અમરેલી : ઇન્દોરનો મોસ્ટ વોન્ટેડ જીતુ સોની સાવરકુંડલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાયો, તેના પર 1 લાખનું ઇનામ હતું

0
0

અમરેલી. ઇન્દોર પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. લાંબા સમયથી ફરાર મોસ્ટ વોન્ટેડ જીતુ સોનીને ઝડપી પાડવામાં આવ્યો છે. ઈન્દોર પોલીસે કાર્યવાહી કરતા જીતુ સોનીની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના એક ફાર્મ હાઉસમાં છૂપાયો હતો. ત્યાંથી ઈન્દોર પોલીસે અમરેલી પોલીસની મદદથી ચાર દિવસ પહેલા તેની ધરપકડ કરી હોવાનું અમરેલી પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જીતુ સોની 56થી વધુ ગુનામાં ફરાર હતો અને મધ્ય પ્રદેશ પોલીસે તેના પર એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. થોડા દિવસો પહેલા જ જીતુ સોનીના ભાઈ મહેન્દ્ર સોનીને પણ પોલીસે ગુજરાતમાંથી ઝડપી પાડ્યો હતો. મહેન્દ્ર સોનીની ધરપકડના 4 દિવસમાં જીતુ સોનીની પણ ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી છે. જીતુ સોનીની ધરપકડ માટે ઇન્દોર ક્રાઈમ બ્રાન્ચની 12થી વધુ ટીમોએ ગુજરાતમાં ધામા નાંખ્યા હતા.

જીતુ સોનીએ રાજકોટમાં પણ  ધામા નાખ્યા હતા

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીતુ સોની ઘણા સમયથી રાજકોટમાં હોવાની જાણ ઈન્દોર ક્રાઈમ બ્રાંચને મળતા રાજકોટ શહેર પહોંચી હતી. પરંતુ જીતુને પણ સમાચાર મળી ગયા હતા કે ઈન્દોર પોલીસ રાજકોટ પહોંચી ગઈ છે. આથી તે રાજકોટથી ભાગવામા સફળ રહ્યો હતો. પરંતુ ત્રીજા દિવસે અમરેલીના સાવરકુંડલાના એક ફાર્મ હાઉસમાંથી જીતુ સોનીની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે જીતુ સોનીના ગોરખધંધાનો ખુલાસો કર્યો હતો

ઉદ્યોગપતિ જીતુ સોનીના અનેક ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા. જીતુ સોનીની માય હોમનામની હોટલ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને જીતુ સોનીના ઘરેથી 36 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જીતુ સોનીના ઠેકાણાં પર દરોડા દરમિયાન એવી અનેક ચીજો મળી હતી જેનાથી તેના કાળા કામોનો પર્દાફાશ થયો હતો. જીતુના પુત્ર અમિત સોનીને પણ પોલીસે અટકાયત કરી હતી. મધ્ય પ્રદેશ હનિટ્રેપ કેસ સામે આવ્યા બાદ SIT તેની તપાસ કરી રહી છે. જીતુ સોની ઈન્દોરમાં એક અખબાર ચલાવતો હતો. તેણે હનિટ્રેપ સાથે સંકળાયેલા અનેક વીડિયો બહાર લાવ્યા હતા. જે બાદ પોલીસે જીતુ સોનીના ગોરખધંધાનો ખુલાસો કર્યો હતો. જીતુ સોની અખબારની આડમાં ઈન્દોર શહેરમાં અને કાળા કારનામાને અંજામ આપી રહ્યો હતો.

જીતુ સોની રાજકોટમાં હોવાનું કેટલાક પોલીસ અધિકારીઓ જાણતા હતા

જીતુ સોનીને પકડવા માટે કેન્દ્રના બે નેતાઓએ સૂચના આપી હતી અને જે આરોપી સામે રૂ.1 લાખનું ઇનામ જાહેર કરાયું હતું તે જીતુ સોની ભૂપત ભરવાડના ફાર્મહાઉસમાં છૂપાયો હતો, ભૂપત સાથે શહેર પોલીસના અનેક અધિકારીઓને નિકટના સંબંધો છે. જીતુ સોની રાજકોટમાં હતો તે વાતની કેટલાક પોલીસ અધિકારીઓને જાણ હતી, જીતુ આરોપી છે અને તેણે આશરો લીધો છે તે વાતથી માહિતગાર પોલીસ અધિકારીઓએ શા માટે જીતુને સકંજામાં લઇને ઇન્દોર પોલીસને જાણ કરી નહીં?, ભૂપત સાથેના સંબંધો મહત્ત્વના હતા કે પોલીસ વિભાગ પ્રત્યેની વફાદારી? આવા અનેક સવાલો ઉઠ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here