ભારતીય જવાનોએ 1100 ડિગ્રી સે. તાપમાને ધગધગતા લાવાથી લાખો લોકોને બચાવ્યા

0
2

સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના ન્યૂયોર્ક સ્થિત હેડક્વાર્ટરમાં શનિવારે આંતરરાષ્ટ્રીય શાંતિ સેના દિવસ મનાવાયો. તેમાં ભારતીય સૈન્યના એ જવાનોના નામ ગર્વભેર લેવાયા કે જેમણે ગયા અઠવાડિયે આફ્રિકન દેશ કોંગોમાં ફાટેલા નિરાગોંગો જ્વાળામુખીના 1100 ડિગ્રી સે. તાપમાને ધગધગતા લાવાથી લાખો લોકોને બચાવ્યા તેમ જ અન્ય શાંતિ સૈનિકોની પણ રક્ષા કરી.

સૈન્યના સૂત્રોએ જણાવ્યું કે યુએન તરફથી એલર્ટ મળ્યું હતું કે શાંતિ સૈનિકોને ત્યાંથી ખસેડી લેવામાં આવે પરંતુ ભારતીય લીડરશિપે ત્રીજા ભાગનાથી વધુ જવાનોને લોકોની મદદ માટે ત્યાં જ રોકી રાખ્યા. સૈન્યએ 1 કલાકમાં 3 મોટા નિર્ણય લીધા. પહેલો- એર એસેટ્સ શિફ્ટ કરી દેવામાં આવે. બીજો- ગોમામાં તહેનાત 2,300 ભારતીય સૈનિક પૈકી 70%ને હિમ્બીમાં કંપની ઓપરેટિંગ બેઝ ખાતે મોકલી દેવાય અને ત્રીજો- બાકીના સૈનિકોને ખાલી શિબિરોની રક્ષા, એવિયેશન બેઝ તથા એવિયેશન ફ્યુઅલની સારસંભાળ માટે ત્યાં જ તહેનાત કરવામાં આવે. દેખરેખ પોસ્ટ બનાવવાનો નિર્ણય ખૂબ જ કારગત સાબિત થયો.

સૂઝબૂઝ અને સાહસભર્યું જવાનોનું પરાક્રમ
આ પોસ્ટથી ભારતીય સૈન્યે બહુ જલદી જાણી લીધું કે લાવા કઇ તરફથી વહી રહ્યો છે. ગોમાની વસતી 6 લાખ છે. જ્વાળામુખી ફાટવાની દહેશત ફેલાઇ ચૂકી હતી. લોકો ઘર છોડીને ભાગી રહ્યા હતા. એવામાં ભારતીય સૈન્યે તેમને એલર્ટ કર્યા કે લાવા પડોશી દેશ રવાન્ડા તરફથી વહી રહ્યો છે. સૈન્યએ લાવાનો સંભવિત રૂટ જાણી લીધો અને તે રૂટ પરના નાગરિકોને હટાવવા ઓપરેશન હાથ ધર્યું. આ સૂઝબૂઝ અને સાહસ કામ આવ્યા. હવે કોંગોના સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેના મુખ્યાલયમાં સ્થિતિ સામાન્ય થઇ રહી છે. કોંગોમાં 14 હજાર શાંતિ સૈનિક તહેનાત છે, જેમાંથી અંદાજે 20% ભારતીય છે.

વિશ્વશાંતિમાં ભારત: 49 મિશનમાં 1.95 લાખ સૈનિકની ભૂમિકા
વિશ્વશાંતિ મિશનોમાં ભારત બિગ બ્રધર છે. ચીનના સૈનિકો આપણાથી ત્રણ ગણા ઓછા છે. ભારતીય સૈન્યએ 73 વર્ષમાં 49 મિશનમાં 1.95 લાખથી વધુ સૈનિકો મોકલ્યા છે, જે સૌથી મોટું યોગદાન છે. આ મિશનોમાં 170 ભારતીય સૈનિક શહીદ થઇ ચૂક્યા છે. હાલ 10 મિશનમાં ભારતના 7,676 જવાન તહેનાત છે.

4 હજાર શાંતિ સૈનિક જીવ ગુમાવી ચૂક્યા છે છેલ્લા 73 વર્ષમાં
29 મે, 1948થી અત્યાર સુધીમાં 72 શાંતિ મિશનોમાં 10 લાખ સૈનિક પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. વિશ્વના 89 હજાર શાંતિ સૈનિક 16 મિશન પર તહેનાત છે. છેલ્લા 73 વર્ષમાં 4 હજારથી વધુ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિક આં.રા. મિશનોમાં શહીદ થયા છે. 2020માં સૌથી વધુ 130 જવાને જીવ ગુમાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here