ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવ્યું. ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 173 રનનો ટાર્ગેટ હતો, પરંતુ 20 ઓવરમાં માત્ર 157 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાત ટાઇટન્સ તરફથી ઓપનર શુભમન ગિલે સૌથી વધુ રન બનાવ્યા હતા. શુભમન ગિલે 38 બોલમાં 42 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આ સિવાય ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા સહિત બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. જો કે, રાશિદ ખાને છેલ્લી ઓવરમાં 16 બોલમાં 30 રનની ઝડપી ઇનિંગ રમી હતી, પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહોતો.
ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરોની વાત કરીએ તો દીપક ચહર સિવાય મહિષ તિક્ષ્ણા, રવિન્દ્ર જાડેજા અને મહિષા પથિરાનાએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે તુષાર દેશપાંડેને 1 સફળતા મળી હતી. આ જીત બાદ મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ફાઇનલમાં પહોંચી ગઈ છે. જો કે ગુજરાત ટાઇટન્સને ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક મળશે. બુધવારે એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ આમને-સામને થશે. આ મેચમાં વિજેતા ટીમ ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની એલિમિનેટરમાં હારનારી ટીમની સફરનો અંત આવશે. જોકે આ સિઝનની બીજી ક્વોલિફાયર મેચ 26 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
આ પહેલા ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટે 172 રન બનાવ્યા હતા. આ રીતે તેમની ગુજરાત ટાઇટન્સને મેચ જીતવા માટે 173 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ડ્વેન કોનવેએ પ્રથમ વિકેટ માટે 10.3 ઓવરમાં 87 રન જોડ્યા હતા, પરંતુ બંને ઓપનરોના આઉટ થયા બાદ શિવમ દુબે અને અજિંક્ય રહાણે જેવા બેટ્સમેનો સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા, પરંતુ રવિન્દ્ર જાડેજા 16 બોલમાં 22 રન બનાવીને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યા હતા.