ભારત બનાવી રહ્યું છે લેસર હથિયાર, જેનાથી દુશ્મન દેશના છક્કા છૂટી જશે, પાકિસ્તાન- ચીનને પણ પરસેવો વળી જશે

0
0

યુદ્ધની રીત બદલાઈ રહી છે અને સાથે-સાથે હથિયારોની પણ. હવે પારંપરિક શસ્ત્રોની જગ્યાએ દૂરથી હુમલો કરવામાં સક્ષમ હથિયારો વિકસિત કરાઈ રહ્યાં છે, ભવિષ્યમાં યુદ્ધ અત્યાધુનિક હથિયારોની સાથે થઈ શકે છે. હોલિવૂડ ફિલ્મસ્ટાર વોરનાં હથિયારોની જેમ ભારત પણ હવે આવાં હથિયારો બનાવવા જઈ રહ્યું છે, જેના હુમલાથી પાડોશી દુશ્મન દેશના છક્કા છૂટી જશે. ભારત પર હુમલો કરતાં પહેલાં દુશ્મન દેશને પરસેવો વળી જશે. આવો, જાણીએ ભવિષ્યમાં બનનારાં ભારતીય હથિયારો બાબતે…

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) પણ દેશ માટે લેસર દ્વારા હુમલો કરવામાં સક્ષમ હથિયારો બનાવી રહ્યું છે. આ શસ્ત્રોને ડાયરેક્ટ એનર્જી વેપન – (Direct Energy Weapon – DEW) કહેવામાં આવે છે. આ ઉપરાંત એવાં શસ્ત્રો પણ બનાવવામાં આવી રહ્યાં છે, જે માઇક્રોવેવ કિરણોને છોડીને દુશ્મનના ઇલેક્ટ્રોનિક્સ, રેડિયો સિસ્ટમ, કમ્યુનિકેશન સિસ્ટમ, વગેરેનો નાશ કરશે. વાતચીતનો અભાવ અને કમાન્ડ ન મળવાની સ્થિતિમાં દુશ્મન અત્યંત નબળો પડી જાય છે, જેને કારણે તેના પર હુમલો કરવો સરળ બને છે.

DEWમાં હાઈ એનર્જી લેસર (High Energy Laser) અને હાઈ પાવર માઇક્રોવેવ્સ (High Power Microwaves) સામેલ છે. આ હથિયારોને બનાવવા માટે ભારત સરકારે એક રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ બનાવ્યો છે, જેમાં અલગ-અલગ પ્રકારનાં DEW હથિયારો હશે, જેમની ક્ષમતા 100 કિલોવોટ પાવર હશે, એટલે કે આ હથિયાર દેશ પર દુશ્મન દેશ તરફથી આવનારી કોઈ મિસાઈલ અથવા ફાઈટર પ્લેન કે ડ્રોનને અવકાશમાં જ નષ્ટ કરશે.

આ પ્રોજેક્ટનું નામ ‘કાલી’ બીમ રાખવામાં આવ્યું છે. આ લેસર બીમ હુમલામાં ન તો અવાજ થાય છે કે ન કોઈ ધૂમ-ધડાકા. તે ચૂપચાપ પોતાના દુશ્મનલક્ષ્ય પર હુમલો કરી શકે છે અથવા તો તેને સળગાવીને નષ્ટ કરી નાખે છે. આ હથિયારોને તૈયાર થવામાં કેટલો સમય લાગશે એ બતાવવું હાલ મુશ્કેલ છે. ગત કેટલાક દિવસો પહેલાં ભારતે બે એન્ટી ડ્રોન બનાવ્યાં હતાં, જેની ટાર્ગેટ રેન્જ એકથી બે કિલોમીટર છે, પરંતુ આ સ્વદેશી હથિયાર અમેરિકા, રશિયા, ચીન, જર્મની, ઇઝરાયેલની સરખામણીએ હજી ઘણું નાનું છે. આની મદદથી એક કરતાં વધારે ડ્રોન, વાહન અથવા બોટનો નાશ કરી શકાય છે.

DRDOએ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આગામી 10 વર્ષ માટે એક યોજના તૈયાર કરી છે. પ્રથમ ફેઝમાં આ હથિયારોની રેન્જને 6-8 કિલોમીટર, પછી બીજા ફેઝમાં 20 કિલોમીટર સુધી વધારવાની તૈયારી છે. આ હથિયારોની વિશેષતા છે કે આનાથી દુશ્મનનું બચવું મુશ્કેલ છે. આ હથિયાર અત્યંત સટીક નિશાન લગાવી શકે છે. અન્ય હથિયારોની સરખામણીએ એનો ઓપરેશન કોસ્ટ પણ ઓછો છે. એકસાથે હુમલો કરનાર અનેક લક્ષ્યાંકને એકલું એક જ લેસર હથિયાર સંભાળી શકે છે. જો વીજળીનો સપ્લાય યોગ્ય રીતે મળી રહે છે તો એને અનેક વખત ઉપયોગ કરી શકાય છે.

અમેરિકાએ ઘણાં વર્ષો પહેલાં 33 કિલોવોટની લેસર ગનથી ડ્રોનને નાશ કર્યું હતું. અમેરિકાએ 300થી 500 કિલોવોટ સુધીના ડાયરેક્ટ એનર્જી વેપન્સ બનાવેલાં છે, જે ક્રૂઝ મિસાઇલો પર પણ હુમલો કરી શકે છે. ભારતીય સેના માટે પ્રથમ ફેઝમાં 20 હાઈ પાવર ઈલેક્ટ્રોમેગ્નેટિક વેપન્સ સિસ્ટમની જરૂરિયાત થશે, જે 6થી 8 કિલોમીટર રેન્જની થશે. બીજા ફેઝમાં 15 કિલોમીટર રેન્જ ધરાવતી હાઈ પાવર ઈલેક્ટ્રોમેગ્નેટિક વેપન્સ સિસ્ટમની જરૂરિયાત પડશે.

ડાયરેક્ટ એનર્જી વેપન્સ એક જ જગ્યાએ તહેનાત કરીને આપ ઘણા કિલોમીટર દૂર સુધી હુમલો કરી શકો છો, જેમાંથી નીકળનારાં કિરણ એ પછી લેસર હોય કે ઈલેક્ટ્રોમેગ્નેટિક કિરણો, દુશ્મન પર પળવારમાં જ હુમલો કરી શકે છે. હથિયારમાંથી લેસર કિરણો નીકળતાં કોઈ અવાજ કે ધડાકો પણ થતો નથી, જેથી દુશ્મનને હુમલો થવાની ખબર પડતી નથી. ભારતીય સેનાને એક મિસાઈલ નાશ કરવા માટે ઓછામાં ઓછો 500 કિલોવોટનું લેસર હથિયાર જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here