ટેસ્ટનો અંતિમ પડાવ : ભારત પાસે ઓસ્ટ્રેલિયા સામે સતત ત્રીજી ટેસ્ટ સીરિઝ જીતવાની તક : બ્રિસ્બેન ખાતે ટીમ ઇન્ડિયા ક્યારેય મેચ નથી જીતી.

0
0

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટની સીરિઝ 1-1ની બરાબરી પર છે. અંતિમ મેચ 15 જાન્યુઆરીએ બ્રિસ્બેન ખાતે રમાશે. એડિલેડમાં 36 રનમાં ઓલઆઉટ થયા બાદ ભારતે મેલબોર્નમાં 8 વિકેટે બાજી મારી, જ્યારે સિડનીમાં 131 ઓવર બેટિંગ કરીને મેચ ડ્રો કરાવી. 1-1ની સ્કોરલાઈન એ નહીં જણાવે કે, આ દરમિયાન ટીમ ઇન્ડિયાના 9 ખેલાડીઓ ઈન્જર્ડ થયા. તેમ છતાં ટીમે હાર માની નથી, અને અજિંક્ય રહાણે સેકન્ડ ચોઈસના પ્લેયર્સને લીડ કરીને કાંગારુંને હંફાવી રહ્યો છે. જોકે, ટેસ્ટનો અંતિમ પડાવ ભારતે બ્રિસ્બેનમાં પાર કરવાનો છે, ઓસ્ટ્રેલિયાને અહીં માત આપવી એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. જો ભારત આ મેચ જીતે છે તો ઓસ્ટ્રેલિયા સામે સતત ત્રીજી સીરિઝ પોતાના નામે કરશે.

32 વર્ષથી બ્રિસ્બેનમાં મેચ નથી હાર્યું ઓસ્ટ્રેલિયા

કાંગારું છેલ્લા 32 વર્ષથી બ્રિસ્બેન ખાતે મેચ હાર્યું નથી. તેમણે અહીં છેલ્લે નવેમ્બર 1988માં વેસ્ટ ઇન્ડિઝ સામે મેચ ગુમાવી હતી. તે પછી મેન ઈન યલો અહીં રમેલી 31માંથી 24 ટેસ્ટ જીત્યા, જ્યારે 7 મેચ ડ્રો થઇ હતી. ઓવરઓલ વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા બ્રિસ્બેન ખાતે 62 ટેસ્ટ રમ્યું છે. તેમાંથી 40 જીત્યું, 8 હાર્યું, 13 ડ્રો રહી અને 1 મેચમાં ટાઈ પડી હતી.

ભારત 6માંથી 5 મેચ હાર્યું, 1 ડ્રો રહી તેમાં ગાંગુલીએ સદી મારી હતી

ભારત બ્રિસ્બેન ખાતે 6માંથી 5 મેચ હાર્યું છે. જે માત્ર મેચ ડ્રો રહી તેને તેમ કરાવવામાં સૌરવ ગાંગુલીનો અમૂલ્ય ફાળો હતો. ગાંગુલીએ 2003માં બ્રિસ્બેન ખાતે 196 બોલમાં 18 ફોરની મદદથી 144 રન કર્યા હતા. દાદાની આ ઇનિંગ્સ થકી જ ભારત કાંગારું સામે ફર્સ્ટ ઇનિંગ્સમાં લીડ મેળવી શક્યું હતું અને મેચ ડ્રો રહી હતી.

પહેલીવાર સતત ત્રણ વખત બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતવાની તક

ફેબ્રુઆરી 2016-17થી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ભારત પાસે જ છે. 2016-17માં આપણે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું. 2018-19માં તેમના ઘરે 2-1થી હરાવ્યું ભારતની ઓસ્ટ્રેલિયામાં પ્રથમ સીરિઝ જીત). હવે જીતે તો સતત ત્રીજી વખત ભારત બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતશે. ભારત પહેલા ક્યારેય બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સતત 3 સીરિઝ જીત્યું નથી. ઓસ્ટ્રેલિયાએ બે વાર સીરિઝ જીતની હેટ્રિક લગાવી છે. 1947-1977 દરમિયાન 7માંથી 6 સીરિઝ જીત્યું. વચ્ચેની ચોથા નંબરની સીરિઝ ડ્રો રહી હતી.

વરસાદ વિલનની ભૂમિકા ભજવે તેવી સંભાવના

મેચમાં વરસાદ વિલનની ભૂમિકા ભજવે તેવી પ્રબળ સંભાવના છે. મેચ દરમિયાન 5માંથી 4 દિવસ વરસાદ પડે તેવી શક્યતા છે. મિનિમમ તાપમાન 22 ડિગ્રી અને મેક્સિમમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. તેવામાં ભારે રોમાંચ બાદ આ સીરિઝ 1-1થી ડ્રો થશે તો ફેન્સને ભારે નિરાશા થશે..અહીંની પિચ ફાસ્ટ બોલર્સ માટે સ્વર્ગ સમાન છે અને તેમની વિકેટથી વધુ બાઉન્સ મળશે.

અશ્વિનના રમવા પર સસ્પેન્સ; પુકોવ્સ્કીની જગ્યાએ હેરિસ ઓપનિંગ કરશે

ભારતીય ટીમ બ્રિસ્બેન ખાતે જસપ્રીત બુમરાહ વગર ઉતરશે. તેની ગેરહાજરીમાં મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર ફાસ્ટ બોલિંગ આક્રમણ સંભાળશે. રવિચંદ્રન અશ્વિનના રમવા પર પણ એ સસ્પેન્સ છે. તે ન રમે તો તેની જગ્યાએ કુલદીપ યાદવને ચાન્સ મળી શકે છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયન ટીમમાં ઓપનર વિલ પુકોવ્સ્કીની જગ્યાએ માર્કસ હેરિસ ઓપનિંગ કરશે. પુકોવ્સ્કીને સિડનીમાં ફિલ્ડિંગ દરમિયાન ખભે ઇજા થઇ હતી.

રોહિત, રહાણે અને ગિલ પર બેટિંગની જવાબદારી

અજિંક્ય રહાણે 207 રન સાથે સીરિઝમાં ભારતનો ટોપ રન સ્કોરર છે. રોહિત શર્માના આગમનથી બેટિંગ વધુ મજબૂત થઇ છે. ઓપનિંગમાં શુભમન ગીલ પણ પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી રહ્યો છે. તેવામાં ત્રણેય પાસે ફરીથી મોટો સ્કોર કરીને બેટિંગની જવાબદારી ઉપાડવાની રહેશે.

ભારતની સંભવિત પ્લેઈંગ 11: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (કેપ્ટન), ઋષભ પંત, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, નવદીપ સૈની અને મોહમ્મદ સિરાજ

ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર, માર્કસ હેરિસ, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરૂન ગ્રીન, ટિમ પેન (કપ્તાન/વિકેટકીપર), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને જોશ હેઝલવુડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here