પ્રતીક્ષા માત્ર બે દિવસમાં બસ ચલાવતા શીખી
(યૂથ ઝોન ડેસ્ક. રવિ કાયસ્થ ) બેસ્ટ ડ્રાઈવર બોલીએ એટલે આપણી નજર સમક્ષ પુરુષ ડ્રાઈવર જ આવે. પણ હવે આ વાતને બદલવાનું કામ અત્યારે પ્રતીક્ષા દાસ નામની યુવતી કરી રહી છે. અત્યારે પ્રતીક્ષા બેસ્ટની બસ ચલાવવાની ટ્રેનિંગ લઇ રહી છે. આ ટ્રેનિંગ જોતાં એમ લાગે છે કે ટૂંક સમયમાં પ્રતીક્ષા મુંબઈના પડકારજનક રસ્તાઓ પર પ્રવાસીઓથી ભરેલી બેસ્ટની બસ ચલાવતી દેખાશે.
મિકેનિકલ એન્જિનિયરિંગની સ્ટુડન્ટ
24 વર્ષીય પ્રતીક્ષા બેસ્ટની પ્રથમ મહિલા બસ ડ્રાઈવર છે. છેલ્લા છ વર્ષથી મારી ઈચ્છા હતી અને હવે એ પૂરી થઈ રહી છે એવી ભાવના એણે વ્યક્ત કરી હતી. પ્રતીક્ષાએ તાજેતરમાં મિકેનિકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું છે. પ્રતીક્ષાને ઘણા સમયથી ભારે વાહન ચલાવવામાં રસ છે. એ સ્પોર્ટ્સ બાઈક, સ્પોર્ટ્સ કાર સાથે બસ અને ટ્રક પણ ચલાવી શકે છે.
ખૂબ ઓછા સમયમાં બસ ચલાવતા શીખી લીધું
અત્યારે પ્રતીક્ષા ગોરેગાવ ડેપોમાં એને આપવામાં આવેલા ટ્રેનિંગ માટેના માર્ગ પર બસ ચલાવે છે. આ પહેલાં એણે ‘બેસ્ટ’ના ડેપોમાં બસ ચલાવવાનું પ્રશિક્ષણ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. એને સ્ટિરિયરીંગ પર નિયંત્રણ રાખવું ફાવશે કે? એવા અનેક સવાલ પ્રશિક્ષણ આપતા કર્મચારીઓને થયા હતા. જોકે પ્રતીક્ષા ખૂબ ઓછા સમયમાં બસ ચલાવતા શીખી.
‘આરટીઓ અધિકારી બનવું છે’
મહિલા બસ ડ્રાઈવરની સીટ પર બેસી શકતી નથી એમ કોણે જણાવ્યું એવો સવાલ એ કરે છે. ઠાકુર કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ પૂરું કરનાર પ્રતીક્ષાને આરટીઓ અધિકારી બનવું છે. તેણે કહ્યું કે, આરટીઓ અધિકારી બનવા ભારે વાહનોનું લાયસન્સ હોવું જરૂરી છે. ઉપરાંત મારે બસ ચલાવતા પણ શીખવું હતું. મેં બસ ચલાવવાની શરૂઆત કરી ત્યારે બેસ્ટના પ્રશિક્ષકો ચિંતિત જોવા મળ્યા હતા એમ પ્રતીક્ષાએ જણાવ્યું હતું.