Saturday, September 18, 2021
Homeસોનામાં રોકાણ : લોકો ગોલ્ડ ETF રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા
Array

સોનામાં રોકાણ : લોકો ગોલ્ડ ETF રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા

શેર બજારમાં રેકોર્ડ બ્રેકિંગ શેરોની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં રોકાણકારો તેમના પોર્ટફોલિયોને સંતુલિત કરવા માટે તેને ડાઈવર્સિફાઈ કરી રહ્યા છે. જેના કારણે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF)માં તેનું રોકાણ વધ્યું છે. જૂનમાં ગોલ્ડ ETF ફોલિયોની સંખ્યા મંથલી બેઝ પર 9.83% વધીને 18.32 લાખ પહોંચી ગઈ.

છેલ્લા 6 મહિનામાં ગોલ્ડ ETF ફોલિયો 41% વધ્યો
છેલ્લા 6 મહિનામાં ગોલ્ડ ETF ફોલિયોની સંખ્યામાં 41%નો ઉછાળો આવ્યો છે. ડિસેમ્બર 2020માં ગોલ્ડ ETFના ફોલિયોની સંખ્યા 12.99 લાખ હતી. જૂનમાં ફોલિયોની સંખ્યામાં વૃદ્ધિ એવા સમયે આવી છે, જ્યારે આખા મહિનામાં 24 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 47 હજાર રૂપિયાથી વધારે હતી. ગોલ્ડ ETF અંતર્ગત જૂન ક્વાર્ટરમાં એસેટ્સ 13.52% વધીને 48,479 કરોડ રૂપિયા થઈ ગયા. તે માર્ચમાં 42,706 કરોડ રૂપિયા હતી. તે સિવાય જૂન 2021 સુધી ગોલ્ડ ETFના એસેટ અન્ડર મેનેજમેન્ટ (AUM) પણ 16,225 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા છે.

આ વર્ષે આ રીતે વધ્યું ગોલ્ડ ETFમાં રોકાણ

મહિનો રોકાણ
જાન્યુઆરી 625 કરોડ રૂ.
ફેબ્રુઆરી 491 કરોડ રૂ.
માર્ચ 662 કરોડ રૂ.
એપ્રિલ 680 કરોડ રૂ.
મે 288 કરોડ રૂ.
જૂન 360 કરોડ રૂ.

સોનામાં રોકાણ કેમ વધી રહ્યું છે?
રોકાણકારો હંમેશા વધારે અને સુરક્ષિત નફો ઈચ્છે છે અને આ નફો તેમને સ્ટોક માર્કેટ, ફિક્સ્ડ ડિપોઝિટ, વિવિધ પ્રકારના બોન્ડ અથવા સોનામાં પૈસાનું રોકાણ કરવાથી મળે છે. પરિસ્થિતિ જ્યારે સામાન્ય હોય છે તો આ નફો સ્ટોક માર્કેટ, બોન્ડ વગેરેમાંથી મળે છે પરંતુ જ્યારે દુનિયાની અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતાની સ્થિતિ બને છે તો રોકાણકારો સોનામાં રોકાણ વધારી દે છે. તેમને લાગે છે કે સોનાથી તેમને સુરક્ષા મળશે અને તેની કિંમત ઘટશે નહીં. છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો સોનાએ વાર્ષિક સરેરાશ 10 ટકાનું રિટર્ન આપ્યું છે.

સોનામાં મર્યાદિત રોકાણ ફાયદાકારક
રૂંગટા સિક્યોરિટીઝના સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર હર્ષવર્ધન રૂંગટાના જણાવ્યા પ્રમાણે, ભલે તમને સોનામાં રોકાણ કરવાનું પસંદ હોય તો પણ તમારે તેમાં મર્યાદિત રોકાણ કરવું જોઈએ. એક્સપર્ટના અનુસાર, કુલ પોર્ટફોલિયોના માત્ર 10થી 15 ટકા જ સોનામાં રોકાણ કરવું જોઈએ. કોઈ સંકટના સમયમાં સોનામાં રોકાણ તમારા પોર્ટફોલિયોમાં સ્થિરતા લાવી શકે છે, સાથે લાંબા સમયગાળામાં તે તમારા પોર્ટફોલિયોનું રિટર્ન ઓછું કરી શકે છે.

શું છે ગોલ્ડ ETF?
આ એક ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ હોય છે, જે સોનાના વધતા-ઘટતા ભાવો પર આધારિત હોય છે. ETF વધારે કોસ્ટ ઈફેક્ટિવ હોય છે. એક ગોલ્ડ ETF યુનિટનો અર્થ છે 1 ગ્રામ સોનું. તે પણ સંપૂર્ણ રીતે શુદ્ધ. તે ગોલ્ડમાં રોકાણની સાથે સ્ટોકમાં ઈન્વેસ્ટમેન્ટની ફ્લેક્સિબિલિટી આપે છે. ગોલ્ડ ETFની ખરીદી-વેચાણ શેરની જેમ BSE અને NSE પર કરવામાં આવી શકે છે. જો કે, તેમાં તમને સોનું નથી મળતું. જ્યારે તમે તેનાથી નીકળવા માગો ત્યારે તમને તે સમયે સોનાનો જે ભાવ હશે એટલા પૈસા મળશે.

ગોલ્ડ ETFમાં રોકાણ કરવાના ઘણા ફાયદા છે
ઓછી માત્રામાં પણ સોનું ખરીદી શકાય છેઃ ETF દ્વારા સોનું યૂનિટ્સમાં ખરીદવામાં આવે છે, જ્યાં એક યૂનિટ એક ગ્રામનું હોય છે. આનાથી ઓછી માત્રામાં અથવા SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) દ્વારા સોનું ખરીદવું સરળ બને છે. ફિઝિકલ ગોલ્ડ સામાન્ય રીતે તોલા (10 ગ્રામ)ના ભાવે વેચાય છે. ઝવેરી પાસેથી ખરીદતી વખતે ઘણી વાર ઓછી માત્રામાં સોનું ખરીદવું શક્ય નથી.

શુદ્ધ સોનું મળે છેઃ ગોલ્ડ ETFની કિંમત ટ્રાન્સપરન્ટ અને એકસમાન હોય છે. તે લંડન બુલિયન માર્કેટ એસોસિએશનનું અનુકરણ કરે છે, જે કિંમતી ધાતુઓની ગ્લોબલ ઓથોરિટી છે. તેમજ, ફિઝિકલ ગોલ્ડને વિવિધ વેચાણકર્તા/જ્વેલર્સ જુદા-જુદા ભાવ પર આપી શકે છે. ગોલ્ડ ETF પાસેથી ખરીદેલા સોનાની 99.5% શુદ્ધતાની બાંયધરી આપવામાં આવે છે, જે શુદ્ધતાનું ઉચ્ચતમ સ્તર છે. વ્યક્તિ દ્વારા લેવામાં આવેલા સોનાનો ભાવ આ શુદ્ધતાના આધારે રહેશે.

જ્વેલરી મેકિંગ ચાર્જ નથી આવતોઃ ગોલ્ડ ETF ખરીદવામાં 0.5% અથવા તેનાથી ઓછું બ્રોકરેજ લાગે છે અને પોર્ટફોલિયો મેનેજ કરવા માટે દર વર્ષે 1% ચાર્જ ચૂકવવો પડે છે. આ એ 8%થી 30% મેકિંગ ચાર્જિસની તુલનામાં કંઇ જ નથી, જે સિક્કા અથવા બાર ખરીદવા પર જ્વેલર અને બેંકને આપવો પડે છે.

સોનું સુરક્ષિત રહે છેઃ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ ડીમેટ ખાતામાં હોય છે, જેમાં ફક્ત વાર્ષિક ડીમેટ ચાર્જ ચૂકવવાનો રહે છે. તે ઉપરાંત ચોરી થવાનો ડર નથી રહેતો. તેમજ, ફિઝિકલ ગોલ્ડમાં ચોરીના જોખમ સિવાય તેની સુરક્ષામાં પણ ખર્ચ કરવો પડે છે.

વેપારમાં સરળતા: ગોલ્ડ ETFને કોઈપણ મુશ્કેલી વગર તરત ખરીદી અને વેચી શકાય છે. તે ETFનો એક ઉચ્ચ લિક્વિડ ભાગ આપે છે. ગોલ્ડ ETFનો લોન લેવા માટે સિક્યોરિટી તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.

તેમાં કેવી રીતે રોકાણ કરી શકાય છે?
ગોલ્ડ ETF ખરીદવા માટે તમારે તમારા બ્રોકર દ્વારા ડીમેટ અકાઉન્ટ ખોલાવું પડશે. તેમાં NSE પર ઉપબલ્ધ ગોલ્ડ ETFના યુનિટ તમે ખરીદી શકો છો અને તેના જેટલી રકમ તમારા ડીમેટ અકાઉન્ટ સાથે જોડાયેલા બેંક અકાઉન્ટમાંથી કટ થઈ જશે. તમારા ડીમેટ ખાતામાં ઓર્ડર મૂક્યાના બે દિવસ પછી તમારા ખાતામાં ગોલ્ડ ETF જમા થઈ જાય છે. ટ્રેડિંગ ખાતા દ્વારા જ ગોલ્ડ ETFનું વેચાણ કરી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments