ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સુરક્ષા ઉપકરણોની જાળવણીના નામે પાકિસ્તાનને 450 મિલિયન ડોલરનું ફંડ આપવાના મામલે નિંદાત્મક નિવેદન આપ્યું હતું. જેના પર હવે અમેરિકા તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે, અમે ભારત અને પાકિસ્તાન બંનેને અલગ સાથી તરીકે જોઈએ છીએ.
અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે, અમે ભારત અને પાકિસ્તાન સાથેના અમારા સંબંધોને એ રીતે જોતા નથી કે તે બે દેશો એકબીજા સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે. પ્રાઈસે વધુમાં કહ્યું હતું કે, બંને દેશો અમારા સાથી છે અને અમેરિકા પણ બંનેને સાથી તરીકે જુએ છે કારણ કે, ઘણી બાબતોમાં અમારા શેર મૂલ્યો અને વધુ સામાન્ય હિતો છે. નેડ પ્રાઈસે વધુમાં કહ્યું કે, અમેરિકા આ બે પાડોશી દેશો વચ્ચેના સંબંધોમાં સકારાત્મકતા જોવા માટે તમામ પ્રયાસ કરવા માંગે છે.
મહત્વનું છે કે, વોશિંગ્ટનમાં ભારતીય-અમેરિકનો દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં એફ-16 જાળવણી પેકેજ અંગેના પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, દરેકને ખબર છે કે એફ-16 ફાઈટર જેટનો ઉપયોગ ક્યાં અને કોના માટે થાય છે. એસ જયશંકરે વધુમાં કહ્યું કે, તમે આવી વાત કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી. આ તરફ અફઘાનિસ્તાનમાં સત્તા પર કબજો કરવા માટે પાકિસ્તાન દ્વારા તાલિબાનને આપવામાં આવેલી મદદ વિશે પૂછવામાં આવતા પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે જ્યારે પણ અમારા સુરક્ષા સહયોગીઓની વાત આવે છે ત્યારે અમે તેમની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખીએ છીએ.