ભારત-ઓસ્ટ્રેલિયા ફરીથી એક વખત આમને-સામને થવા તૈયાર છે. થોડા મહિનામાં જ બીજી વખત વિશ્વ ક્રિકેટની આ બે ભારે ટીમે ટકરાવા જઇ રહી છે. ગત વખત જ્યારે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસે હતી તો વરસાદે કંગારૂઓની ઇજ્જત બચાવી લીધી હતી. ત્રણ મેચની ટી20 સીરિઝ 1-1થી બરાબરી પર છૂટી હતી. પરંતુ એના તરત બાદ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં 2-1થી મળેલી ટી20 હારનું દુ:ખ ‘વિરાટ સેના’ રવિવારથી શરૂ થઇ રહેલી 2 ટી-20 મેચની સીરિઝથી ભૂલવા ઇચ્છશે.
વિશાખાપટ્ટનમમાં સાંજે સાત વાગ્યાથી શરૂ થવા જઇ રહેલી આ મેચમાં લાંબી રજાઓ માણીને આવેલ કેપ્ટન વિરાટ કોહલી અને મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ વાપસી કરી રહ્યા છે.
હવે ભારતીય ટીમ મજબૂત પણ જોવા મળી રહી છે. બીજી બાજુ પૂરી ઓસ્ટ્રેલિયાઇ ટીમ બિગ બેદ જેવી મોટી ટી20 લીગ ખતમ કરીને ભારત આવી છે. રમતના આ સૌથી નાના ફોર્મેટમાં કંગારુઓને નજરઅંદાજ કરવો ભારતીય ટીમની સૌથી મોટી ભૂલ હશે.
ભારતે આ સીરિઝમાં કેટલાક મોટા પ્રયોગ કર્યા છે. વિશ્પ કપને ધ્યાનમાં રાખીને ભુવનેશ્વર કુમાર અને કુલદીપ યાદવને આરામ આપ્યો છે. એની જગ્યાએ ઉમેશ યાદવ અને પહેલી વખત મયંક માર્કડેયને ટી 20માં તક આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે અત્યાર સુધી 18 ઇન્ટરનેશનલ ટી20 મેચ રમાઇ છે જેમાંથી ભારતે 11 મેચ જીતી જ્યારે 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયા ટીમ માટે માર્કસ સ્ટોઇનિસ ટ્રંપ કાર્ડ સાબિત થઇ શકે છે. ખુદ વિરાટે પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો સ્વીકાર કર્યો. આ ઉપરાંત શૉન માર્શની જગ્યાએ ટીમામાં સામેલ કરવામાં આવેલા ડાર્સી શૉર્ટથી ફણ ભારતીય બોલરોએ બચવું પડશે.