ફેસબુક હેટસ્પીચ વિવાદ : સાંસદોએ ફેસબુકને પૂછ્યું- જયશ્રી રામ કહેવું કોમ્યૂનલ છે કે શું? મોદી- સોનિયાના કેટલાં ફેક્ટ ચેક કરાવ્યાં? સંસદીય સમિતિ સમક્ષ હાજર થયા ફેસબુકના અધિકારી

0
0

હેટસ્પીચ અંગે વિવાદોમાં ઘેરાયેલી ફેસબુકના પ્રતિનિધિઓ બુધવારે સંસદીય સમિતિ સમક્ષ હાજર થયા હતા. ત્યાં આશરે 200 મિનિટ સુધી ધડાધડ સવાલો પૂછાયા હતા. હેટસ્પીચ અંગે ભાજપના પક્ષમાં વૉલસ્ટ્રીટ જર્નલ અને ટાઈમ મેગેઝિનમાં ખુલાસા અંગે કોંગ્રેસના સભ્યોએ ફેસબુકને ઘેરી તો ભાજપના સભ્યોએ જે સવાલ કર્યા તેનો ભાવાર્થ એવો હતો કે માર્ક ઝુકરબર્ગની આ કંપની કોંગ્રેસ સાથે સાંઠગાંઠ રાખીને કામ કરી રહી છે.

ત્રીસ સભ્યોની સમિતિનું નેતૃત્વ શશિ થરુર પાસે છે જે સોશિયલ મીડિયા પર કોંગ્રેસ વતી સૌથી વધુ ટિપ્પણીઓ કરે છે. તેમને શાંત કરવા માટે સમિતિની બેઠકમાં ભાજપ સાંસદ સંપૂર્ણ તૈયારી સાથે પહોંચ્યા હતા. તેમણે ફેસબુકની સાથે કોંગ્રેસની નજીકતાઓનો સંપૂર્ણ ઈતિહાસ ચકાસ્યો.

ભાજપના સભ્યોએ તેમના તમામ પ્રશ્નો આ સંબંધો અંગે જ પૂછ્યા. ફેસબુકના ઈન્ડિયાના વડા અજિત મોહનને તેમણે સીધો સવાલ કર્યો કે કાશ્મીર વિશે તેમનો શું અભિપ્રાય છે? તેમના લેખનો હવાલો આપી એ પણ સવાલ કરાયો કે શું તે માને છે કે કાશ્મીરમાં સુરક્ષાના નામે ભારત સરકાર આતંક ફેલાવી રહી છે જેવું તેમણે પોતાના લેખમાં લખ્યું છે.

TMC સાંસદનો ઝુકરબર્ગને પત્ર, ભાજપ સાથે સાંઠગાંઠ અંગે ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હી | કોંગ્રેસ, ભાજપ પછી હવે તૃણમૂલ કોંગ્રેસે પણ સોશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુક સામે સવાલો ઊભા કર્યા છે. ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ સામે ભાજપ પ્રત્યે કથિત નરમ વલણ અપનાવવાનો મામલો ઊઠાવ્યો છે. સાથે જ દાવો કર્યો હતો કે આ મામલે જાહેરમાં અનેક પુરાવા છે. પાર્ટીના સૂત્રોએ કહ્યું કે બ્રાયને ઝુકરબર્ગ સાથે ઓક્ટોબર 2015માં મુલાકાત કરી હતી.

રસપ્રદ સવાલો આ હતા

  • શું જયશ્રી રામ બોલવું ફેસબુકની પોલિસીના હિસાબે સાંપ્રદાયિકતા છે ?
  • ફેસબુકના અધિકારીઓ સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના શું સંબંધ છે?
  • ફેસબુક પોતાને ભારતમાં ઈન્ટર મીડિએટરી કેમ કહે છે? જોકે કેલિફોર્નિયાની કોર્ટમાં તેણે ખુદને એક પબ્લિશર તરીકે સ્વીકારી છે?
  • ફેસબુકના ફેક્ટ ચેકિંગ બોર્ડમાં સામેલ કોઈ પાર્ટનર શું કોંગ્રેના ડેટા એનાલિટિક્સમાં કામ કરી ચૂક્યું છે?
  • રાષ્ટ્રવાદી વિચારધારા સંબંધિત કેટલી પોસ્ટ 2019માં ફેસબુકે ડીલિટ કરી?
  • શું આ સત્ય છે કે રાષ્ટ્રવાદી વિચારધારા સંબંધિત એ 700 પેજ હટાવી દેવાયા જેની કુલ ફોલોવિંગ 26 લાખથી વધુ હતી?
  • શું આ સત્ય છે કે કોંગ્રેસ અને ડાબેરી વિચારધારા સાથે સંકળાયેલા જે લેખ હટાવાયા તેની કુલ ફોઓવિંગ 2 લાખ હતી?
  • શું કેમ્બ્રિજ એનાલિટિકા કોંગ્રેસ સાથે મળીને 2019માં કામ કરી રહી હતી?
  • શું ફેસબુકે 2019ની ચૂંટણીને પ્રભાવિત કરવા પ્રયાસ કર્યો હતો?
  • પીએમ મોદીનાં નિવેદનો અંગે ફેસબુકે કેટલાં ફેક્ટ ચેક કર્યા? અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનાં નિવેદનોને કેટલીવાર ચેક કર્યા?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here