Saturday, September 18, 2021
Homeબોલીવૂડઇન્ટરવ્યૂ : બોલિવૂડના એક્ટર નસીરુદ્દીન શાહે સરકારની તુલના નાઝી જર્મન સાથે કરી

ઇન્ટરવ્યૂ : બોલિવૂડના એક્ટર નસીરુદ્દીન શાહે સરકારની તુલના નાઝી જર્મન સાથે કરી

 

બોલિવૂડના દિગ્ગજ એક્ટર નસીરુદ્દીન શાહ ફરી એકવાર પોતાના એક ઇન્ટરવ્યૂને કારણે ચર્ચામાં આવ્યા છે. આ ઇન્ટરવ્યૂમાં તેણે સરકારની તુલના નાઝી જર્મન સાથે કરી છે અને તેઓ પોતાના માટે નહીં, પરંતુ સંતાનો માટે ચિંતિત હોવાની વાત કરી હતી. આટલું જ નહીં નસીરુદ્દીન શાહે એમ પણ કહ્યું હતું કે શા માટે બોલિવૂડના ત્રણ ખાન મહત્ત્વના મુદ્દાઓ પર ચૂપ રહે છે. નોંધનીય છે કે થોડાં દિવસ પહેલાં તેમણે તાલિબાનની તરફેણ કરનારા ભારતીય મુસ્લિમો અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે હિન્દુસ્તાની ઇસ્લામ કાયમ દુનિયાભરના બાકી ઇસ્લામથી અલગ રહ્યો છે અને ખુદા એવો સમય ના બતાવે કે તે એ હદે બદલાઈ જાય કે આપણે તેને ઓળખી પણ ના શકીએ.

શું કહ્યું નસીરુદ્દીન શાહે?
આપેલા ઇન્ટરવ્યૂમાં નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે ફિલ્મ ઉદ્યોગ ઘણી હદ સુધી ધાર્મિક ભેદભાવ તથા ઈસ્લામોફોબિયાથી દૂર રહ્યો છે. જોકે, હવે ધીમે ધીમે ફિલ્મ પ્રોડ્યૂસર્સને ફડિંગ કરીને પ્રોપેગેન્ડા ફિલ્મ બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ ઈસ્લામોફોબિયા થઈ રહી છે. સરકાર ફિલ્મમેકર્સને આ પ્રકારની ફિલ્મ બનાવવા માટે પૈસા આપે છે.

ભેદભાવનો સામનો થયો નથી
ઇન્ટરવ્યૂમાં નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે મુસ્લિમ હોવાને કારણે તેમણે ક્યારેય ભેદભાવનો સામનો કર્યો નથી. જોકે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો પોતાના મનની વાત કહી દે, પછી દરેક જગ્યાએ તેમને હેરાન કરવામાં આવે છે. તે માને છે કે તેમનું યોગદાન અહમ છે. ઇન્ડસ્ટ્રીમાં માત્ર એક જ ભગવાન છે અને તે પૈસા છે. તમારી કમાણી જેટલી વધારી, ઇન્ડસ્ટ્રીમાં તમને માન પણ એટલું જ મળશે.

બોલિવૂડના ત્રણ ખાન કેમ ચૂપ રહે છે?
નસીરુંદ્દીનને પૂછવામાં આવ્યું હતું કે આખરે બોલિવૂડના ત્રણ ખાન કેમ હંમેશાં ચૂપ રહે છે. જવાબમાં તેમણે કહ્યું હતું કે તે આ ત્રણની તરફથી તો કંઈ ના કહી શકે, પરંતુ તેમને એ વાતનો અંદેશો છે કે આ લોકોને કેટલા ઉત્પીડનનો ભોગ બનવું પડે. તેઓ (સલમાન, શાહરુખ તથા આમિર) તે ઉત્પીડનને કારણે ચિંતામાં છે. તેમની પાસે ગુમાવવા માટે ઘણું બધું છે. માત્ર આર્થિક કે પછી એકાદ-બે જાહેરાત સુધી આ સીમિત નથી, પરંતુ તેમને દરેક રીતે હેરાન કરવામાં આવે છે. જે પણ બોલવાની હિંમત કરે છે, તેને હેરાન કરવામાં આવે છે. આ માત્ર જાવેદસાહેબ કે તેમના સુધી સીમિત નથી. જે પણ રાઇટ વિંગ માનસિકતા વિરુદ્ધ બોલે છે, તેમની સાથે આમ જ થાય છે.

કરિયરની શરૂઆતમાં સરનેમ બદલવાની સલાહ આપી હતી
વધુમાં તેમણે કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમણે કટ્ટરતાનો સામનો ક્યારેય કર્યો નથી, પરંતુ એક્ટિંગ કરિયરની શરૂઆત કરી ત્યારે તેમને નામ બદલવાની સલાહ આપવામાં આવી હતી. જોકે, તેમને ખ્યાલ નહોતો કે નામ બદલવાથી તેમને કોઈ ફાયદો થશે કે નહીં. હવે ફિલ્મમેકર્સ પર સરકારનું સમર્થન કરતી ફિલ્મ બનાવવાનું પ્રેશર કરવામાં આવે છે. તે લોકો પૈસા આપે છે અને સ્પષ્ટ રીતે કહે છે કે જો તમે સરકારનું સમર્થન કરતી ફિલ્મ બનાવશો તો તેને તરત જ ક્લીનચિટ આપી દેવામાં આવશે.

સરકારની તુલના હિટલરના નાઝી જર્મની સાથે કરી
નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે ફિલ્મ પ્રોડ્યૂસર્સ-એક્ટર્સને સરકારના સમર્થનમાં ફિલ્મ બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આપણાં પ્રિય નેતાઓના પ્રયાસોના વખાણ કરવા માટે ફિલ્મ બનાવવાનું કહેવામાં આવે છે અને આ માટે પૈસા પણ આપવામાં આવે છે. આવું જ કંઈક પહેલાં જર્મનીમાં થતું હતું. ત્યાં વિશ્વ સ્તરીય ફિલ્મ પ્રોડ્યૂસર્સને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને હિટલરના નાઝી દર્શનનો પ્રચાર કરનારી ફિલ્મ બનાવવાનું કહેવામાં આવ્યું હતું.

મને મારા બાળકોનો ડર છે
નસીરુદ્દીન શાહે આગળ કહ્યું હતું કે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો ત્યારબાદ ભારતમાં કેટલાંક મુસ્લિમોએ ઉજવણી કરી હતી. તેમણે આ અંગે વાત કરી હતી, પરંતુ તેને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી. તેમને એ વાતનું દુઃખ હતું કે મુસ્લિમ સમુદાયના કેટલાંક લોકો આ વાત સાથે સહમત છે. કેટલાંક રાઇટ વિંગના લોકોએ પણ તેમના વખાણ કર્યા હતા, પરંતુ તેમને આની કોઈ જરૂર નથી. તે પોતાના વિશે ચિતિંત નથી, પરંતુ તેમને બાળકોની ચિંતા છે અને તેમને બાળકો અંગે ઘણો જ ડર લાગે છે. ‘પાકિસ્તાન જાઓ’ના સૂત્રોચ્ચારનો ઉલ્લેખ કરતાં નસીરુદ્દીને મજાકમાં કહ્યું હતું કે તેમને એકવાર પાકિસ્તાન જવા માટેની ટિકિટ પણ મોકલવામાં આવી હતી. આ ટિકિટ ‘મુંબઈથી કોલંબો’ અને ‘કોલંબોથી કરાચી’ સુધીની હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments