ICC રેન્કિંગ : ભારતે ઓક્ટોબર 2016 પછી પહેલીવાર નંબર-1નો તાજ ગુમાવ્યો, ઓસ્ટ્રેલિયા ટેસ્ટમાં પ્રથમ સ્થાને

0
14
  • ICCએ સિસ્ટમ અપડેટ કરતા હવે તેમાં 2016-17ની સીઝનના પ્રદર્શનની ગણતરી થતી નથી
  • ભારતે તે સીઝનમાં 12 ટેસ્ટ જીતી અને માત્ર 1 હારી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયા ભારત અને દ.આફ્રિકા સામે હાર્યું હતું
  • ઑસ્ટ્રેલિયા T-20માં પણ નંબર 1 ટીમ, 27 મહિનાથી ટોપ પર રહેલી પાકિસ્તાનની ટીમને રિપ્લેસ કરી
  • ભારત વનડેમાં બીજા અને T-20માં ત્રીજા ક્રમે છે

ઓસ્ટ્રેલિયા ભારતને પાછળ છોડીને વર્લ્ડ નંબર 1 ટેસ્ટ ટીમ બની ગઈ છે. ઓસ્ટ્રેલિયા 116 પોઇન્ટ્સ સાથે પ્રથમ અને ન્યૂઝીલેન્ડ 115 પોઇન્ટ્સ સાથે બીજા સ્થાને છે. ભારત ઓક્ટોબર 2016થી ટેસ્ટ ટીમ રેન્કિંગમાં પ્રથમ સ્થાને હતું, જોકે હવે કોહલીની ટીમ ત્રીજા ક્રમે પહોંચી ગઈ છે. ભારતના 114 પોઇન્ટ્સ છે.

https://twitter.com/ICC/status/1256104061667082240

વગર ક્રિકેટે રેન્કિંગમાં ફેરફારનું કારણ શું? 

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પોતાની પોઇન્ટ સિસ્ટમ અપડેટ કરી છે. જેમાં હવે 2016-17ની સીઝન દરમિયાન મેળવેલા પોઇન્ટ્સને રેન્કિંગની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવતા નથી. તેમજ મે 2019 સુધી રમાયેલી મેચોને મહત્ત્વ પણ સિસ્ટમમાં ચાલુ વર્ષની મેચોની સરખામણીએ ઘટાડી દીધું છે. ભારત 2016-17ની સીઝનમાં 12 ટેસ્ટ જીત્યું હતું અને માત્ર 1 હાર્યું હતું. જ્યારે ઑસ્ટ્રેલિયાએ તે જ સીઝનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા સામે સીરિઝ ગુમાવી હતી. આ રીતે ભારતને નુકસાન અને કાંગારૂને ફાયદો થયો છે.

છેલ્લા કેટલાક સમયથી નિરાશાજનક દેખાવ કરનાર દક્ષિણ આફ્રિકા હવે શ્રીલંકાથી પાછળ છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે. દક્ષિણ આફ્રિકા ફેબ્રુઆરી 2019થી રમાયેલી 9માંથી 8 સીરિઝ હાર્યું છે. ટેસ્ટ રેન્કિંગમાં ઇંગ્લેન્ડ 105 પોઇન્ટ્સ સાથે ચોથા, શ્રીલંકા 91 પોઇન્ટ્સ સાથે પાંચમા અને દક્ષિણ આફ્રિકા 90 પોઇન્ટ્સ સાથે છઠ્ઠા ક્રમે છે.

ઓસ્ટ્રેલિયા T-20માં પહેલીવાર નંબર 1 ટીમ

T-20 રેન્કિંગની શરૂઆત 2011થી થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા પહેલીવાર ફોર્મેટમાં નંબર 1 ટીમ બની છે. પાકિસ્તાન છેલ્લા 27 મહિનાથી ટોપ પર હતું અને હવે ઓસ્ટ્રેલિયાએ તેને રિપ્લેસ કર્યું છે. ઓસ્ટ્રેલિયા શ્રીલંકા, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સામે રમેલી છેલ્લી 9માંથી 7 મેચ જીત્યું છે.

ઑસ્ટ્રેલિયા 278 પોઇન્ટ્સ સાથે પ્રથમ, ઇંગ્લેન્ડ 268 પોઇન્ટ્સ સાથે બીજા અને ભારત 266 પોઇન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે. પાકિસ્તાન ત્રણ ક્રમના નુકસાન સાથે 260 પોઇન્ટ્સ સાથે ચોથા અને દક્ષિણ આફ્રિકા 258 પોઇન્ટ્સ સાથે પાંચમા ક્રમે છે.

વનડેમાં વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડ ટોપ પર

વનડેમાં 2019 વર્લ્ડ કપ વિજેતા ઇંગ્લેન્ડ 127 પોઇન્ટ્સ સાથે ટોપ પર છે. ભારત, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે. તેમના 119, 116, 108 અને 107 પોઇન્ટ્સ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here