વિશ્વભરનું અવનવું : કેમેરામેનની ચપળતાને પરિણામે અદભુત તસવીર: દુર્ગંધ છોડતા ફૂલને જોવા લોકોએ લાઇન લગાવી

0
0

બલ્ગેરિયાના વર્નામાં યુરોપિયન રિધમિક જિમ્નેસ્ટિક્સ ચેમ્પિયનશિપનું આ દૃશ્ય છે. કેમેરામેનની ખૂબી અને ચપળતાને પરિણામે અદભુત તસવીર પ્રાપ્ત થઈ. વાસ્તવમાં આ તસવીર ઈઝરાયેલની લિનોય અશરમની છે, જે રિધમિક જિમ્નેસ્ટિક્સ ઈન્ડિવિડ્યુઅલ બોલ ફાઈનલમાં પર્ફોર્મ કરી રહી છે. તેના શરીરની ફ્લેક્સિબિલિટી કેવી છે એનો આ તસવીર જ પુરાવો છે.

બાઈડનને માતાની યાદ આવી

G7 સમિટ સંપન્ન થયા પછી હિથ્રો એરપોર્ટ પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને તેમની સાથે રહેલા પત્રકારો સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે પોતાની માતાને પણ યાદ કર્યા હતા. વાસ્તવમાં પત્રકારોએ તેમની બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીય સાથેની મુલાકાત વિશે પૂછ્યું ત્યારે બાઈડને કહ્યું હતું કે તેઓ ‘ખૂબ વિનમ્ર’ છે. આ સમયે બાઈડને કહ્યું હતું કે મહારાણી એલિઝાબેથ દ્વિતીયને મળીને તેમને પોતાની માતાની યાદ આવી હતી.

‘ઓલ માઉથ એન્ડ નો ટ્રાઉઝર્સ’ શું છે જાણો છો?

બ્રિટનના કોર્નવોલ ખાતે યોજાયેલી G7 સમિટ દરમિયાન સાત દેશો યુએસએ, યુકે, જર્મની, ઈટાલી, કેનેડા, ફ્રાન્સ અને જાપાનના સર્વોચ્ચ નેતાઓની બેઠક યોજાઈ. આ સાતેય શક્તિશાળી નેતાઓનું વૈશ્વિક સમસ્યાઓ પરત્વે ધ્યાન દોરવા વિવિધ પ્રકારે દેખાવો થઈ રહ્યા છે. જાણીતા એક્સ્ટિ. રિબેલિયનના એક્ટિવિસ્ટ્સે G7ના નેતોઓની વિચિત્ર વેશભૂષા ધારણ કરીને સાથે સ્લોગન રાખ્યું ‘ઓલ માઉથ એન્ડ નો ટ્રાઉઝર્સ’. આવું સ્લોગન રાખવાનો હેતુ એ હતો કે G7 પુરૂષોનું વર્ચસ્વ છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. G7 સમિટમાં સાતેય દેશોના નેતાઓ સામેલ થાય છે ત્યારે દર વખતે વિવિધ સંગઠનોનાં એક્ટિવિસ્ટ્સ વિવિધ મુદ્દા પર વિરોધ પ્રદર્શનો કરતા હોય છે અથવા તો કોઈ મુદ્દા પર અપીલ કરતા હોય છે.

સડેલા માંસ જેવી દુર્ગંધ ફેલાવતું ફૂલ

પોલેન્ડના વારસોઉમાં એક ફૂલને ખીલતું જોવા માટે લોકોની લાંબી કતાર લાગી હતી. નવાઈની વાત તો એ છે કે આ ફૂલ જ્યારે ખીલે છે ત્યારે સડેલા માંસ જેવી દુર્ગંધ ફેલાતી હોય છે અને તેમ છતાં તેને જોવા લોકોએ લાઈન લગાવી હતી. આવું કેમ? આ ફૂલ અત્યંત વિશિષ્ટ છે અને ફૂલોની લુપ્ત થતી પ્રજાતિમાંનું એક છે. આ ફૂલને સુમાત્રન ટાઈટન એરમ અથવા તો કોર્પ્સ ફ્લાવર અથવા તો એમોર્ફોફેલસ ટાઈટેનિયમ નામથી ઓળખવામાં આવે છે. આ ફૂલની રસપ્રદ વાત એ છે કે આ ફૂલ ક્યારે ખીલશે તેનો કોઈ નિશ્ચિત સમય કે મોસમ હોતા નથી. ટોટલી અનપ્રિડક્ટિબલ! હકીકત એ છે કે આ ડાળી વિનાનું કે થડ વિનાનું સીધું જ જમીનમાંથી ઉગતું આ ફૂલ અનેક વર્ષોમાં એકવાર ખીલે છે.

આ કુરકુરિયાએ બાજી મારી

વિશ્વભરમાં ડોગ શોનું આયોજન થતું હોય છે અને તેમાં વિવિધ બ્રિડના શ્વાનોને રજૂ કરવામાં આવે છે. ન્યૂયોર્કના ટેરીટાઉનમાં પણ રવિવારે વેસ્ટમિન્સ્ટર કેનલ ક્લબ ડોગ શો યોજાયો, જેમાં પેકિંગીઝ નામનું કુરકુરિયું બાજી મારી ગયું. વિશિષ્ટ દેખાવ ધરાવતા આ શ્વાનને બેસ્ટ ઈન શોમાં બ્લુ રિબન પ્રાપ્ત થઈ છે.

ઓશન્સ ફોટોગ્રાફી સ્પર્ધાની અદભુત વિજેતા તસવીરો

યુનાઈટેડ નેશન્સ વિશ્વશાંતિ, પર્યાવરણ અને શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં તો કામ કરે જ છે. જોકે, બહુ ઓછાને ખબર હશે કે, યુએન દ્વારા એક ફોટોગ્રાફી સ્પર્ધા પણ યોજવામાં આવે છે. આ સ્પર્ધામાં ફક્ત સમુદ્રને લગતી તસવીરો મોકલવાની હોય છે. આ વર્ષે યોજાયેલી યુએન વર્લ્ડ ઓશન્સ ડે ફોટો કોન્ટેસ્ટ નામની આ સ્પર્ધામાં દુનિયાભરના ફોટોગ્રાફરોએ છ કેટેગરીમાં 1400 તસવીર મોકલી હતી. તો અહીં રજૂ છે ડેનમાર્કના ફારો આઈલેન્ડથી લઈને કોસ્ટા રિકાના સમુદ્રમાં ક્લિક કરેલી કેટલીક ચુનંદા વિજેતા તસવીરો. જેમાં તમે બ્લુ વ્હેલ, સી લાયનનું બચ્ચું, માકો શાર્ક, ભૂખી ટુના માછલીની એક એકથી ચડિયાતી તસવીર જોઈ શકો છો. આ સ્પર્ધાનું આયોજન કરતા અવોર્ડ વિનિંગ બેલ્જિયન ફોટોગ્રાફર એલન કુલેર્ટ્સ કહે છે કે, માણસોએ હવે તેમનો સમુદ્રનો સાથેનો સંબંધ વધુ સંતુલિત કરવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here