરીઝ જીતવા માટે ફેવરિટ બની ગઈ છે ત્યારે રવિવારે અહીં રમાનારી ત્રીજી અને નિર્ણાયક વન-ડે ક્રિકેટ મેચ જીતીને ભારત સિરીઝ જીતવાનો પ્રયાસ કરશે. એક જમાનામાં લગભગ તમામ હરીફ સામે અજેય રહેનારી કેરેબિયન ટીમ સામે આ સાથે ભારત સળંગ દસમી દ્વિપક્ષીય વન-ડે સિરીઝ જીતવાને આરે આવી ગયું છે. બારાબાતી સ્ટેડિયમ ખાતે રમાનારી મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે.

ચેન્નાઈ ખાતે રમાયેલી પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે અપસેટ સર્જીને ભારતને આઠ વિકેટે સજ્જડ પરાજય આપ્યો હતો જેને કારણે બીજી મેચ અગાઉ વિરાટ કોહલીની ટીમ દબાણ હેઠળ હતી પરંતુ વિશાખાપટનમમાં ભારતે જોરદાર વળતો પ્રહાર કર્યો હતો અને 387 રનના જંગી સ્કોર ખડક્યા બાદ 107 રનથી વિજય હાંસલ કર્યો હતો. રોહિત અને રાહુલે સદી ફટકારી હતી તો વેસ્ટ ઇન્ડિઝને કારમી પછડાટ આપવામાં કુલદીપ યાદવે હેટ્રિક લઈને વધુ ફટકો આપી મોટું યોગદાન આપ્યું હતું.

જોકે ભારતને કેપ્ટન કોહલીના ફોર્મની ચિંતા હોઈ શકે કેમ કે તે ભાગ્યે જ પહેલા બોલે આઉટ થતો હોય છે પરંતુ બીજી વન-ડેમાં તે અને તેનો હરીફ સુકાની કેઇરોન પોલાર્ડ બંને પહેલા બોલે જ આઉટ થયા હતા. કોહલી આગામી મેચમાં મોટો સ્કોર નોંધાવે તેવી અપેક્ષા છે કેમ કે કટકનું બારાબાતી સ્ટેડિયમ કોહલી માટે ખાસ નસીબવંતુ રહ્યું નથી. આ મેદાન પર
તે તમામ પ્રકારના ફોર્મેટમાં મળીને ચાર મેચમાં માત્ર 34 રન કરી શક્યો છે. આમ આ મેદાન પર પોતાનો અંગત રેકોર્ડ સુધારવાની તેની પાસે તક છે.બીજી તરફ રોહિત શર્મા પણ આ મેચને યાદગાર બનાવી શકે તેમ છે કેમ કે તમામ પ્રકારના ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકારનારા ઓપનર તરીકેના સનત જયસૂર્યાના 22 વર્ષ પુરાણા રેકોર્ડથી તે માત્ર નવ રન દૂર છે.

ભારતીય ઓપનર્સના ફોર્મની સમસ્યા હવે દૂર થઈ ગઈ લાગે છે કેમ કે રોહિત અને રાહુલે બીજી વન-ડેમાં પહેલી વિકેટ માટે બેવડી સદીની ભાગીદારી નોંધાવી હતી. આ ઉપરાંત બંને ઓપનરે સદી પણ ફટકારી હતી. આ સાથે રાહુલે ઓપનર તરીકે ભારતીય વન-ડે ટીમમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે.

વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચ સાથે ઓપનર બનેલા રાહુલે ધીમે ધીમે આ સ્થાન પર પ્રગતિ કરી છે અને તેની પાસેથી રોહિત શર્માના કાયમી જોડીદાર બનવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.આ ઉપરાંત શ્રેયસ ઐય્યર અને રિશભ પંતે પણ બેટિંગમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. શ્રેયસ ઐય્યર તેની છેલ્લી ચાર વન-ડે મેચમાં અડધી સદી ફટકારી ચૂક્યો છે. આ આવું જ ફોર્મ જાળવી રાખશે તો ભારત માટે સફળતા આસાન બની રહેશે.

બોલિંગમાં દિલ્હીનો ઝડપી બોલર વન-ડે કારકિર્દીનો પ્રારંભ કરી શકે તેમ છે. ઘાયલ દીપક ચાહરને સ્થાને તેને ટીમમાં સામેલ કરાયો છે. સૈની આ અગાઉ ટી20માં પ્રભાવશાળી દેખાવ કરી ચૂક્યો છે. આ સિઝનમાં ભારતની ફિલ્ડિંગે નિરાશ કર્યા હતા પરંતુ ધીમે ધીમે તેમાં પણ સુધારો થઈ રહ્યો છે.બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝ પાસે પણ પ્રતિભાશાળી ખેલાડીઓની કમી નથી. શિમરોન હેતમેયર અને શાઈ હોપે ભારત સામે આક્રમક બેટિંગ કરી છે તો એવિન લેવિસ અને નિકોલસ પૂરન તેમના સહાયક રહ્યા છે. કેપ્ટન કેઇરોન પોલાર્ડ હજી સુધી તેની નૈસર્ગિક રમત દાખવી શક્યો નથી.

બંને ટીમ

ભારત – વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, લોકેશ રાહુલ, શ્રેયસ ઐય્યર, રિશભ પંત, કેદાર જાધવ, જાડેજા, મોહમ્મદ શમી, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્રસિંહ ચહલ, શિવમ દૂબે, મયંક અગ્રવાલ, મનીષ પાંડે, નવદીપ સૈની.

વેસ્ટ ઇન્ડિઝ – કેઇરોન પોલાર્ડ (સુકાની), એવિન લેવિસ, શાઈ હોપ, શિમરોન હેતમેયર, રોસ્ટન ચેઝ, નિકોલસ પૂરન, જેસન હોલ્ડર, કિમો પૌલ, અલજારી જોસેફ, ખેરી પિયર, શેલ્ડન કોટ્રેલ, સુનીલ એમ્બ્રિસ, બ્રેન્ડન કિંગ, રોમારિયો શેફર્ડ, હેડન વોલ્શ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular