અમદાવાદના વસ્ત્રાલમાં જાહેરમાં મારામારી કરનાર આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યા બાદ તેમના ગેરકાયદે બાંધકામો પર પણ બૂલડોઝર ફેરવી ગુનેગારો અને ગુનાખોરી ડામવાની દિશામાં અનુકરણીય પગલું લીધું છે. જો કે, હવે આ કાર્યવાહી માત્ર અમદાવાદ પુરતી સિમિત ન રહેતાં ભાવનગર સુધી લંબાય તેવી શક્યતા વધી છે. ભાવનગર પોલીસ બેડાના સૂત્રોના જણાવ્યાનુંસાર, તાજેતરમાં રાજ્યના પોલીસ વડાની સૂચનાથી ભાવનગર શહેર અને જિલ્લામાં એકથી વધુ ગંભીર ગુના આચર્યા હોય તેવા ગુનેગારોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે.હાલ આ ગુનેગારોને ગુનાના પ્રકાર અને ગંભીરતના આધારે અલગ તારવવામાં આવી રહ્યા છે. તેમ જણાવતાં સૂત્રોઓ ઉમેર્યું કે, હાલ આ લિસ્ટમાં પ્રાથમિક દ્રષ્ટીએ ૨૦ ગુનેગારોની નામાવલી અલગ તારવવામાં આવી છે જે તમામે તેમના પોતાના રહેણાંકી અને ધંધા-રોજગારના સ્થળે ગેરકાયદે દબાણ કર્યું છે કે કેમ? તે દિશામાં ગુપ્ત રાહે તપાસ આદરી છે.પોલીસની તપાસમાં ૨૦ પૈકીના જે ગુનેગારો દ્વારા ગેરકાયદે બાંધકામ કરાયું હોવાનું માલૂમ પડશે તો ખરાઈ અર્થે સંબંધિત સરકારી કચેરીને જાણ કરી ગેરકાયદે બાંધકામ પર બૂલડોઝર ફેરવવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ સૂત્રોએ માહિતી આપતાં અંતમાં જણાવ્યું હતું. પોલીસની આ ગુપ્ત કાર્યવાહીની જાણ ગુનેગારોમાં થતાં રીતસર ફફડાટ ફેલાઈ ગયો છે.
10 દિવસમાં તપાસ અહેવાલ આવશે તેના આધારે કાર્યવાહી થશેઃ જિલ્લા પોલીસ વડા
ભાવનગર શહેર અને જિલ્લામાં ૨૦ ગુનેગારોએ પૈકી કોઈએ પોતાના રહેણાંક અને ધંધા-રોજગારના સ્થળે ગેરકાયદે દબાણ કે બાંધકામ કર્યા છે કે કેમ? તેની પોલીસ તપાસ ચાલી રહી હોવાનું ભાવનગર જિલ્લા પોલીસ વડા ડૉ. હર્ષદ પટેલે સમર્થન આપ્યું હતું. અને જણાવ્યું કે, તપાસનીશ ટીમને સ્થળ મુલાકાત લઈ દબાણ છે કે નહીં? તેની ફોટોગ્રાફસ, ગૂગલ લોકેશન સાથે ૧૦ દિવસમાં તપાસ અહેવાલ આપવા તાકિદ કરાઈ છે. અહેવાલમાં ગુનેગારો દ્વારા દબાણ કરાયું હોવાનું માલૂમ પડશે તો શહેર અને જિલ્લાના સબંધિત સરકારી કચેરીને જાણ કરી તેને નોટિસ આપવાથી લઈ તેનું બાંધકામ તોડી પાડવા પોલીસ વિભાગ અન્ય કચેરી સાથે રહીને સયુંકત કામગીરી કરશે. તેમ તેમણે અતંમાં જણાવ્યું હતું.