ભારતને આઝાદી મળી. પાકિસ્તાનને આઝાદી મળી. વચ્ચે અમે કાશ્મીરીઓ ફસાઈ ગયા.

0
32

પાકિસ્તાન અને ભારત અસ્તિત્વમાં આવવાથી કાશ્મીરીઓ સૌથી વધુ હેરાન થયા. ભારતને આઝાદી મળી. પાકિસ્તાનને આઝાદી મળી. વચ્ચે અમે લોકો ફસાઈ ગયા.”

“1931થી લઈને આજ સુધી કાશ્મીરીઓ સરહદ પર શહીદ થઈ રહ્યા છે. જે અંદર રહે છે તે પણ શહીદ થાય છે અને તેઓ માત્ર આઝાદીના હેતુસર બલિદાન આપી રહ્યા છે.”  વાત કરતી વ્યક્તિ જમ્મુ-કાશ્મીરના એવા વિસ્તારમાં રહે છે, જ્યાંથી બહુ વાતો બહાર આવતી નથી. આ કાશ્મીરનો એ ભાગ છે જેનું પ્રશાસન પાકિસ્તાનના હાથમાં છે. એ વિસ્તારમાં સામાન્ય ભારતીયોમાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર તરીકે ઓળખાય છે.

પરિસ્થિતિ પર અફસોસ કરતી આ વ્યક્તિની વિનંતિ પર અમે તેમનું નામ લખી રહ્યા નથી.

તેઓ વર્ષ 1990માં ભારત પ્રશાસિત કાશ્મીરથી પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં જતા રહ્યા હતા.

તેઓ કહે છે કે ભારત પ્રશાસિત કાશ્મીરમાં રહેલાં તેમના સંબંધીઓની સુરક્ષાની ચિંતાને કારણે તેઓ પોતાનું નામ જાહેર કરવા માગતા નથી.

તેઓ ત્યાં ‘શાંતિથી રહેતાં હોવાનો’ દાવો તો કરે છે પણ તેમની વાતમાં પીડા વર્તાઈ આવે છે.


પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર

ભારત પ્રશાસિત કાશ્મીરમાંથી ત્યાં ગયેલા રઝિયાના મનમાં પણ આવો અફસોસ છે. અમે તેમનું મૂળ નામ જાહેર કરી શકતા નથી.

તેઓ કહે છે, “શાંતિ છે પણ મુશ્કેલીઓ પણ વધારે છે. ત્યાં (ભારત પ્રશાસિત કાશ્મીર)માં જવાનું મન તો બહુ થાય છે. પણ કઈ રીતે જવું. જ્યાં સુધી કાશ્મીરનો કોઈ નિર્ણય ન થાય ત્યાં સુધી કઈ રીતે જવું?”

“અહીં અમે સોનું પણ જમતાં હોઈએ (એટલે કે ગમે તેટલી અમીરી હોય) પણ અમારા વતનનું દુઃખ જરૂર છે. અમે વિચારીએ છીએ કે અમારી કબર પણ હોય તો અમારા વતનમાં હોય. વધુ તો હું આપને શું કહું.”

જોકે, રઝિયા પણ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની સ્થિતિ વિશે બોલતાં ખચકાય છે.

પણ રુહાના ખાનને આવી કોઈ તકલીફ નથી. તેઓ વિદ્યાર્થી છે. અમે તેમનું પણ અસલ નામ જાહેર કરી રહ્યા.

તેઓ કહે છે, “જીવીએ તો છીએ છીએ પણ બહુ મુશ્કેલ સ્થિતિમાં. પાકિસ્તાન સરકાર અમને જે ઍલાઉન્સ આપે છે તેમાં અમારો ગુજારો બહુ મુશ્કેલથી થાય છે અથવા તો કહો કે થઈ જ નથી શકતો.”


જમ્મુ અને કાશ્મીર

ભારતનું વિભાજન થયું અને પાકિસ્તાનના અલગ દેશ બન્યો તે પહેલાં જમ્મુ કાશ્મીરમાં ડોગરા રાજ્ય હતું અને તેના રાજા હરિસિંહ હતા.

ઑગસ્ટ 1947માં પાકિસ્તાન બન્યું અને તેના બે મહિના પછી લગભગ 2.06 લાખ વર્ગ કિલોમિટરમાં ફેલાયેલું જમ્મુ-કાશ્મીરનું રાજ્ય પણ વહેંચાઈ ગયું.

