વિશ્વભરનું અવનવું : ઢીંગલીએ ગામ માથે લીધું, કેનેડામાં વૃક્ષોને બચાવવા અનોખો વિરોધ

0
8

ઓસ્ટ્રેલિયામાં નોર્થ ક્વિન્સલેન્ડના લોકો એક ઢીંગલીથી થરથર કાંપી રહ્યા છે. આ ઢીંગલી એક વૃક્ષની ડાળી પર બાંધેલા ઝૂલા પર બેઠેલી જોવા મળે છે. સ્થાનિક લોકો તેને ભૂતિયા ઢીંગલી માને છે. એટલું જ નહીં, લોકો એના વિશે વાત કરતા પણ ડરે છે. આ ઢીંગલી વિશે જાતજાતની વાતો ચાલી રહી છે. લોકો કહે છે કે આ ઢીંગલી કમનસીબી લાવે છે.

ઘણા લોકો કહે છે કે એની નજીકથી પસાર થઈએ તોપણ ઢીંગલીની ખરાબ અસર પડે છે તો અનેક લોકો કહે છે કે જેમણે આ ઢીંગલી જોઈ એમાંથી ઘણા લોકો અકસ્માતનો ભોગ બન્યા છે, પરંતુ આ ઢીંગલી ઝાડ પરના ઝૂલા પર કેવી રીતે આવી એ વિશે કોઈ જાણતું નથી પણ કેટલાક લોકો કહે છે કે એક પ્રેમીયુગલે આ ઢીંગલી બનાવી હતી. યુગલ અચાનક ગાયબ થઈ ગયું અને આ ઢીંગલી શાપિત બની ગઈ. સ્થિતિ એવી છે કે સ્થાનિક તંત્ર આ અંગેની સચ્ચાઈ જાણવાની કોશિશમાં છે, પરંતુ કોઈ અધિકારી જ ઢીંગલીની નજીક જવા ઈચ્છતા નથી તો આની તપાસ કેવી રીતે થશે એ જ મોટો સવાલ છે!

વયોવૃદ્ધ વૃક્ષોને બચાવવા અનોખો વિરોધ

કેનેડામાં વૃક્ષપ્રેમીઓ અનોખી રીતે વૃક્ષો કાપવા સામે વિરોધ કરી રહ્યા છે. અહીંના રેઈન ફોરેસ્ટમાં વયોવૃદ્ધ એટલે કે 200-250 વર્ષથી વધુ વયનાં ઝાડ કાપવામાં આવી રહ્યાં છે. પર્યાવરણપ્રેમીઓને આ વાત ગમી નથી. તેઓ જંગલમાં જઈને વિવિધ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે. આ રેઈન ફોરેસ્ટમાં કેટલાંક વૃક્ષો તો 1000 વર્ષ જૂનાં પણ છે.

ન્યૂયોર્કમાં ડ્રોનથી સર્જાયું કૌતુક

અમેરિકામાં આમ તો ડ્રોન કોઈ નવી નવાઈની વાત નથી, પરંતુ હાલમાં ન્યૂયોર્કમાં લોકો એક ડ્રોનથી ભારે અચંબિત થઈ રહ્યા છે. વાસ્તવમાં ન્યૂયોર્કમાં હાઈ લાઈન પાર્ક ખાતે એક ફાઈબર ગ્લાસનું બનેલું ડ્રોનનું વિશાળ શિલ્પ મૂકવામાં આવ્યું છે, જેનાથી લોકોમાં ભારે કૌતુક સર્જાયું છે કે અચાનક આ પ્રકારનું શિલ્પ ક્યાંથી આવ્યું. આ શિલ્પ સેમ ડુરાન્ટ નામના આર્ટિસ્ટે તૈયાર કર્યું છે.

ચોખા માત્ર ખાવાના ન હોય

તસવીર ચીનના ફુજિયાન પ્રાંતના ગોઆલુ ગામમાં રહેતા ચેન ગુરુઈની છે. તેમનો જન્મ 1987માં થયો હતો. તેઓ 100 વર્ષ જૂની કળાને હજુ પણ જીવંત રાખવાનું કામ કરી રહ્યાં છે. ચોખાના એક એક દાણાને ભેગા કરીને તેઓ અદભુત કલાકૃતિઓ તૈયાર કરી રહ્યા છે. તેના માટે તેઓ કોચિંગ પણ આપે છે અને બાળકોને એની ટ્રેનિંગ પણ આપે છે.

વાન ગૉગના પેઈન્ટિંગ્સનો નજારો

લંડનમાં વિન્સેટ વાન ગૉગની મલ્ટી સિનિરી એક્ઝિબિશન વાન ગૉગ એલાઈવ શરૂ થઈ ગયું છે. તેમાં વાન ગૉગના હજારો પેઇન્ટિંગ્સ ડિજિટલી રજૂ કરવામાં આવ્યાં હતાં. એક્ઝિબિશનના દરેક ખૂણામાં તમને વાન ગૉગના પેઈન્ટિંગ્સ જોવા મળી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here