IPLમાં આજે પંજાબ vs દિલ્હી : કિંગ્સ ઇલેવન પંજાબ 6 વર્ષ પહેલા UAEમાં 5 મેચ જીત્યું હતું, આ વખતે સ્પિનર્સના દમ પર દિલ્હી ભારે પડી શકે છે.

0
0

IPLની 13મી સીઝનની બીજી મેચ આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે દુબઈમાં રમાશે. UAEમાં પંજાબની ટીમ હજી સુધી એક પણ મેચ હારી નથી. ટીમે અહીં 2014માં તમામ 5 મેચ જીતી હતી. ઉપરાંત પંજાબ છેલ્લી ત્રણ સીઝનથી પોતાની પહેલી મેચ જીતતું આવ્યું છે. આવી સ્થિતિમાં ટીમ પોતાનો રેકોર્ડ જાળવી રાખવા માગશે. શનિવારે પ્રેક્ટિસ દરમિયાન દિલ્હીનો ઝડપી બોલર ઇશાંત શર્મા ઈજાગ્રસ્ત થયો હતો. તેના રમવા અંગે મેચ પહેલા જ નિર્ણય લેવામાં આવશે.

આ વખતે દિલ્હીની ટીમની મુખ્ય તાકાત તેના સ્પિનર્સ છે, જેઓ પંજાબ પર ભારે પડી શકે છે. તેમની પાસે રવિચંદ્રન અશ્વિન, અમિત મિશ્રા અને અક્ષર પટેલ જેવા અનુભવી સ્પિનર્સ છે. તેમને સ્લો પિચ પર ઘણી મદદ મળશે અને તેઓ પોતાના દમ પર ટીમને ટાઇટલ જીતાડવા પૂરેપૂરો પ્રયત્ન કરશે. ગઈ વખતે અશ્વિન પંજાબનો કપ્તાન હતો.

UAEમાં દિલ્હીનો નબળો રેકોર્ડ
લોકસભાની ચૂંટણીને કારણે IPL 2009માં દક્ષિણ આફ્રિકા અને 2014ની સીઝનની પ્રથમ 20 મેચ UAEમાં યોજાઇ હતી. UAEમાં દિલ્હીનું તે સમયે પ્રદર્શન સાધારણ રહ્યું હતું, તેઓ 5માંથી 2 મેચ જીત્યા અને 3 હાર્યા હતા.

આ રેકોર્ડ પર નજર રાખવામાં આવશે

  • મેચમાં 23 રન બનાવતાની સાથે જ લોકેશ રાહુલ IPLમાં 2 હજાર રન પૂરા કરશે. તે આવું કરનાર 20મો ભારતીય બનશે.
  • જો ક્રિસ ગેલ 16 રન બનાવે છે, તો તે લીગમાં 4500 કે તેથી વધુ રન બનાવનાર બીજો વિદેશી બનશે.
  • 100 સિક્સ પૂરી કરવા શિખર ધવનને 4, જ્યારે ઋષભ પંતને 6 સિક્સની જરૂર છે.

હેડ-ટુ-હેડ
IPLમાં પંજાબ સૌથી વધુ મેચ દિલ્હી સામે જ જીત્યું છે. બંને વચ્ચે રમાયેલી 24માંથી 10 મેચ દિલ્હી, જયારે 14 મેચ પંજાબ જીત્યું છે. ગઈ સીઝનમાં બંને ટીમ 1-1 મેચ જીતી હતી.

પિચ અને વેધર રિપોર્ટ: દુબઈમાં મેચ દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી. તાપમાન 28થી 37 ડિગ્રી વચ્ચે રહેશે. પિચ બેટ્સમેનને મદદ કરી શકે છે. અહીં ધીમી વિકેટ હોવાને કારણે સ્પિનરોને પણ ઘણી મદદ મળશે. ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરશે. અહીં છેલ્લી 61 T-20માં પ્રથમ બેટિંગ ટીમ કરનાર ટીમનો સક્સેસ રેટ 55.74% રહ્યો છે.

આ મેદાન પર કુલ T-20: 61

  • પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી: 34
  • પ્રથમ બોલિંગ કરનાર ટીમ જીતી: 26
  • પ્રથમ દાવમાં ટીમનો સરેરાશ સ્કોર: 144
  • બીજી ઇનિંગમાં ટીમનો સરેરાશ સ્કોર: 122

દિલ્હી એકમાત્ર એવી ટીમ છે જે અત્યાર સુધી ફાઇનલ રમી નથી
પંજાબ અને દિલ્હી બંને હજી સુધી ટાઇટલ જીતી શકી નથી. બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિંટાની ટીમ પંજાબ 2014માં ફાઇનલ અને 2008માં સેમિફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ટ્રોફી પોતાના નામે કરી શકી નથી. જ્યારે, દિલ્હી એકમાત્ર એવી ટીમ છે, જે હજી સુધી ફાઇનલમાં પહોંચી નથી. દિલ્હીની ટીમ 2008 અને 2009 એટલે કે પહેલી બે સીઝનમાં સેમિફાઇનલમાં પહોંચી હતી.

ગેલ, રાહુલ અને મેક્સવેલ અગત્યની ભૂમિકા ભજવશે
આ વખતે પંજાબની ટીમના નવા કેપ્ટન લોકેશ રાહુલ પર ટીમને ચેમ્પિયન બનાવવાની જવાબદારી રહેશે. રાહુલ, મેક્સવેલ અને ગેલ પંજાબ માટે ટૂર્નામેન્ટમાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે. ગેલે લીગના ઇતિહાસમાં સૌથી વધુ 326 સિક્સર અને સૌથી વધુ 6 સદી ફટકારી છે. બોલિંગ વિભાગમાં, મોહમ્મદ શમી અને શેલ્ડન કોટ્રેલ ટીમ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

દિલ્હી યુવા ખેલાડીઓ પર નિર્ભર
દિલ્હી કેપ્ટિલ્સ જીત માટે યુવા ખેલાડીઓ પર નિર્ભર રહેશે. કપ્તાન શ્રેયસ ઐયર, ઋષભ પંત અને પૃથ્વી શો જેવા યુવા બેટ્સમેન ટીમ માટે કી-પ્લેયર છે. તે સિવાય શિખર ધવન, અજિંક્ય રહાણે અને અશ્વિન જેવા અનુભવી ખેલાડીઓ ટીમને વધુ મજબૂત બનાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here