અમેરિકામાં 6 રાજ્યની 10 સંસદીય બેઠક પર ભારતીયો નિર્ણાયક, વોટિંગ હિસ્સેદારી 6થી 18% સુધી

0
0

અમેરિકામાં ભારતીયોએ એક રાતમાં બાઇડેન માટે 24 કરોડ એકત્રિત કર્યા તો ઘણા લોકોને આશ્ચર્ય થયું પણ એ સત્ય છે કે મતોમાં કુલ 1% હિસ્સેદારી છતાં ભારતીયો અમેરિકી ચૂંટણીમાં ઘણા સ્તરે મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે. ખાસ કરીને પરિણામનું માર્જિન ઓછું જણાય છે તેવાં રાજ્યોમાં ભારતીયો સહિતના વિદેશી મૂળના મતદારોનું મહત્ત્વ વધી ગયું છે. અમેરિકામાં ભારતીયો એ રીતે ફેલાયેલા છે કે 6 રાજ્ય- કેલિફોર્નિયા, ન્યુજર્સી, ટેક્સાસ, વર્જિનિયા, ન્યુયોર્ક તથા ઇલિનોયના ગવર્નરો તથા સેનેટરોની ચૂંટણીમાં તેઓ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ 6 રાજ્યની 10 સંસદીય બેઠક, 15 શહેરના મેયરની સીટ પર ભારતીય મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. તેમની હિસ્સેદારી 6%થી 18% સુધી છે. ટેક્સાસનાં પરિણામોમાં ભારતીયોની સીધી અસર જોવા મળશે. વર્ષ 2010થી 2017 દરમિયાન અહીં ભારતીયોની વસતી 38% વધી છે.

14 ભારતીય ભાષામાં બાઇડેનની એડ.; ટ્રમ્પ મોદીને મિત્ર ગણાવે છે

ટ્રમ્પ અને બાઇડેન ભારતીય મતદારોને રીઝવવાના પૂરા પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પ મોદીને પોતાના મિત્ર ગણાવી રહ્યા છે તો બાઇડેને ભારતીય મૂળનાં કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર બનાવ્યાં છે. ‘હિન્દુ ફોર બાઇડેન’ કેમ્પેન અંતર્ગત 14 ભારતીય ભાષામાં એડ. પણ લૉન્ચ કરાઇ છે.

ભારતીયો જે સ્વિંગ સ્ટેટ્સમાં વસતી 5 ટકાથી ઓછી છે ત્યાં કિંગમેકર

ભારતીયો મિશિગન, પેન્સિલ્વેનિયા, ઓહાયો, ફ્લોરિડા, જ્યોર્જિયા અને વિસ્કોન્સિન જેવા સ્વિંગ સ્ટેટ્સમાં કસોકસના મુકાબલામાં કિંગમેકર બની જાય છે. ફ્લોરિડાની વસતી 2.15 કરોડ છે, જેમાં ભારતીયો માત્ર 1.28 લાખ છે પણ એક જ ઉમેદવારને મત આપવા પર આ મતો નિર્ણાયક બની જાય છે.

સેનેટ-કોંગ્રેસમાં 20થી વધુ ભારતીય ઉમેદવાર

આ વખતે ભારતીય મૂળના 20થી વધુ લોકો સેનેટ અને કોંગ્રેસની ચૂંટણી લડી રહ્યા છે. તેમાંથી 10 સંસદીય બેઠક માટે લડી રહ્યા છે. બાકીના સેનેટર બનવા નસીબ અજમાવી રહ્યા છે. 2018ની મધ્યસત્ર ચૂંટણીમાં 4 ભારતીયો હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સની ચૂંટણી જીત્યા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આ વખતે 38 ઇલેક્ટોરલવાળા ટેક્સાસમાં ટ્રમ્પ અને બાઇડેન વચ્ચે ખૂબ કસોકસનો મુકાબલો જણાઇ રહ્યો છે. આ સ્થિતિમાં અહીં ભારતીયો તેમની વધુ વસતીના કારણે નિર્ણાયક બની ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here