મહેસાણા તાલુકાના મેઉ ગામમાં ગોઝારીયાની જલદીપ ગેસ એજન્સી દ્વારા સપ્લાય કરવામાં આવતા એલ.પી.જી ગેસ સિલિન્ડરમાં ગેસનો જથ્થો નિયત 14 કિલો ગ્રામ કરતાં ઓછો હોવાની જાગૃત ગ્રામજનોની પ્રાથમિક ચકાસણીમાં જણાઇ આવતા તાબડતોબ તોલમાપ તંત્રને જાણ કરાઇ હતી અને અધિકારી સહિતની ટીમ સ્થળ પર દરોડા પાડી એજન્સી વાહનમાં સપ્લાય 23 સિલિન્ડરનું વજન કરતાં 1 થી 3 કિલો ગેસનો જથ્થો ઓછો હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.ગેસની 24 બોટલો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.
મેઉ ખાતે સવારે ગોઝારીયા એજન્સી રાહે ટેમ્પોમાં આવેલ ગેસના સિલિન્ડરનું વજન ઓછુ લાગતા તોલમાપ અધિકારીને જાણ કરાતાં અધિકારી એન.એમ.રાઠોડ,સિનીયર નિરીક્ષક એસ.વી. પટેલ અને જુનિયર જૈમિન ગજ્જરની ટીમ દોડી આવી હતી.જેમાં ગ્રાહકોને વિતરીત કરાયેલ જથ્થાની પંચાયત ખાતે પરત મંગાવી એજન્સીના ડ્રાઇવર અને રહીશોની હાજરીમાં વજન કરી તપાસ કરતાં એલ.પી.જી ગેસના 12 સીલબંધ સિલિન્ડરમાં ગેસનો જથ્થો 1 થી 2.900 કિલોગ્રામ ઓછો હોવાનું માલૂમ પડ્યુ હતું.આથી જલદીપ ગેસ એજન્સી સામે કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાગૃત રહીશોએ આ રીતે પર્દાફાશ કર્યો
સવારે 11 વાગ્યે ગોઝારીયાથી ગાડી સિલિન્ડર ભરીને ગામમાં આવી હતી.જ્યાં બે રહીશોને જથ્થો ઓછો લાગતા કિરાણા સ્ટોર્સના વજન કરાવ્યુ તો બે-ત્રણ કિલો ઓછુ હતુ,આથી સરપંચ અલ્પાબેનના પતિ જીતેન્દ્રસિંહ ચાવડા સહિત આગેવાનોએ તંત્રને જાણ કરી અને તમામ સિલિન્ડર જપ્ત કર્યા હતા.