કોવિડ-19 : ઇન્ટાસ ફાર્મા બનાવી રહી છે કોરોના માટે દેશની પહેલી પ્લાઝમા થેરાપી સમાન વેક્સિન, એક મહિનામાં હ્યુમન ટ્રાયલ કરશે

0
0

દેશની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ લિમિટેડ પ્લાઝમા થેરાપીનો પર્યાય બની શકે તેવી વેક્સિન વિકસાવવા ઉપર કામ કરી રહી છે. કોરોનાના ઈલાજ માટે હાલમાં પ્લાઝમા થેરાપીનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થઇ રહ્યો છે. કંપનીએ દાવો કર્યો છે કે આ દવાથી કોવિડ-19ના પેશન્ટને પ્લાઝમા થેરાપી આપવાની જરૂર રહેશે નહિ.

ઇન્ટાસના મેડિકલ એન્ડ રેગ્યુલેટરી અફેર્સના હેડ ડો. આલોક ચતુર્વેદીએ જણાવ્યું કે, દેશમાં આ પ્રકારની દવા પહેલીવાર બની રહી છે જે સંપૂર્ણ સ્વદેશી છે. અમને ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DCGI) તરફથી કોવિડ-19ની સારવાર માટે ખાસ વિકસીત કરાયેલી હાઈપરિમ્યુન ગ્લોબ્યુલિનના હ્યુમન ટ્રાયલ્સની મંજુરી મળી ગઈ છે અને તેના માટે અમે ગુજરાત અને દેશની અન્ય રજીસ્ટર્ડ હોસ્પિટલ્સ સાથે વાત કરી રહ્યા છીએ. આગામી એક મહિનામાં ક્લિનિકલ ટ્રાયલ શરુ થઇ જશે.

પ્લાઝમા કરતાં દસમાં ભાગના ડોઝથી ઈલાજ થઇ શકશે
ડો. ચતુર્વેદીએ જણાવ્યું કે, હાલમાં કોરોનાના દર્દીઓને પ્લાઝમા થેરાપી આપવામાં આવે છે તેમાં અંદાજે 300mg પ્લાઝમા આપવામાં આવે છે. બીજું કે દરેક પેશન્ટને તે કેવી અને કેટલા પ્રમાણમાં અસર કરે છે તે નિશ્ચિત નથી. તેની સામે હાઈપરિમ્યુન ગ્લોબ્યુલિનનો 30mgનો ડોઝથી દર્દીને પુરતો છે. આ વાત અત્યાર સુધીના ટ્રાયલમાં સાબિત થઇ છે.

ત્રણ મહિનામાં ટ્રાયલના પરિણામો મળી જશે
ડો. ચતુર્વેદીએ કહ્યું કે, અમને ક્લિનિકલ ટ્રાયલ માટે મંજુરી મળી છે અને આગામી એક મહિનામાં હ્યુમન ટ્રાયલ શરુ કરી દેવામાં આવશે. આ દવા હ્યુમન પ્લાઝમામાંથી જ બની હોવાથી તેના પરિણામો ટ્રાયલ શરુ થયાના એક મહિનામાં મળી જવાની અપેક્ષા છે. દવાના ઉત્પાદન માટે જરૂરી મંજૂરીઓ મેળવતા અંદાજે એક મહિના જેટલો સમય લાગી શકે છે તે જોતા આગામી ત્રણ મહિનામાં આ દવા લોન્ચ માટે તૈયાર થઇ જશે.

શું છે હાયપરિમ્યુન ગ્લોબ્યુલિન?
સરળ ભાષામાં સમજીએ તો માણસોના શરીરમાં જયારે કોઈ વાયરસ પ્રવેશ કરે છે ત્યારે લોહીમાં જ તેની પ્રતિકારક સેલ બને છે અને વાયરસ સામે લડે છે. સરળ ભાષામાં તેને ઇમ્યુનિટી ડેવલપમેન્ટ કહેવાય છે. કોરોના જેવા વાયરસ સામે લડવા માટે ઘણીવાર ઈમ્યુન સિસ્ટમ ડેવલપ થવામાં વાર લાગે છે. જે દર્દીઓ સાજા થઇ ગયા હોય તેમના શરીરમાં એન્ટીબોડી વિકસિત થઇ હોવાથી તેના પ્લાઝમા બીજા દર્દીઓમાં ઈમ્યુન વિકસાવવામાં મદદ કરી શકે છે. ઇન્ટાસે આ જ વાતનો આધાર લઈને હાયપરિમ્યુન ગ્લોબ્યુલિન દવા વિકસાવી છે.

પ્લાઝમા મિસમેચ થવાની મુશ્કેલી નહિ રહે
ઈન્ટાસના વાઈસ પ્રેસિડેન્ટ અને પ્લાઝમા ઑપરેશન્સના વડા ડો. સુમા રેએ જણાવ્યું કે, હાઈપરિમ્યુન ગ્લોબ્યુલિન કોવિડ-19ના દર્દીઓ માટે બ્લડ ટ્રાન્સમિટીડ વાયરસ અને અન્ય પ્લાઝમા પ્રોટીનથી મુક્ત શુદ્ધ અને સમૃદ્ધ એન્ટિબૉડિ તૈયાર કરશે. ખાસ પ્રકારે નિર્માણ થયેલી ઍન્ટિબૉડિની વિશિષ્ટ સારવાર હોવાના અનેક ફાયદાઓની સાથે દર્દી માટે ખાસ પ્રકારના બ્લડ ગ્રૂપ મેચિંગ અથવા ડોનર પસંદ કરવાની જરૂર રહેતી નથી. સામાન્ય પ્લાઝમા થેરપીથી અલગ હાઈપરિમ્યૂન ગ્લોબ્યુલિન દર્દીઓ માટે દેશના દૂરના વિસ્તાર સુધી પણ સરળતાથી પહોંચાડી શકાય છે.

પ્લાઝમા ડોનરનું ખાસ ગ્રુપ બનાવવામાં આવશે
કંપનીએ જણાવ્યું હતુકે, આ દવા માટે પ્લાઝમાની જરૂર પડે છે. કોવિડ-19થી સાજા થયેલા દર્દીઓના પ્લાઝમા એકઠા કરવા ઈન્ટાસ મેડિકલ રિસર્ચ સંસ્થાઓ અને રક્તદાતાઓના એક ખાસ ગ્રુપ બનાવી રહી છે જેથી સાજા થયેલા કોવિડ-19ના દર્દીઓ પાસેથી પ્લાઝમા મેળવી શકાય. ઈન્ટાસ ટૂંક સમયમાં વેબસાઈટ પણ લૉન્ચ કરશે જેથી પ્લાઝમાનું દાન કરવા ઇચ્છતી વ્યક્તિ નજીકની બ્લડ બૅન્ક શોધી સુરક્ષિત રીતે પ્લાઝમાનું દાન કરી શકે. કંપનીએ કૉન્વલેસન્ટ પ્લાઝમાનો પુરવઠો મળી રહે તે માટે સરકારનો સાથ માંગ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here