ત્યાર બાદ 72 વર્ષોમાં એટલે કે આજ સુધીમાં દુનિયા ઘણી બદલાઈ ગઈ છે.

જમ્મુ-કાશ્મીરની સરહદોમાં પણ પરિવર્તન આવ્યું છે. પરંતુ ત્યારથી અત્યાર સુધીમાં કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ખેંચતાણ અને તણાવમાં કોઈ જ ફરક પડ્યો નથી.

બંને દેશો જમ્મુ-કાશ્મીર પર પોતાનો હક જમાવે છે અને તેના માટે યુદ્ધ પણ લડાઈ ચૂક્યાં છે.

ગોળીઓ અને ધડાકાના અવાજો, નેતાઓનાં ભાષણો અને બુલંદ નારાઓ વચ્ચે કાશ્મીરીઓનો કાં તો ગૂમ થઈ જાય છે કાં તો અવગણવામાં આવે છે.


ભારતીય સેના

જે લોકો પહેલાંથી જ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં છે તેમની પણ ફરિયાદો તો છે જ.

પાકિસ્તાનનું કાશ્મીરના જે ભાગ પર નિયંત્રણ છે તેને તેઓ ‘આઝાદ કાશ્મીર’ કહે છે. ભારતમાં લોકમુખે તેને પાકિસ્તાનના કબજા હેઠળનું કે પચાવી પાડવામાં આવેલું કાશ્મીર ગણાવાય છે.

1947માં જ્યારે પાકિસ્તાન તરફથી પોતાને ‘આઝાદ આર્મી’ ગણાવતી કબાયલી સેના જ્યારે કાશ્મીરમાં ઘૂસી ત્યારે મહારાજા હરિસિંહે ભારતની મદદ માગી અને રાજ્યના વિલીનીકરણ પ્રસ્તાવ પર સહી કરી.

જ્યારે ભારતીય સેના ત્યાં પહોંચી ત્યારે પાકિસ્તાની કબાયલી સેનાએ જમ્મુ-કાશ્મીરના એક ભાગ પર કબજો જમાવી દીધો હતો અને તે રાજ્યથી અલગ થઈ ચૂક્યો હતો.

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદમાં રહેતા લેખક અબ્દુલ હકીમ કાશ્મીરી લાંબા સમયથી કાશ્મીર મામલા પર નજર રાખી રહ્યા છે.

અબ્દુલ હકીમ કશ્મીરી કહે છે, “પ્રથમ યુદ્ધવિરામ બાદ જે ભાગ પાકિસ્તાનમાં આવ્યો, તેમાંથી અહીં બે ભાગમાં રાજ્યો રચાયાં. એક આઝાદ કાશ્મીર હતું. એક ગિલગિટ બાલ્ટિસ્તાન.”

“આઝાદ કાશ્મીર 24 ઑક્ટોબર, 1947ના રોજ બન્યું. 28 એપ્રિલ, 1949ના રોજ રાજ્યના પ્રૅસિડેન્ટે એક કરાર મુજબ ગિલગિટ બાલ્ટિસ્તાનનો એક મોટો વિસ્તાર પાકિસ્તાનને આપી દીધો.”


લગભગ બધી વસતી મુસલમાન

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર અને ગિલગિટ બાલ્ટિસ્તાન જમ્મુ અને કાશ્મીર રાજ્યનો જ ભાગ હતા.

હાલના સમયે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર પાસે 5134 વર્ગ માઇલ એટલે કે લગભગ 13 હજાર 296 વર્ગ કિલોમિટરનો વિસ્તાર છે.

તેની સરહદો પાકિસ્તાન, ચીન અને ભારત પ્રશાસિત કાશ્મીરને લાગે છે. મુઝફ્ફરાબાદ તેની રાજધાની છે અને તેમાં 10 જિલ્લાઓ છે.

જ્યારે ગિલગિટ બાલ્ટિસ્તાનનાં 28 હજાર 174 વર્ગ માઇલ એટલે કે લગભગ 72 હજાર 970 વર્ગ કિલોમિટરનો વિસ્તાર છે.

ગિલગિટ બાલ્ટિસ્તાનમાં પણ 10 જિલ્લાઓ છે. તેની રાજધાની ગિલગિટ છે. આ બંને વિસ્તારોની કુલ વસતી 60 લાખ જેટલી છે અને લગભગ બધી વસતી મુસ્લિમ છે.


