યૂથ ઝોન ડેસ્ક: ઓરિસ્સામાં બે ઇનોવેટર્સે ઇકો ફ્રેન્ડલી પેન બનાવી છે. આ પેનને ન્યૂઝપેપર, ફળ, શાકભાજી અને ફૂલોનાં બીજ મદદ થી બનાવી છે. પ્રેમ પાંડે અને અહમદ રઝાએ ઇકો ફ્રેન્ડલી પેન બનાવવાનો સ્ટાર્ટઅપ શરુ કર્યો છે. તેમની કંપનીનું નામ ‘લિખના’ છે. આ પેનની કિંમત 5 થી 7 રૂપિયા છે.
જર્મની અને ઓસ્ટ્રેલિયામાં પેનનું ધૂમ વેચાણ
આ પેને ભારત ઉપરાંત બીજા દેશોમાં પણ લોકપ્રિયતા મેળવી લીધી છે. જર્મની અને ઓસ્ટ્રેલિયાના લોકોને આ પેન ઘણી પસંદ પડી રહી છે. આ બંને દેશનાં માર્કેટમાં પણ આ પેન ઉપલબ્ધ છે.
‘પેનની રિફિલ હજુ પ્લાસ્ટિકની છે’
પ્રેમ પાંડેએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, અમે લોકોએ પ્લાસ્ટિકથી બચવા માટે આ ઇકો ફ્રેન્ડલી પેન બનાવી છે. જો કે આ પેન સંપૂર્ણપણે પ્લાસ્ટિક ફ્રી નથી. તેમાં રિફિલ પ્લાસ્ટિકની છે. આવનારા સમયમાં અમે રિફિલ પણ પ્લાસ્ટિક ફ્રી બનાવીશું. અમે પેનની બોડી ન્યૂઝપેપરમાંથી બનાવી છે.
અહમદ રઝાએ કહ્યું કે, પેન એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ કરોડો લોકો રોજબરોજની જિંદગીમાં કરે છે. અમારી પેનનો લોકો ઉપયોગ કર્યા બાદ તેને માટીમાં કે કૂંડામાં ફેંકી શકાય છે. આથી પેનથી થતું પ્લાસ્ટિકનું પ્રદૂષણ એકંદરે ઘટી જશે.