બાળક માટે માતા-પિતા એ એવા પ્રથમ બે લોકો છે જેના પર તે સૌથી વધુ વિશ્વાસ કરી શકે છે. પરંતુ જો જન્મ આપનાર જ જીવ લેનાર બની જાય તો બાળક ક્યાં જાય. આવી જ એક કાળજુ કંપાવનારી ઘટના અમેરિકાના ઓહાયો શહેરમાં બની છે. ચાર વર્ષની માસૂમ બાળકીને તેના માતા-પિતાએ દૂધની બોટલમાં કોલ્ડ ડ્રિંક આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. કોર્ટે પુત્રીની માતાને હત્યાના આરોપમાં 14 વર્ષની જેલની સજા ફટકારી છે અને તેના પિતાને 11 જૂને સજા સંભળાવવામાં આવશે. તે પણ હત્યાનો દોષી જાહેર થયો છે.
41 વર્ષીય તમરા બેંક્સને તેની માસૂમ બાળકીની હત્યા બદલ 9 થી 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ક્લેરમોન્ટ કાઉન્ટીના વકીલોએ કહ્યું કે, આ ઘટના 2022માં બની હતી જ્યારે બાળકીના માતા-પિતાના કારણે બાળકી કુપોષણ અને યોગ્ય તબીબી સંભાળના અભાવે મૃત્યુ પામી હતી. ચાર વર્ષની માસૂમ બાળકી કારમીટી ડાયાબિટીસથી પણ પીડિત હતી. તપાસ દરમિયાન ડોકટરોને જાણવા મળ્યું હતું કે, કોલ્ડ ડ્રિંકના વધુ પડતા સેવનને કારણે તેના શરીરમાં શુગર લેવલ નોંધપાત્ર રીતે વધી ગયું અને તેનું મોત થઈ ગયું.
બાળકીની માતા તમરા અને 53 વર્ષીય પિતા ક્રિસ્ટોફર હોએબને 2023માં હત્યા અને બાળકના જીવનને જોખમમાં મૂકવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હોએબે પણ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે અને તેને 11 જૂને સજા સંભળાવવામાં આવશે. ફરિયાદી પક્ષે જણાવ્યું કે, બાળકીનું મોત 21 જાન્યુઆરી 2022ના રોજ થયું હતું. તેમના માતા-પિતાએ બાળકીની તબિયત લથડતા થતાં 911 પર ફોન કર્યો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી તેને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવી હતી અને લાઈફ સપોર્ટ હટાવી દેવામાં આવ્યો હતો. ફરિયાદી પક્ષે જણાવ્યું કે, બાળકીને ડાયાબિટીસ હતું જેની તેના માતા-પિતા દ્વારા યોગ્ય સારવાર કરવામાં નહોતી આવી. ફરિયાદીઓએ કે, બાળકી તેના માતા-પિતાની ઉપેક્ષા અને દુર્વ્યવહારના પરિણામે મૃત્યુ પામી હતી.
ફરિયાદીએ જણાવ્યું કે, બેંક્સ અને હોએબે તેમની બાળકીને દૂધની બોટલમાં માઉન્ટેન ડ્યુ પીવડાવ્યુ હતું. તેમણે જણાવ્યું કે, જ્યારે બાળકી મૃત્યુ પામી ત્યારે તેના મોઢામાં એક પણ દાંત નહોતો બચ્યો, જે હતા તે સડી ગયા હતા.