સમજૂતીનો ભંગ

ગિલગિટ-બાલ્ટિસ્તાન

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના પૂર્વ ચીફ જસ્ટિસ સૈયદ મંઝૂર ગિલાની દાવો કરે છે કે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર પાસે પાકિસ્તાનના રાજ્યોથી વધુ અધિકાર છે.

પરંતુ તેઓ ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તારને કરાચી સમજૂતી અંતર્ગત પાકિસ્તાનને સુપરત કરવાના નિર્ણય પર સવાલ ઉઠાવે છે.

તેઓ કહે છે, “કરાચી સમજૂતી એપ્રિલ 1949માં થઈ હતી. તે પાકિસ્તાની સરકાર, આઝાદ કાશ્મીરની સરકાર અને ત્યારના સત્તા પક્ષ વચ્ચે થઈ હતી.”

“જો આ સમજૂતીની ભાવના મુજબ અહીં બંધારણ બન્યુ હોત તો અમને વધુ સ્વાયત્તતા મળી હોત. આ સમજૂતીની એક જ ખામી હતી કે ગિલગિટ બાલ્ટિસ્તાન પાકિસ્તાનને સોંપી દેવામાં આવ્યું.”

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર અને ગિલગિટ બાલ્ટિસ્તાન બંને પર ભારત પોતાનો હક ગણાવે છે.

ભારતમાં નેશનલ સિક્યૉરિટી એડવાઇઝરી બોર્ડના સભ્ય અને રૉના પૂર્વ સ્પેશિયલ સેક્રેટરી તિલક દેવાશર પાકિસ્તાન અને કાશ્મીર મામલા પર સતત નજર રાખે છે.

તેઓ પાકિસ્તાન પર ઘણાં પુસ્તકો પણ લખી ચૂક્યાં છે. તેઓ કહે છે કે પાકિસ્તાને સમજૂતીનો વારંવાર ભંગ કર્યો છે.


નિયંત્રણ પાકિસ્તાન પાસે

દેવાશર કહે છે, “હાલ ભારત માટે કહેવાય છે કે 5 ઑગસ્ટે જમ્મુ કાશ્મીરનો દરજ્જો બદલી નાંખ્યો.”

“સૌથી મોટી વાત એ છે કે પાકિસ્તાને સમજૂતીનો ભંગ કર્યો હતો. હું ઉદાહરણ આપું છું. માર્ચ 1963માં પાકિસ્તાને કાશ્મીરનો એક વિસ્તાર ચીનને આપી દીધો જે લગભગ 1900 વર્ગ માઇલનો હતો.”

“એ પણ સમજૂતીનો ભંગ હતો. પછી 1949ની કરાચી સમજૂતી હતી, જેમાં ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકો તેમાં સામેલ પણ નહોતા. જે કથિત રીતે આઝાદ જમ્મુ અને કાશ્મીર હતું, તેમના નેતૃત્વે એ વિસ્તાર પાકિસ્તાનને સોંપી દીધો. તેમને આવું કરવાનો કોઈ હક નહોતો. પરંતુ પાકિસ્તાને એ વિસ્તાર પર કબજો કરી લીધો.”

ચીન આ પહેલાં 1962માં પણ જમ્મુ અને કાશ્મીરના એક ભાગ (અક્સાઈ ચીન)પર કબજો કરી ચૂક્યું હતું.

અબ્દુલ હકીમ કશ્મીરી પણ ગિલગિટ બાલ્ટિસ્તાનની અવગણના થઈ હોવાની વાત કરે છે.

તેઓ જણાવે છે કે હજુ પણ આ વિસ્તાર પાસે ઘણા ઓછા અધિકારો છે અને લગભગ તમામ નિયંત્રણ પાકિસ્તાન પાસે છે.

“ગિલગિટ બાલ્ટિસ્તાનને પાકિસ્તાને અલગ દરજ્જો આપ્યો. ત્યાં શરૂઆતમાં લોકશાહી નહોતી. 2009માં તેમણે પહેલું માળખું આપ્યું અને કહ્યું કે તેને એક અલગ પ્રાંતનો દરજ્જો આપીએ, પરંતુ તેને અલગ રાજ્ય બનાવવાની જાહેરાત થઈ નહીં.”

“ત્યાંના લોકોની રાજ્ય બનાવવાની માગ હતી. હવે વર્ષ 2018માં આદેશ આવ્યો છે. તે મુજબ ગિલગિટ અને બાલ્ટિસ્તાનની વિધાનસભાને કાયદો ઘડવાનો અધિકાર છે. જોકે, વિધાનસભાના અધિકારો ખૂબ મર્યાદિત છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here