ઇન્ડિયા રેટિંગ્સે ભારતના વિકાસદરનો અંદાજ સુધાર્યો : ચાલુ વર્ષ 7.8%નું સંકોચન થશે.

0
0

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ધારણા કરતા અર્થવ્યવસ્થામાં ઓછા સંકોચનથી વિવિધ સ્થાનિક અને વિદેશી રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતીય અર્થતંત્રના વિકાસદરના અંદાજમાં સુધારો કરવાની ફરજ પડી છે. હવે ભારતીય રેટિંગ એજન્સી ઇન્ડિયા રેટિંગ્સે ભારતના ચાલુ નાણાંકીય વર્ષ 2020-21ના વિકાસદરના અંદાજમાં સુધારો કર્યો છે.

એજન્સીએ કહ્યુ કે, વર્ષ 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં 7.8 ટકાનું સંકોચન જોવા મળશે. જ્યારે અગાઉ એજન્સીએ ભારતના વિકાસદરમાં 11.8 ટકાના ઘટાડાની આગાહી કરી હતી.

ઇન્ડિયા રેટિંગ્સે કહ્યુ કે, ચાલુ વર્ષે બીજા ક્વાર્ટર જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન જે રિકવરી જોવા મળી, તેમાં તહેવારોની માંગ અને અનલોક બાદ માંગ નીકળી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીડીપીમાં 7.5 ટકાનું સંકોચન આવ્યુ છે જ્યારે તેની પૂર્વે જૂન ક્વાર્ટર દરમિયાન ભારતના વિકાસદરમાં 23.9 ટકાનો ઐતિહાસિક ધબડકો નોંધાયો હતો.

ડિસેમ્બરમાં GDPમાં 0.8% ટકાના સંકોચનની આગાહી

એજન્સીએ કહ્યુ કે, અસરકારક વેક્સીન વગર મહામારીથી મુક્તિ મળશે નહીં પરંતુ આર્થિક એજન્ટોએ નવી સ્થિતિની સાથે જીવવાનું શિખવાડી દીધુ છે. ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપીમાં 0.8 ટકાનું સંકોચન જોવા મળી શકે છે અને ત્યારબાદ જાન્યુઆરીથી માર્ચના ચોથા ક્વાર્ટરમાં વિકાસદરમાં 0.3 ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે. અગાઉ એજન્સીએ કહ્યુ હતુ કે, બીજા ક્વાર્ટમરાં ઇકોનોમી વૃદ્ધિ કરતી થઇ જશે.

નવા વર્ષે ભારતીય અર્થવ્યવસ્થા 9.6%નો વિકાસદર દર્શાવશે

એજન્સીના મુખ્ય અર્થશાસ્ત્રી દેવેન્દ્ર પંતે રિપોર્ટમાં કહ્યુ કે, સમગ્ર ચાલુ નાણાંકીય વર્ષે જીડીપીમાં 7.8 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. અલબત્ત નવા નાણાંકીય વર્ષ 2021-22માં ભારત 9.6 ટકાનો વિકાસદર દર્શાવી શકે છે. એજન્સીનું કહેવુ છે કે, ચાલુ વર્ષે કૃષિ અને બાંધકામ ક્ષેત્રમાં 3.5 ટકાનો વિકાસ થશે જ્યારે ઔદ્યોગિક ક્ષેત્રે 10.3 ટકા અને સર્વિસ સેક્ટરનો વૃદ્ધિદર 9.8 ટકા ઘટશે.

રાજકોષીય ખાધ 7 ટકા રહેવાની ધારણા

એજન્સીના મતે ચાલુ નાણાંકીય વર્ષે ભારતની રાજકોષીય ખાધ જીડીપીના 7 ટકા જેટલી રહેશે જ્યારે બજેટમાં 3.5 ટકાનો અંદાજ મૂકાયો છે. ઉલ્લેખનિય છે કે, રાજકોષીય ખાધ પહેલાથી બજેટ અંદાજને વટાવી ગઇ છે. તો ચાલુ વર્ષે જથ્થાબંધ અને રિટેલ મોંઘવારી દર અનુક્રમે 0.3 ટકા અને 6.8 ટકા રહી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here