ચિદમ્બરમને ઈડીના કેસમાં 26 તારીખ સોમવાર સુધીના વચગાળાના જામીન

0
32

પૂર્વ ગૃહ-નાણામંત્રી પી. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે 26 તારીખ, સોમવાર સુધીના વચગાળાના જામીન આપ્યા છે.

સુપ્રીમ કોર્ટ હવે આ મામલાની સુનાવણી સોમવારે કરશે. આ જામીન તેમને ઈડીના કેસમાં આપવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે સીબીઆઈ દ્વારા તેમની ધરપકડના મામલે પણ તે સોમવારે સુનાવણી કરશે.

અદાલતમાં સીબીઆઈએ કહ્યું કે ચિદમ્બરમ હાલ કસ્ટડીમાં છે, એટલે આગોતરા જામીનની અરજી ટકવાપાત્ર નથી.

ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે દિલ્હી હાઈકોર્ટે સાંજે 4 વાગે આદેશ આપ્યો. અમે તરત કોર્ટ પહોંચ્યા અને ચીફ જસ્ટિસને વિનંતી કરી.

એમણે સવારે મૅન્શન કરવાનું કહ્યું. અમે રાતે પિટિશન તૈયાર કરી અને સવારે રજૂ કરી.

બપોરે બે વાર જામીન અરજી રજૂ કરી અને ત્યાં સુધી સીબીઆઈએ ધરપકડ કરી નહોતી.

કપિલ સિબ્બલે કહ્યું કે મને સુનાવણીનો અધિકાર છે. મને જીવવાનો અધિકાર છે. અમારો કેસ સાંભળવામાં આવે.

ત્યાર પછી સુપ્રીમ કોર્ટે કહ્યું કે પિટિશન પ્રભાવહિન થઈ ગઈ છે.

કપિલ સિબ્બલે કહ્યું કે ‘અમે સીબીઆઈએ ધરપકડનો વિરોધ કર્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટ એના પર પણ સુનાવણી કરશે.’

આમ હવે ઈડીને લગતા કેસની તથા સીબીઆઈને લગતા કેસની તેમજ ધરપકડ અને આગળના જામીનની સુનાવણી સોમવારે થશે.

ગઈકાલે દિલ્હીની ખાસ સીબીઆઈ અદાલતે પી. ચિદમ્બરમને 5 દિવસના રિમાન્ડ આપ્યા છે. એ રિમાન્ડ પણ સોમવાર સુધીના છે.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ આર ભાનુમતી અને એ. એસ. બોપન્ના આ કેસમાં સુનાવણી કરી હતી.

આ દરમિયાન સવારે ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે ટ્વિટર પર કહ્યું કે અર્થતંત્ર આઈસીયૂમાં છે અને જે લોકો નાગરિક સ્વાતંત્ર્યનો બચાવ કરે છે, એમને લૂક-આઉટ નોટિસ આપવામાં આવે છે.

ગઈકાલે આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમને સીબીઆઈની કોર્ટે 26 ઑગસ્ટ સુધી સીબીઆઈની કસ્ટડીમાં મોકલી દીધા હતા.

બીજી તરફ ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ જામીનની માગ કરી હતી.

બન્ને પક્ષોએ પોતપોતાની દલીલો રજૂ કરી હતી. સીબીઆઈની કોર્ટે ચિદમ્બરમની દલીલ ન સાંભળી અને તેમને કસ્ટડીમાં મોકલી દીધા.

આ પહેલાં સીબીઆઈના કાર્યાલયમાં ત્રણ કલાક સુધી ચિદમ્બરમની પૂછપરછ કરવામાં આવી હતી અને બાદમાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

સીબીઆઈએ ચિદમ્બરમના પાંચ દિવસ માટે રિમાન્ડ માગ્યા હતા અને દાવો કર્યો હતો કે તેઓ તપાસમાં સહયોગ નથી કરી રહ્યા.

સીબીઆઈએ કહ્યું હતું ચિદમ્બરમનો મામલો બહુ ગંભીર છે એટલે એમની કસ્ટડી જરૂરી છે.

આ પહેલાં દિલ્હી હાઈકોર્ટે અગ્રિમ જામીનઅરજી ફગાવી દીધી હતી.


ગુરુવારે કોર્ટમાં શું થયું?

સીબીઆઈએ ભ્રષ્ટાચારના મામલે ધરપકડ કરેલા પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

ચિદમ્બરમ તરફથી પૂર્વ કાયદામંત્રી કપિલ સિબ્બલ સીબીઆઈની વિશેષ કોર્ટમાં દલીલ કરી હતી.

ચિદમ્બરમને સીબીઆઈના ખાસ જજ અજય કુમાર કુહારની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

સીબીઆઈ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સીબીઆઈ ચિદમ્બરમના પાંચ દિવસના રિમાન્ડ માગી રહી છે.

સીબીઆઈએ કોર્ટમાં એવું પણ કહ્યું કે તે ચિદમ્બરમની પૂછપરછ કરવા માગે છે.

સીબીઆઈ તરફથી કોર્ટમાં એવું પણ કહેવાયું કે ચિદમ્બરમ બચવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પૂછપરછમાં સહયોગ નથી કરી રહ્યા.

સોલિસિટર જનરલે કહ્યું, ‘મૌન રહેવું બંધારણીય અધિકાર છે પણ તેઓ સહયોગ નથી કરી રહ્યા.’

સીબીઆઈ તરફથી કોર્ટમાં એવું પણ કહેવાયું કે આ મની લૉન્ડરિંગનો ક્લાસિક કેસ છે.

આ પહેલાં ચિદમ્બરમની બુધવાર સાંજે દિલ્હી ખાતેમના તેમના નિવાસમાંથી અટકાયત કરવામાં આવી હતી.

સીબીઆઈ ચિદમ્બરમ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે, જેને તેઓ ફગાવતા રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here