ભારતની આંતરરાષ્ટ્રીય ફૂટબોલ પ્લેયર ઈંટોના ભઠ્ઠામાં કામ કરવા મજબૂર બની

0
5

ભારતમાં એવી અનેક ખેલ પ્રતિભાઓ છે જે ઉપેક્ષાનો શિકાર બની છે. ઝારખંડની આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ખેલાડી સંગીતા કુમારીની સ્થિતિ એવી છે કે તે ઈંટોના ભઠ્ઠામાં કામ કરવા મજબૂર બની છે. મેડલ જીતનારી સંગીતાને અનેક વચનો આપવામાં આવ્યા હતા જે હજુ સુધી નથી નિભાવવામાં આવ્યા.

સંગીતા સોરેન ધનબાદ સ્થિત બાઘામારા બાસમુડી ખાતે રહે છે. તે ઈંટોના ભઠ્ઠામાં શેકાઈને પોતાના પરિવારને બે ટાઈમની રોટલી પૂરી પાડી રહી છે. દાડી કરનારા તેના ભાઈને પણ કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન કોઈ કામ નથી મળી રહ્યું જેથી આખા પરિવારનો ભાર સંગીતાના માથે છે.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને એક વખત ટ્વીટ કરીને સંગીતાને મદદ અને સરકારી નોકરીનું આશ્વાસન આપ્યું હતું પરંતુ હજુ સુધી તે વચન પૂરૂ નથી કરાયું. આ કારણે સંગીતા મજૂરી કરવા મજબૂર બની છે. સંગીતાના પિતા સરખી રીતે જોઈ નથી શકતા જ્યારે માતા દીકરી સાથે ઈંટોના ભઠ્ઠામાં કામ કરે છે.

સંગીતા 2018-19માં અંડર-17માં ભૂતાન અને થાઈલેન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ રમી હતી અને ઝારખંડનું માન વધાર્યું હતું. વિજેતા બનવાની સાથે સંગીતાએ બ્રોન્ઝ મેડલ પણ હાંસલ કર્યો હતો.

સંગીતાના પિતાએ જણાવ્યું કે, તેમને એવી આશા હતી કે તેમની દીકરી ફૂટબોલની સારી ખેલાડી છે તો સરકાર કશું કરશે પરંતુ કંઈ જ ન મળ્યું અને દીકરીએ ભઠ્ઠામાં કામ કરવું પડે છે. ત્યાંના ધારાસભ્યએ પણ કોઈ મદદ ન કરી. સંગીતાના કહેવા પ્રમાણે પરિવારની દેખભાળ પણ જરૂરી છે માટે તે ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કરે છે અને કોઈ રીતે ઘર ચલાવવામાં મદદરૂપ થાય છે.

આટલી કઠિનાઈ છતા સંગીતાએ પોતાની ફૂટબોલ પ્રેક્ટિસ નથી છોડી અને દરરોજ સવારે તે મેદાનમાં પ્રેક્ટિસ કરે છે. આશરે 4 મહિના પહેલા મુખ્યમંત્રી હેમંત સોરેન પાસે મદદ માંગવામાં આવી હતી અને તેમણે મદદનું આશ્વાસન આપ્યું હતું પરંતુ હજુ સુધી કોઈ મદદ નથી કરાઈ.

વધુમાં સંગીતાએ જણાવ્યું કે, યોગ્ય સન્માન ન મળવાના કારણે અહીંના ખેલાડીઓ બીજા પ્રદેશમાંથી રમવા જતા રહે છે. દરેક ખેલાડીને સારા ભોજન અને પ્રેક્ટિસની જરૂર છે. પરંતુ અહીંની સરકાર ખેલાડીઓ પ્રત્યે ગંભીર ન હોવાના કારણે જ તેના જેવા ખેલાડીઓએ મજૂરી કરવી પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here